Home> India
Advertisement
Prev
Next

Chandrayaan 3 Landing: ચંદ્ર પર લેન્ડિંગને સફળ બનાવવા માટે અપનાવવામાં આવી છે આ જબરદસ્ત ટ્રિક, ખાસ જાણો 

ચંદ્રયાન 3 આજે એટલે કે 23 ઓગસ્ટના રોજ સાંજે ચંદ્ર પર ઉતરશે. લેન્ડિંગ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર થવાનું છે. ઈસરોએ જે લોંગીટ્યૂડ અને લેટીટ્યૂડ જણાવ્યું છે તે મેનિંજસ ક્રેટર તરફ ઈશારો કરે છે. આથી કદાચ તેની આજુબાજુ લેન્ડિંગ થઈ શકે છે.

Chandrayaan 3 Landing: ચંદ્ર પર લેન્ડિંગને સફળ બનાવવા માટે અપનાવવામાં આવી છે આ જબરદસ્ત ટ્રિક, ખાસ જાણો 

ચંદ્રયાન 3 આજે એટલે કે 23 ઓગસ્ટના રોજ સાંજે ચંદ્ર પર ઉતરશે. લેન્ડિંગ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર થવાનું છે. ઈસરોએ જે લોંગીટ્યૂડ અને લેટીટ્યૂડ જણાવ્યું છે તે મેનિંજસ ક્રેટર તરફ ઈશારો કરે છે. આથી કદાચ તેની આજુબાજુ લેન્ડિંગ થઈ શકે છે. પહેલા જે ચંદ્રયાન અંતરિક્ષમાં 40 હજાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી રહ્યું હતું તે હવે લેન્ડિંગ સમયે કાચબાની ગતિથી પણ ઓછી ગતિમાં જોવા મળશે. 

fallbacks

સરેરાશ કાચબો 4થી 5 મીટર પ્રતિ સેકન્ડ ગતિથી તરતો હોય છે. એક થી 2 મીટર પ્રતિ સેકન્ડની સ્પીડથી જમીન પર ચાલે છે. કાચબાના નવા બચ્ચા તો 30 કલાકમાં 40 કિલોમીટર જેટલું અંતર કાપતા હોય છે. કાચબી તેના બાળકો કે નર કાચબાથી વધુ સ્પીડમાં તરતી  કે ચાલતી જોવા મળતી હોય છે. જેથી કરીને બાળકોને શિકારીઓથી બચાવી શકાય. હવે વાત ચંદ્રયાનની કરીએ તો ચંદ્રયાન 3નું લેન્ડિંગ એકથી 2 મીટર પ્રતિ સેકન્ડની ગતિથી થવાનું છે. 

રશિયાને સ્પીડ નડી?
બીજી બાજુ રશિયાનું લૂના 25 સ્પેસક્રાફ્ટ સસલાની જેમ જલદી પહોંચવાની રેસમાં હારી ગયું. દક્ષિણ ધ્રુવ પર જઈને ક્રેશ થઈ ગયું. રશિયન સ્પેસ એજન્સીના પ્રમુખનું કહેવું છે કે લૂના 25 નિર્ધારિત ગતિ કરતા લગભગ દોઢ ગણી ઝડપથી આગળ વધ્યું. ફિક્સ ઓર્બિટની સરખામણીમાં ઓવરશૂટ કરી ગયું. આથી ચંદ્રની સપાટી પર જઈને ક્રેશ થઈ ગયું. બીજી બાજુ ઈસરોનું ચંદ્રયાન 3 પોતાની 42 દિવસની મુસાફરી ધીમે ધીમે કરી રહ્યું હતું. ગ્રેવિટીનો ફાયદો ઉઠાવી રહ્યું હતું. 

ચંદ્રયાનની ગતિ વિશે જાણો. 

વિક્રમ લેન્ડર 25 કિલોમીટરની ઊંચાઈથી ચંદ્રની સપાટી પર ઉતરવાની યાત્રા શરૂ કરશે. આગામી સ્ટેજ સુધી પહોંચવામાં તેને લગભગ 11.5 મિનિટ લાગશે. એટલે કે 7.4 કિલોમીટર સુધીની ઊંચાઈ સુધી. 
- 7.4 કિમી ની ઊંચાઈ પર પહોંચવા સુધીમાં તેની ગતિ 358 મીટર પ્રતિ સેકન્ડની રહેશે. આગામી પડાવ 6.8 કિલોમીટર રહેશે. 
- 6.8 કિમીની ઊંચાઈ પર સ્પીડ ઓછી કરીને 336 મીટર પ્રતિ સેકન્ડ થઈ જશે. આગામી પડાવ 800 મીટર રહેશે. 
- 800 મીટરની ઊંચાઈ પર લેન્ડર સેન્સર્સ ચંદ્રની સપાટી પર લેઝર કિરણ નાખીને લેન્ડિંગ માટે યોગ્ય જગ્યા શોધશે. 
- 150 મીટરની ઊંચાઈ પર લેન્ડરની ગતિ 60 મીટર પ્રતિ સેકન્ડ રહેશે. એટલે કે 800 થી 150 મીટરની ઊંચાઈ વચ્ચે. 
- 60 મીટરની ઊંચાઈ પર લેન્ડરની સ્પીડ 40 મીટર પ્રતિ સેકન્ડ રહેશે. એટલે કે 150 થી 60 મીટરની ઊંચાઈ વચ્ચે. 
- 10 મીટરની ઊંચાઈ પર લેન્ડરની સ્પીડ 10 મીટર પ્રતિ સેકન્ડ રહેશે. 
- ચંદ્રમાની સપાટી પર ઉતરતી વખતે એટલે કે સોફ્ટ લેન્ડિંગ માટે લેન્ડરની સ્પીડ 1.68 મીટર પ્રતિ સેકન્ડ રહેશે. 

હાલ ક્યાં છે ચંદ્રયાન, કોણ સંભાળશે?
ચંદ્રયાન 3નું વિક્રેમ લેન્ડર 25 km x 134 km ની ઓર્બિટમાં હાલ ઘૂમી રહ્યું છે. આથી 25 કિમીની ઊંચાઈથી તે ચંદ્રની સપાટી પર ઉતરણ કરશે. ગત વખતે ચંદ્રયાન 2 પોતાની વધુ ગતિ અને સોફ્ટવેરમાં ગડબડી તથા એન્જિન ફેલ્યોરના કારણે ક્રેશ થઈ ગયું. આ વખતે આવી  ભૂલ ન થાય તે માટે ચંદ્રયાન 3 માં અનેક પ્રકારના સેન્સર્સ અને કેમેરા લગાવવામાં આવ્યા છે. 

LHDAC કેમેરા  ખાસ કરીને આ કામ માટે બનાવવામાં આવ્યા છે કે કેવી રીતે વિક્રમ લેન્ડરને સુરક્ષિત ચંદ્રની સપાટી પર ઉતારવામાં આવે. આ સાથે જ કેટલાક પેલોડ્સ લેન્ડિંગ સમયે મદદ કરશે. જેમાં લેન્ડર પોઝિશન ડિટેક્શન કેમેરા (LPDC), લેઝર અલ્ટીમીટર (LASA), લેઝર ડોપલર વેલોસિટીમીટર (LDV) અને લેન્ડર હોરીઝોન્ટલ વેલોસિટી કેમેરા (LHVC) મળીને કામ કરશે. જેથી કરીને લેન્ડરને સુરક્ષિત રીતે સપાટી પર ઉતારી શકાય. 

બચાવ માટે  કેવી વ્યવસ્થા કરાઈ છે
વિક્રમ લેન્ડરમાં આ વખતે બે મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. પહેલો તો એ કે તેમાં બચાવ મોડ (Safety Mode) સિસ્ટમ છે. જે તેને કોઈ પણ પ્રકારના અકસ્માતથી બચાવી શકે છે. આ માટે વિક્રમમાં બે ઓનબોર્ડ કોમ્પ્યુટર લગાવવામાં આવ્યા છે. જે દરેક પ્રકારના જોખમની જાણકારી આપશે. તેમને આ જાણકારી વિક્રમ પર લાગેલા કેમેરા અને સેન્સર્સ આપશે. 

ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગનું રશિયાનું 47 વર્ષનું સપનું તૂટી ગયું. થોડા દિવસ પહેલા ઈસરોના પૂર્વ વૈજ્ઞાનિક વિનોદકુમાર શ્રીવાસ્તવે કહયું હતું કે ઈતિહાસ જોઈએ તો જે પણ ડાયરેક્ટ પાથ પર ચંદ્રમા માટે મિશન મોકલવામાં આવ્યા છે તેમાંથી 3થીમાંથી એક મિશન ફેલ થયું છે. ચંદ્રયાન 3એ જે રસ્તો લીધો હતો તેના પર ફેલ થવાની શક્યતા ઓછી રહે છે. 

લૂના 25 ક્રેશ થયા બાદ રશિયાની સ્પેસ એજન્સીએ કહ્યું હતું કે લૂના 25 અસલી પેરામીટર્સથી અલગ જતું રહ્યું હતું. નિર્ધારિત ઓર્બિટની જગ્યાએ  બીજી ઓર્બિટમાં જતું રહ્યું જ્યાં તેણે નહતું જવું જોઈતું. જેના કારણે તે સીધુ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પાસે જઈને ક્રેશ થઈ ગયું. 

ચંદ્રની સપાટી પર ઉતરવું કેમ અઘરું?
આખી દુનિયાના વૈજ્ઞાનિકો જાણે છે કે ચંદ્રની સપાટી પર તેના ઓર્બિટથી ઉતરવું સહેલું નથી. પહેલું અંતર અને બીજું વાયુમંડળ. ત્રીજું ગ્રેવિટી. ચોથું વર્ટિકલ લેન્ડિંગ કરાવતી વખતે એન્જિનનું યોગ્ય પ્રમાણમાં પ્રેશર ક્રિએટ કરવું. એટલે કે થ્રસ્ટર્સનું યોગ્ય રીતે ઓન રહેવું. નેવિગેશન યોગ્ય મળવું. લેન્ડિંગ જગ્યા સમતળ હોવી જોઈએ. આ સમસ્યાઓ ઉપરાંત અનેક બીજી હશે જે ફક્ત વૈજ્ઞાનિકોને જ ખબર હશે. 

કેટલીવાર સફળ લેન્ડિંગ થયું
ચંદ્ર પર છેલ્લા સાત દાયકામાં અત્યાર સુધીમાં 111 મિશન મોકલવામાં આવ્યા છે. જેમાંથી 66 સફળ થયા. 41 ફેલ ગયા. 8 મિશનને આંશિક સફળતા મળી. પૂર્વ ઈસરો પ્રમુખ જી માધવન નાયર પણ એ વાત જણાવી ચૂક્યા છે કે મૂન મિશનના સફળ થવાની શક્યતા 50 ટકા રહે છે. 1958થી 2023 સુધીમાં ભારત, અમેરિકા, રશિયા, જાપાન, યુરોપિયન સંઘ, ચીન અને ઈઝરાયેલે અનેક પ્રકારના મિશન ચંદ્રમા માટે મોકલ્યા. જેમાં ઈમ્પેક્ટર, ઓર્બિટર, લેન્ડર રોવર અને ફ્લાઈબાઈ સામેલ છે. 

જો 2000થી 2009ની વાત કરીએ તો 9 વર્ષમાં 6 લૂનર મિશન મોકલવામાં આવ્યા હતા. યુરોપનું સ્માર્ટ-1, જાપાનનું સેલેન, ચીનનું ચાંગઈ-1, ભારતનું ચંદ્રયાન 1 અને અમેરિકાનું લૂનર રીકોનસેન્સ ઓર્બિટર. 1990થી અત્યાર સુધીમાં અમેરિકા, જાપાન, ભારત, યુરોપીયન સંઘ, ચીન અને ઈઝરાયેલે બધા મળીને કુલ 21 મૂન મિશન મોકલ્યા છે. 

ચંદ્રની ઓર્બિટમાં આ રીતે પહોંચ્યું હતું લૂના 25
રશિયાએ સોયુઝ રોકેટથી લોન્ચિંગ કર્યું હતું. લૂના 25 લેન્ડરને ધરતીની બહાર એક ગોળાકાર ઓર્બિટમાં છોડવામાં આવ્યું હતું. ત્યારબાદ તે સ્પેસક્રાફ્ટ સીધુ ચંદ્રના હાઈવે પર નીકળી ગયું. તે હાઈવે પર તેણે 5 દિવસ યાત્રા કરી. ત્યારબાદ ચંદ્રની ઓર્બિટમાં પહોંચ્યું પરંતુ તે નિર્ધારિત લેન્ડિંગના એક દિવસ પહેલા જ ક્રેશ થઈ ગયું. 

રશિયાનો પ્લાન હતો કે 21 કે 22 ઓગસ્ટના રોજ લૂના 25 ચંદ્રની સપાટી પર ઉતરત. તેનું લેન્ડર ચંદ્રની સપાટીની 18 કિમી નજીક પહોંચ્યા બાદ લેન્ડિંગ શરૂ કરવાનું હતું. 15 કિમી ઊંચાઈ ઓછી થયા બાદ 3 કિમીની ઊંચાઈથી પેસિવ ડિસેન્ટ થવાનું હતું. એટલે કે ધીમે ધીમે લેન્ડર ચંદ્રની સપાટી પર ઉતરવાનું હતું. 700 મીટર ઊંચાઈથી થ્રસ્ટર્સ ઝડપથી ઓન થાત જેથી કરીને ગતિ ઘટાડી શકાય. 20 મીટરની ઊંચાઈ પર એન્જિન ધીમી ગતિથી ચાલવાના હતી જેથી કરીને તે લેન્ડ થઈ શકે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More