ગુરદાસપુર: પંજાબના ગુરદાસપુરના બટાલામાં બુધવારે સાંજે ફટાકડાની ફેક્ટરીમાં થયેલા ભીષણ વિસ્ફોટમાં મૃતકોની સંખ્યા 23 પર પહોંચી ગઈ છે. જ્યારે 27 જેટલા લોકો આ ઘટનામાં ઘાયલ થયા છે. દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિજનો માટે પંજાબ સરકારે સહાયની જાહેરાત કરી છે.
પંજાબ સરકારમાં કેબિનેટ મંત્રી સુખવિંદર રંધાવાના જણાવ્યાં મુજબ મૃતકોના પરિજોને વળતર રૂપે 2 લાખ રૂપિયા આપવામાં આવશે. આ સાથે જ ઘાયલ વ્યક્તિઓને 50,000 રૂપિયા સહાય અપાશે. મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહ આજે સવારે સ્થિતિની સમીક્ષા કરવા માટે 11 વાગે બટાલાની મુલાકાત લેશે.
મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહે ફટાકડાની ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટની મેજિસ્ટ્રેટ તપાસના આદેશ આપ્યાં છે. આ સાથે મામૂલી ઈજા બદલ વ્યક્તિ દીઠ 25000 રૂપિયા વળતરની સહાયની જાહેરાત પણ કરી છે. મુખ્યમંત્રીએ પોલીસ અને પ્રશાસને પીડિતો અને તેમના પરિજનોને સંભવ દરેક મદદ કરવાના નિર્દેશ આપ્યા છે.
જુઓ LIVE TV
મળતી માહિતી મુજબ વિસ્ફોટના કારણે ફટાકડાનું કારખાનું સંપૂર્ણ રીતે નાશ થઈ ગયું છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં અફડાતફડી મચી છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યાં મુજબ કારખાનાના માલિકના પરિવારના પાંચ સભ્યો પણ મકાનના કાટમાળ નીચે દબાયેલા હતાં.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે