ઝી બ્યુરો/બિહાર: ઝારખંડના ધનબાદ જિલ્લાની એક જાણીતી ખાનગી શાળામાં બોર્ડની પરીક્ષા પહેલા છોકરીઓ માટે શાળાનો છેલ્લો દિવસ હતો. છોકરીઓ તેમના મિત્રો સાથે શાળાના આ છેલ્લા દિવસને યાદગાર બનાવવા માંગતી હતી. પરંતુ શાળાના પ્રિન્સિપાલના કડક આદેશે આ દિવસ તેમના જીવનનો ખરાબ દિવસ બનાવી દીધો, જેને તેઓ ભાગ્યે જ ભૂલી શકશે. ઘટના એવી છે કે જે સાંભળી રહ્યું છે તે પ્રિન્સિપાલની આ હરકતથી હેરાન છે અને સારી ખોટી કોમેન્ટ કરી રહ્યું છે. વાલીઓ રોષે ભરાયા છે. તેઓ પ્રિન્સિપાલ સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.
શું છે મામલો?
ખરેખર, ગુરુવારે 10મા ધોરણની છોકરીઓ શાળાના છેલ્લા દિવસને યાદગાર બનાવવા પેન ડેની ઉજવણી કરી રહી હતી. પરંતુ તેઓ જાણતા ન હતા કે તેઓનું આમ કરવાથી પ્રિન્સિપાલ એટલા નારાજ થશે કે તેમની સાથે આટલું ખરાબ અને શરમજનક વર્તન કરવામાં આવશે.
વાત માત્ર એટલી હતી કે પેન ડેની ઉજવણી કરતી વિદ્યાર્થીનીઓ એકબીજાના શર્ટ પર શુભેચ્છાઓ લખી રહી હતી. પરંતુ શાળાના પ્રિન્સિપાલ એમ દેવશ્રીને આ પસંદ ન આવ્યું, ત્યારબાદ પ્રિન્સિપાલે તમામ વિદ્યાર્થીનીઓ માટે ક્લાસનું આયોજન કર્યું. આ પછી તેમણે 80થી વધુ વિદ્યાર્થિનીઓના શર્ટ કઢાવ્યા હતા.
એટલું જ નહીં, શર્ટ ઉતાર્યા બાદ કોઈ પણ વિદ્યાર્થીને શર્ટ પહેરવા દેવામાં આવ્યો ન હતો. ગર્લ સ્ટુડન્ટ્સને માત્ર બ્લેઝર પહેરવાની છૂટ હતી. વિદ્યાર્થિનીઓને બ્લેઝર પહેરીને જ ઘરે મોકલવામાં આવી હતી. વિદ્યાર્થિનીઓ રડતી રહી અને શાળા પ્રશાસનને વિનંતી કરતી રહી, પરંતુ કોઈએ તેમની વાત સાંભળી નહીં. ઘરે પહોંચ્યા પછી છોકરીઓ રડતી રહી અને રડતા રડતા તેઓએ તેમના માતાપિતાને આખી વાત કહી. વિદ્યાર્થીનીઓ હવે આ પીડા દિવસને આઘાતજનક દિવસ તરીકે ઓળખાવી રહી છે.
આ ઘટના અંગે વિદ્યાર્થિનીઓએ તેમના માતા-પિતાને જાણ કરતાં જ તેઓ રોષે ભરાયા હતા. જાણે કે કાપો તો લોહી ના નીકળે એવી સ્થિતિનું નિર્માણ થયું. માતા-પિતા ખૂબ ગુસ્સે થયા. જે બાદ આજે તેઓ ડીસી ઓફિસ પહોંચ્યા હતા. તેમણે ડીસી પાસે શાળાના આચાર્ય સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.
માતા-પિતા ગુસ્સે છે, અને હોય પણ કેમ નહીં...તેમની પુત્રીઓ સાથે આવું કૃત્ય કરવામાં આવ્યું છે. તેઓ પૂછે છે કે તેમની દીકરીઓએ એવો કયો ગુનો કર્યો છે કે તેમની સાથે આવો વ્યવહાર કરવામાં આવ્યો. તેમની દીકરીઓ જે હાલતમાં ઘરે પહોંચી હતી તે સ્થિતિમાં તે તેમને જોઈ પણ શકતી નહોતી. પ્રિન્સિપાલને આવું કરતી વખતે સહેજ પણ શરમ ન આવી તેવો બળાવો માતા પિતા ઠાલવી રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે