નવી દિલ્હી: છત્તીસગઢ (Chhattisgarh) ના બીજાપુરમાં 3 એપ્રિલના રોજ થયેલા નક્સલી હુમલા બાદ રાકેશ્વર સિંહ મન્હાસ (Rakeshwar Singh Manhas) નક્સલીઓના કબજામાં છે અને આ વાત તેમના આખા પરિવારને પરેશાન કરી રહી છે. રાકેશ્વરસિંહની ચાર વર્ષની પુત્રીએ પોતાના સૈનિક પિતાને નક્સલીઓના કબજામાંથી છોડાવવા માટે માર્મિક અપીલ પણ કરી. તે રડતી રડતી કહેવા લાગી કે કોઈ પણ રીતે તેના પપ્પા ઘરે પાછા ફરે.
રાકેશ્વરસિંહનો આખો પરિવાર આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તરફ આશાભરી મીટ માંડીને બેઠો છે. તેમને ભરોસો છે કે જે પ્રકારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) વિંગ કમાન્ડર અભિનંદનને છોડાવીને લાવ્યા હતા તે જ રીતે રાકેશ્વરસિંહ પણ સુરક્ષિત પાછા ફરશે.
નક્સલવાદી માડવી હિડમાને પકડવાનું ઓપરેશન
80 કલાકથી વધુ સમય વીતી ગયા છતાં સીઆરપીએફની કોબ્રા બટાલિયનના જવાન રાકેશ્વરસિંહ મન્હાસ નક્સલીઓના કબજામાં છે. જ્યારે 2 એપ્રિલના રોજ સુરક્ષાદળોની 10 ટીમો બીજાપુરના જંગલોમાં નક્સલવાદી માડવી હિડમાને પકડવા માટે નીકળી હતી ત્યારે રાકેશ્વર સિંહ પણ આ ઓપરેશનનો ભાગ હતા. તેમણે આ ઓપરેશન પર જતા પહેલા પોતાના પરિવાર સાથે વાત કરી હતી. તેમણે પત્નીને કહ્યું હતું કે તેઓ કાલે તેને જરૂર ફોન કરશે. પરંતુ 80 કલાકથી વધુ સમય વીતી ગયો છે અને તેમનો હજુ સુધી કોઈ ફોન આવ્યો નથી. નક્સલીઓએ તેમને કેદી બનાવી લીધા છે.
રાકેશ્વર સિંહની ઉંમર 35 વર્ષ છે અને તેમનો આખો પરિવાર જમ્મુમાં રહે છે. પરિવારમાં માતા, એક ભાઈ, પત્ની અને ચાર વર્ષની પુત્રી છે અને આ બધા તેમના પાછા ફરવાની રાહ જોઈ બેઠા છે. ઝી ન્યૂઝની ટીમ જ્યારે તેમના ઘરે ગઈ તો ત્યાં માહોલ ખુબ ગમગીન છે. પરિવારની આંખોમાં આંસુ હતા અને પરિવારના તમામ લોકો એક રૂમમાં ભેગા થઈને એ આશાએ બેઠા હતા કે ગમે ત્યારે રાકેશ્વર સિંહનો ફોન આવી શકે છે.
નક્સલીઓએ મૂકી છે આ શરતો
આ નક્સલી હુમલાની જવાબદારી લેનારા પ્રતિબંધિત સંગઠન સીપીઆઈ માઓવાદીએ પણ તેના પર એક પત્ર લખ્યો છે. જેમાં આ સંગઠને સ્વીકાર્યું છે કે રાકેશ્વર સિંહ નક્સલવાદીઓના કબજામાં છે. સંગઠને જવાનને છોડવા માટે બે શરતો મૂકી છે. પહેલી શરત એ કે સરકાર સુરક્ષા દળોને નક્સલ પ્રભાવિત વિસ્તારોમાંથી પાછા ખેંચી લે અને બીજી શરત એ કે સરકાર નક્સલીઓ સાથે વાતચીત માટે પોતાના પ્રતિનિધિને નિયુક્ત કરે.
2 વર્ષ પહેલા જ રાકેશ્વર સિંહની ડ્યૂટી છત્તીસગઢના નક્સલી પ્રભાવિત વિસ્તારોમાં લાગી હતી અને તે દરમિયાન તેમણે અનેક ઓપરેશનોમાં ભાગ લીધો પરંતુ આ વખતે જ્યારે ટીમ છત્તીસગઢના બીજાપુરના ગાઢ જંગલોમાં ગઈ તો નક્સલીઓના હુમલામાં તેમના 22 જેટલા સાથી શહીદ થઈ ગયા. પરંતુ આ દરમિયાન રાકેશ્વર સિંહની કોઈ ભાળ મળી નહીં. આ વાતને હવે 80 કલાકથી વધુ વીતી ગયા છે.
