નવી દિલ્હીઃ આર્ટિકલ 370ને લઈને સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી પૂર્ણ થઈ ગઈ છે. સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો સુરક્ષિત રાખી લીધો છે. નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટમાં જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવવાના નિર્ણયને પડકારતી અરજીઓ પર આ સુનાવણી 16 દિવસ સુધી ચાલી હતી.
ચીફ જસ્ટિસની આગેવાનીમાં પાંચ જજોની બંધારણીય પીઠે આર્ટિકલ 370 સાથે જોડાયેલી અરજીઓને સાંભળી. તેમાં મુખ્ય ન્યાયાધીશ ડીવાઈ ચંદ્રચૂડ, ન્યાયમૂર્તિ એસકે કૌલ, ન્યાયમૂર્તિ સંજીવ ખન્ના, ન્યાયમૂર્તિ બીઆર ગવઈ અને ન્યાયમૂર્તિ સૂર્યકાંત સામેલ હતા.
370 ને બહાલ કરવાના પક્ષમાં સીનિયર વકીલ કપિલ સિબ્બલ, ગોપાલ સુબ્રમણ્યમ, રાજીવ ધવન, જફર શાહ, દુષ્યંત દવેએ પોતાની વાત રાખી હતી. તો એટોર્ની જનરલ આર વેંકટરમણી, સોલિસિટર જનરલ તુષાર મેહતા, વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વે, રાકેશ દ્વિવેદી, વી ગિરીએ કેન્દ્ર સરકારનો પક્ષ રાખ્યો અને આર્ટિકલ 370 હટાવવાના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો.
આ પણ વાંચોઃ એક દેશ, એક ચૂંટણીથી ભાજપને થશે કેટલો ફાયદો? 2014થી 2023 સુધીના જાણી લો ગણિત
નોંધનીય છે કે બંધારણનો આર્ટિકલ 370 જમ્મુ-કાશ્મીર રાજ્યને સ્પેશિયલ સ્ટેટસ આપતો હતો, તેને સરકારે 5 ઓગસ્ટ 2019ના ખતમ કરી દીધો હતો. આ સાથે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખનું બે ભાગમાં વિભાજન કરવામાં આવ્યું હતું. બંનેને અલગ-અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવામાં આવ્યા છે.
સુનાવણીના છેલ્લા દિવસે સુપ્રીમ કોર્ટે કહ્યું કે અરજીકર્તા કે ફરિયાદી પક્ષ લેખિતમાં કંઈ કહેવા ઈચ્છે છે તો તે આગામી ત્રણ દિવસ સુધી કહી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે