Home> India
Advertisement
Prev
Next

Anna Hazare Letter: દારૂ નીતિ પર અન્ના હજારેએ CM કેજરીવાલને લખ્યો પત્ર, 'તમારી કથની અને કરણીમાં ફરક'

Anna Hazare Letter: અન્ના હજારેએ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને પત્ર લખ્યો છે અને પોતાની હૈયાવરાળ કાઢી છે. અન્ના હજારેએ પોતાના પત્રમાં અરવિંદ કેજરીવાલને સંબોધિત કરતા લખ્યું છે કે તમારા મુખ્યમંત્રી બન્યા બાદ પહેલીવાર હું તમને પત્ર લખી રહ્યો છું. છેલ્લા કેટલાક દિવસથી દિલ્હી સરકારની દારૂ નીતિને લઈને જે ખબરો આવી રહી છે તેને વાંચીને દુ:ખ થાય છે. 

Anna Hazare Letter: દારૂ નીતિ પર અન્ના હજારેએ CM કેજરીવાલને લખ્યો પત્ર, 'તમારી કથની અને કરણીમાં ફરક'

Anna Hazare Letter: દિલ્હીમાં આબકારી નીતિમાં કથિત કૌભાંડના આરોપોનો સામનો કરી રહેલી આમ આદમી પાર્ટીની મુશ્કેલીઓ ઓછી થઈ રહી નથી. હવે દિલ્હીના મુખ્યમંત્રી સીએમ અરવિંદ કેજરીવાલને અન્ના હજારેએ પત્ર લખ્યો છે અને કહ્યું કે તેઓ દિલ્હીમાં દારૂની દુકાનો બંધ કરાવે. તેમણે એમ પણ લખ્યું છે કે અરવિંદ કેજરીવાલે સ્વરાજ પુસ્તકમાં મોટી મોટી વાતો લખી હતી, પરંતુ તેમના આચરણ પર તેની અસર જોવા મળતી નથી. અન્ના હજારેએ પોતાના પત્રમાં અરવિંદ કેજરીવાલને સંબોધિત કરતા લખ્યું છે કે તમારા મુખ્યમંત્રી બન્યા બાદ પહેલીવાર હું તમને પત્ર લખી રહ્યો છું. છેલ્લા કેટલાક દિવસથી દિલ્હી સરકારની દારૂ નીતિને લઈને જે ખબરો આવી રહી છે તેને વાંચીને દુ:ખ થાય છે. આ સાથે જ અન્ના હજારેએ પત્ર દ્વારા દારૂ સંલગ્ન સમસ્યાઓ વિશે સૂચનો પણ આપ્યા છે. 

fallbacks

અન્ના હજારેનો પત્ર...

સતત આંદોલનથી મહારાષ્ટ્રમાં 10 કાયદા બન્યા
અન્ના હજારેએ પત્રમાં લખ્યું છે કે ગાંધીજીના ગાવ કી ઓર ચલો... આ વિચારોથી પ્રેરિત થઈને મે મારું આખું જીવન ગામ, સમાજ અને દેશ માટે સમર્પિત કર્યું. છેલ્લા 47 વર્ષથી ગ્રામ વિકાસ માટે કામ અને ભ્રષ્ટાચાર વિરોધમાં જન આંદોલન કરી રહ્યો છું. મહારાષ્ટ્રમાં 35 જિલ્લામાં 252 તહસિલમાં સંગઠન બનાવ્યું. ભષ્ટ્રાચાર વિરોધમાં તથા વ્યવસ્થા પરિવર્તન માટે સતત આંદોલન કર્યા. આ કારણે મહારાષ્ટ્રમાં 10 કાયદા બન્યા. શરૂઆતમાં ગામમં ચલનારી 35 દારૂની ભઠ્ઠીઓ બંધ કરી. તમે લોકપાલ આંદોલનના કારણે અમારી સાથે જોડાયા. ત્યારથી તમે અને મનિષ સિસોદિયા અનેકવાર રાલેગણસિદ્ધિ ગામ આવી ચૂક્યા છો. ગામવાળાઓએ કરેલું કામ તમે જોયું છે. છેલ્લા 35 વર્થથી ગામમાં દારૂ, બીડી, સિગારેટ વેચાણ માટે નથી. આ જોઈને તમે પ્રેરિત થયા હતા. તમે આ વાતની પ્રશંસા પણ કરી હતી. 

સ્વરાજ પુસ્તક વિશે ઉલ્લેખ
પત્રમાં લખ્યું છે કે રાજનીતિમાં આવતા પહેલા તમે સ્વરાજ નામનું પુસ્તક લખ્યું હતું. આ પુસ્તકની પ્રસ્તાવના તમે મારી પાસે લખાવી હતી. આ સ્વરાજ નામના પુસ્તકમાં તમે ગ્રામસભા, દારૂ નીતિ અંગે મોટી મોટી વાત લખી હતી. પુસ્તકમાં તમે જે લખ્યું છે તે તમને યાદ અપાવવા માટે નીચે આપી રહ્યો છું...

(પુસ્તકની વાતો)- ગામડામાં દારૂની લત:
સમસ્યા: હાલના સમયમાં દારૂની દુકાનો માટે રાજનેતાઓની ભલામણ પર અધિકારીઓ દ્વારા લાઈસન્સ અપાય છે. તેઓ લાંચ લઈને લાઈસન્સ આપે છે. દારૂની દુકાનોના કારણે ભારે સમસ્યાઓ પેદા થાય છે. લોકોનું કૌટુંબિક જીવન બરબાદ થાય છે. વિડંબણા એ છે કે જે લોકો તેનાથી સીધી રીતે પ્રભાવિત થાય છે, તેમને એ વાત માટે કોઈ પૂછતું નથી કે શું દારૂની દુકાન ખુલવી જોઈએ કે નહીં? આ દુકાનોને તેમના પર થોપી દેવાય છે. 

સૂચન- દારૂની દુકાન ખોલવા માટે કોઈ પણ લાઈસન્સ ત્યારે આપવું જોઈએ જ્યારે ગ્રામ સભા તેની મંજૂરી આપે અને ગ્રામ સભાની સંબંધિત બેઠકમાં. ત્યાં ઉપસ્થિત 90 ટકા મહિલાઓ તેના પક્ષમાં મતદાન કરે. ગ્રામ સભામાં ઉપસ્થિત મહિલાઓ સાધારણ બહુમતીથી હાલની દારૂની દુકાનોનું લાઈસન્સ રદ્દ કરાવી શકે. (સ્વરાજ- અરવિંદ કેજરીવાલના પુસ્તકમાંથી)

સત્તાના નશામાં ડૂબી ગયા હોય તેવું લાગે છે
તમારા સ્વરાજ નામના આ પુસ્તકમાં કેટલી આદર્શ વાતો લખી હતી. ત્યારે તમારી પાસેથી  ખુબ આશાઓ હતી. પરંતુ રાજકારણમાં જઈને મુખ્યમંત્રી બન્યા બાદ તમે આદર્શ વિચારધારા ભૂલી ગયા એવું લાગે છે. આથી દિલ્હી રાજ્યમાં તમારી સરકારે નવી દારૂ નીતિ બનાવી. એવું લાગે છે કે તેનાથી દારૂના વેચાણ અને દારૂ પીવાને પ્રોત્સાહન મળે છે. ગલી ગલીમાં દારૂની દુકાનો ખોલાવી શકાય છે. તેનાથી ભ્રષ્ટાચારને પ્રોત્સાહન મળી શકે છે. આ વાત જનતાના હિતમાં નથી. આમ છતાં તમે એવી દારૂ નીતિ લાવવાનો નિર્ણય કર્યો છે. એવું લાગે છે કે જે પ્રકારે દારૂનો નશો હોય છે, તે પ્રકારે સત્તાનો પણ નશો હોય છે. તમે પણ એવી સત્તાના નશામાં ડૂબી ગયા હોવ એવું લાગે છે. 

ઐતિહાસિક આંદોલનનું નુકસાન કરીને જે પાર્ટી બનાવવામાં આવી...
પત્રમાં આગળ લખ્યું છે કે 10 વર્ષ પહેલા 18 સપ્ટેમ્બર 2012ના રોજ દિલ્હીમાં ટીમ અન્નાના તમામ સભ્યોની બેઠક થઈ હતી. તે સમયે તમે રાજનીતિક રસ્તો અપનાવવાની વાત કરી હતી. પરંતુ તમે ભૂલી ગયા કે રાજકીય પાર્ટી બનાવવી એ અમારા આંદોલનનો ઉદ્દેશ નહતો. તે સમયે ટીમ અન્ના વિશે જનતાના મનમાં વિશ્વાસ પેદા થયો હતો. આથી તે સમયે મારી સોચ હતી કે ટીમ અન્નાએ દેશભરમાં ફરીને લોકશિક્ષણ લોકજાગૃતિનું કામ કરવું જરૂરી હતું. જો આ પ્રકારે લોકશિક્ષણ લોકજાગૃતિનું કામ હોત તો દેશમાં ક્યાંય પણ દારૂની આવી ખોટી નીતિ ન બનત. સરકાર કોઈ પણ પાર્ટીની હોય, સરકારને જનહિતના કામ કરવા પર મજબૂત કરવા માટે સમાન વિચારધારાવાળા લોકોનું એક પ્રેશર ગ્રુપ હોવું જરૂરી હતું. જો એવું હોત તો આજે દેશની સ્થિતિ અલગ હોત અને ગરીબ લોકોને તેનો લાભ મળત. પરંતુ દુર્ભાગ્યથી એવું બની શક્યું નહી. ત્યારબાદ તમે, મનિષ સિસોદિયા અને તમારા અન્ય સાથીઓએ મળીને પાર્ટી બનાવી અને રાજકારણમાં પગલું ભર્યું. દિલ્હી સરકારની નવી દારૂ નીતિને જોતા હવે એવું લાગી રહ્યું છે કે એક ઐતિહાસિક આંદોલનનું નુકસાન કરીને જે પાર્ટી બની ગઈ, તે પણ અન્ય પાર્ટીઓના રસ્તે જ ચાલવા લાગી. આ ખુબ જ દુ:ખની વાત છે. 

તમારી કથની અને કરણીમાં ફરક-હજારે
પત્રમાં એ પણ લખ્યું છે કે ભ્રષ્ટાચાર મુક્ત ભારત માટે ઐતિહાસિક લોકપાલ અને લોકાયુક્ત આંદોલન થયું. લાખોની સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા. તે સમયે કેન્દ્રમાં લોકપાલ અને રાજ્યોમાં લોકાયુક્તની જરૂરિયાત અંગે તમે મંચ પરથી મોટા મોટા ભાષણ આપતા હતા. આદર્શ રાજનીતિ અને આદર્શ વ્યવસ્થા અંગે તમે તમારા વિચાર રજૂ કરતા હતા. પરંતુ દિલ્હીના મુખ્યમંત્રી બન્યા બાદ તમે લોકપાલ અને લોકાયુક્ત કાયદો ભૂલી ગયા. એટલું જ નહી તમે દિલ્હી વિધાનસભામાં તમે એક સશક્ત લોકાયુક્ત કાયદો બનાવવાની કોશિશ સુદ્ધા નથી કરી. અને હવે તો તમારી સરકારે લોકોના જીવન બરબાદ કરનારી, મહિલાઓને પ્રભાવિત કરનારી દારૂ નીતિ બનાવી છે. તેનાથી સ્પષ્ટ થાય છે કે તમારી કથની અને કરણીમાં ફરક છે. 

મોટા આંદોલનથી પેદા થયેલી રાજકીય પાર્ટીને આ વાત શોભા આપતી નથી
અન્ના હજારે પત્રના અંતમાં લખ્યું છે કે હું આ પત્ર એટલા માટે લખી રહ્યો છું કારણ કે અમે પહેલા રાલેગણસિદ્ધિ ગામમાં દારૂ બંધ કર્યો. ત્યારબાદ મહારાષ્ટ્રમાં એક સારી દારૂની નીતિ બને તે માટે આંદોલન કર્યું. આંદોલનના કારણે દારૂબંધીનો કાયદો બની ગયો. જેમાં કોઈ ગામ તથા શહેરમાં જો 51 ટકા મહિલાઓ દારૂ બંધીના પક્ષમાં મતદાન કરે તો ત્યાં દારૂબંધી થઈ જાય છે. બીજો ગ્રામરક્ષક પક્ષનો કાયદો બની ગયો. જેના માધ્યમથી મહિલાઓની મદદમાં દરેક ગામમાં યુવાઓની એક ટુકડી ગામમાં ગેરકાયદેસર દારૂના વિરોધમાં કાનૂની અધિકારની સાથે કાર્યવાહી કરી શકે છે. આ કાયદા હેઠળ અમલ ન કરનારા પોલીસ અધિકારીઓ તથા એક્સાઈઝ અધિકારી પર કડક કાર્યવાહીની પણ જોગવાઈ છે. દિલ્હી સરકાર દ્વારા પણ આ પ્રકારની નીતિની આશા હતી. પરંતુ તમે આવું કર્યું નહીં. લોકો પણ અન્ય પાર્ટીઓની જેમ પૈસાથી સત્તા અને સત્તાથી પૈસાના દુષ્ટચક્રમાં ફસાયેલા જોવા મળી રહ્યા છે. એક મોટા આંદોલનથી પેદા થયેલી રાજકીય પાર્ટીને આ વાત શોભા આપતી નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More