અભિનંદનની જેમ જ રાકેશ્વરની થશે વાપસી
અત્રે જણાવવાનું કે વર્ષ 2019માં પાકિસ્તાનના બાલાકોટમાં એર સ્ટ્રાઈક થઈ હતી તો ત્યારબાદ ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને ભારત સરકાર પાકિસ્તાનથી છોડાવી લાવી હતી. તે સમયે ભારતે સ્પષ્ટ સંકેત આપ્યા હતા કે જો પાકિસ્તાને અભિનંદનને ન છોડ્યો તો ભારત તે સહન કરશે નહીં.
આજે એકવાર ફરીથી તે જ રીતે આપણા દેશના એક વધુ વીર જવાનને છોડાવવાની જરૂર છે જો કે આ વખતે આપણી સામે પાકિસ્તાન નહીં પરંતુ એવા લોકો છે જે આ દેશનું ખાય છે, આ દેશમાં રહે છે અને આ દેશના નાગરિક છે. અનેક લોકો એ પણ પૂછી રહ્યા છે કે જ્યારે સરકારે વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને ફક્ત 60 કલાકમાં છોડાવી લીધો હતો તો રાકેશ્વર સિંહને લાવવામાં આટલી વાર કેમ લાગે છે?
જેનો જવાબ એ છે કે આ લડત પોતાના લોકો વિરુદ્ધ છે અને આવી લડાઈઓમાં સુરક્ષાદળોના હાથ માનવાધિકારના સાંકળોથી ઝકડાયેલા હોય છે. કારણ કે આજે જો સરકાર આ નક્સલીઓ પર મોટી સ્ટ્રાઈક કરીને રાકેશ્વર સિંહને છોડાવી લે તો પછી આ દેશના કેટલાક લોકો સરકાર અને સુરક્ષાદળોની વિરુદ્ધ ઊભા થઈ જશે. આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પણ ભારતમાં માનવાધિકારો જોખમમાં છે કહી દેશે અને આ જ આપણા દેશનું અસલ દુર્ભાગ્ય છે.
વિચારવા જેવું છે કે એક જવાન છેલ્લા 80 કલાકથી વધુ સમયથી નક્સલીઓના કબજામાં છે પરંતુ શું તમે સાંભળ્યું કે આ સંસ્થાઓએ તેના પર ચિંતા વ્યક્ત કરી હોય. શું તમે તે નેતાઓને કઈ કહેતા સાંભળ્યા કે જે આ પ્રકારના હુમલા બાદ હંમેશા પોતાની દુકાનો ખોલીને બેસી જાય છે જે ઈન્ટેલિજન્સ ફેલિયરની વાતો કરે છે. કડવી સચ્ચાઈ છે કે આપણા દેશમાં બધુ નિર્ધારિત એજન્ડા પ્રમાણે થાય છે. આથી આજે અમે પણ રાકેશ્વર સિંહને છોડાવવાની માગણી કરીએ છીએ. રાકેશ્વર સિંહનો પરિવાર પણ આ જ દુઆ કરે છે.
છત્તીગઢના બીજાપુરમાં 3 એપ્રિલના રોજ જ્યારે નક્સલીઓએ હુમલો કર્યો તો ત્યારે વિજય માંડવી પોતે ત્યાં હાજર રહ્યા હતા. તેઓ છત્તીસગઢ પોલીસના ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ તરફથી આ ઓપરેશનમાં સામેલ થયા હતા. આ હુમલામાં તેમને પણ ખુબ ઈજા થઈ છે. મહત્વની વાત એ છે કે વિજય માંડવી પોતે એક નક્સલવાદી હતા પરંતુ વર્ષ 2016માં જ્યારે તેમણે સરન્ડર કર્યું તો તેમને ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડમાં નોકરી મળી ગઈ.
ઝી ન્યૂઝની ટીમે જ્યારે તેમની સાથે વાત કરી તો તેમણે જણાવ્યું કે આ સમગ્ર હુમલા દરમિયાન નક્સલવાદી માડવી હિડમા પોતે ત્યાં હાજર રહ્યો હતો અને આ હુમલાનું નેતૃત્વ કરતો હતો. આતંકવાદી હાફિઝ સઈદને પકડતા પહેલા માડવી હિડમાને પકડવો ખુબ જરૂરી છે કારણ કે આ પ્રકારના નક્સલવાદીઓ દેશની આંતરિક સુરક્ષા સામે સૌથી મોટું જોખમ છે. આજે અમે ઈચ્છીએ છીએ કે રાકેશ્વર સિંહને નક્સલવાદીઓના કબજામાંથી છોડાવવામાં આવે અને તે માટે જરૂરી છે કે ઘરમાં છૂપાઈને બેઠેલા આ નક્સલવાદીઓને ઘૂસીને મારવામાં આવે.
UP: ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે બાંદા જેલ પહોંચ્યો મુખ્તાર અંસારી, બુલેટપ્રુફ જેકેટ પહેરાવીને લવાયો
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે