Home> India
Advertisement
Prev
Next

ત્રણ કલાકના હાઈવોલ્ટેજ ડ્રામા પછી પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમની CBIએ કરી ધરપકડ

સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં આ પ્રથમ ઘટના છે જ્યારે પૂર્વ નાણામંત્રીની ધરપકડ કરાઈ છે. ચિદમ્બરમ સામે INX મીડિયા કેસમાં વિદેશી નાણાની લેવડ-દેવડમાં મદદ કરવાનો આરોપ છે. મંગળવારે દિલ્હી હાઈકોર્ટ દ્વારા તેમની આગોતરા જામીન અરજી રદ્દ કરી દેવાયા પછી સીબીઆઈ અને ઈડી તેમની ધરપકડ કરવા તેમને શોધી રહ્યા હતા 
 

ત્રણ કલાકના હાઈવોલ્ટેજ ડ્રામા પછી પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમની CBIએ કરી ધરપકડ

નવી દિલ્હીઃ બુધવારે સાંજે ત્રણ કલાક સુધી ચાલેલા હાઈવોલ્ટેજ અને હિન્દી ફિલ્મ જેવા ડ્રામા પછી આખરે સીબીઆઈની ટીમ દ્વારા દેશના પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમની ધરપકડ કરવામાં આવી છે. હવે, ચિદમ્બરમને આવતીકાલે સીબીઆઈ કોર્ટમાં રજુ કરવામાં આવશે. આ દરમિયાન ચિદમ્બરમને આખી રાત સીબીઆઈના વડામથકમાં જ પસાર કરવાની રહેશે. ચિદમ્બરમની ધરપકડ કરાઈ એ પહેલા સીબીઆઈના ડિરેક્ટર અને જોઈન્ટ ડિરેક્ટર પોલીસી પહેલાથી જ સીબીઆઈના વડામથક ખાતે પહોંચી ગયા હતા. સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં આ પ્રથમ ઘટના છે જ્યારે પૂર્વ નાણામંત્રીની ધરપકડ કરાઈ છે.  

fallbacks

સીબીઆઈના સૂત્રોએ જણાવ્યું, સીબીઆઈ કોર્ટ દ્વારા બહાર પાડવામાં આવેલા ધરપકડ વોરન્ટના આધારે પી. ચિદમ્બરમની ધરપકડ કરાઈ છે. સીબીઆઈ દ્વારા ધરપકડ કરાઈ એ પહેલા સાંજે ચિદમ્બરમે દિલ્હીમાં આવેલા કોંગ્રેસના વડામથક ખાતે પત્રકાર પરિષદ સંબોધી હતી અને જણાવ્યું હતું કે, INX મીડિયા કેસમાં તેઓ આરોપી નથી. છેલ્લા 24 કલાક દરમિયાન મીડિયામાં ઘણો બધો ભ્રમ ફેલાવાયો છે. 

દિલ્હી ખાતે પત્રકાર પરિષદ સંબોધ્યા પછી ચિદમ્બરમ કોંગ્રેસ વડામથકના પાછલા દરવાજેથી સીધા જ દિલ્હીના જોરબાગ ખાતે આવેલા તેમના નિવાસસ્થાને પહોંચી ગયા હતા. આ દરમિયાન સીબીઆઈને જ્યારે ખબર પડી કે ચિદમ્બરમ કોંગ્રેસના વડામથક ખાતે પત્રકાર પરિષદ સંબોધી રહ્યા છે ત્યારે ટીમ તેમની ધરપકડ કરવા કોંગ્રેસ મુખ્યાલય પહોંચી હતી. સીબીઆઈની ટીમની પાછળ-પાછળ ઈડીની ટીમ પણ પહોંચી હતી. 

 ચિદમ્બરમની મુશ્કેલીઓ વધીઃ જામીન અરજી મુદ્દે ત્રણ પ્રયાસ છતાં સુપ્રીમમાં સુનાવણી થઈ શકી નહીં 

સીબીઆઈ ટીમ જ્યારે કોંગ્રેસ વડામથકે પહોંચી ત્યારે ચિદમ્બરમ તેમના ઘરે પહોંચી ગયા હતા. આથી, બંને તપાસ એજન્સીની ટીમ તેમનો પીછો કરતા કરતા જોરબાગ ખાતે આવેલા ચિદમ્બરમના નિવાસસ્થાને પહોંચી હતી. અહીં, ચિદમ્બરમના બંગલોના ગેટ અંદરથી બંધ કરી દેવાયા હતા અને સીબીઆઈની ટીમને પ્રવેશ કરવા દેવાયો ન હતો. આથી, સીબીઆઈની ટીમ કમ્પાઉન્ડ વોલની દિવાલ કૂદીને ચિદમ્બરમના બંગલામાં પ્રવેશી હતી. સીબીઆઈની એક ટીમ ચિદમ્બરમના બંગલાના ગેટની બહાર ઊભી રહી હતી. 

સીબીઆઈની ટીમ અંદર પહોંચ્યા પછી ઈડીની ટીમ પણ ત્યાં પહોંચી હતી. ઈડીની ટીમને ગેટ ખોલીને અંદર પ્રવેશવા દેવાઈ હતી. એટલા સમયમાં ચિદમ્બરમના ઘરની બહાર મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ એક્ઠા થઈ ગયા હતા અને તેમણે મોદી સરકાર વિરોધી નારા લગાવ્યા હતા. મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ આવી પહોંચતા સીબીઆઈ દ્વારા દિલ્હી પોલીસની મદદ માગવામાં આવી હતી. 

શું છે ચિદમ્બરમનો કેસ જેના કારણે તેમના માથે લટકી રહી છે ધરપકડની તલવાર? 

દિલ્હી પોલીસની ટીમે આવીને સૌથી પહેલા કોંગ્રેસના કાર્યકર્તા અને મીડિયાની ટીમને ચિદમ્બરમના બંગલાના મુખ્ય ગેટની બહારથી દૂર ખસેડી હતી. તેના થોડા સમય પછી સીબીઆઈની એક ટીમ દરવાજાથી નિકળીને રવાના થઈ ગઈ હતી. બીજી ટીમ ચિદમ્બરમને એક વિશેષ ગાડીમાં બેસાડીને રવાના થઈ હતી. 

ચિદમ્બરમને ગાડીમાં બેસાડીને સીબાઈના વડામથક ખાતે લઈ જવાયા હતા. અહીં પણ ચિદમ્બરમની કારને સીબીઆઈના વડામથકના પાછળના ગેટથી પ્રવેશ કરાવાયો હતો, જેથી મીડિયાકર્મીઓની નજરથી બચી શકાય. હવે, ચિદમ્બરમને આખી રાત સીબીઆઈના વડામથકમાં જ પસાર કરવાની રહેશે. આવતીકાલે ચિદમ્બરમને સીબીઆઈ કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને આગળની કાર્યવાહી કરવામાં આવશે. 

આ અગાઉ, મંગળવારે દિલ્હી હાઈકોર્ટ દ્વારા આગોતરા જામીન રદ્દ કરાયા પછી મોડી સાંજે અને રાત્રે સીબીઆઈ અને ઈડીની ટીમ વારાફરતી ચિદમ્બરમના પહોંચી હતી, પરંતુ તેઓ ઘરે મળ્યા ન હતા.  બુધવારે સુપ્રીમ કોર્ટમાં પણ ચિદમ્બરમ દ્વારા આગોતરા જામીન મેળવવા માટે અને સુનાવણી માટે ત્રણ વખત પ્રયાસ હાથ ધરાયો હતો, પરંતુ અરજીમાં ટેક્નીકલ ખામીના કારણે સુનાવણી થઈ શકી નથી. બુધવારે સાંજે સીબીઆઈએ ચિદમ્બરમ સામે લુક આઉટ નોટિસ બહાર પાડી હતી. આ અગાઉ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ પણ તેમની સામે લુક આઉટ સર્ક્યુલર બહાર પાડ્યું હતું.

જુઓ LIVE TV....

ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક... 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More