નવી દિલ્હી: એક જમાનામાં અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ અને ડોન છોટા રાજનને ટક્કર આપી રહેલો કુખ્યાત અંડરવર્લ્ડ ડોન એજાઝ લાકડાવાલા હાલ ગરીબીનો માર ઝેલી રહ્યો છે. મુંબઈની તપાસ એજન્સીઓએ વિદેશમાં છૂપાયેલા આ ડોનના મુંબઈમાં આવેલા ખંડણી માટેના અનેક ફોનકોલ રેકોર્ડ કર્યા છે. ડોનના ફોન રેકોર્ડ્સ સાંભળ્યા બાદ સુરક્ષા એજન્સીઓના કાન સરવા થઈ ગયા છે.
મામૂલી રકમ માટે કરગરી રહ્યો હતો
અનેક કોલમાં ડોન નાના વેપારીઓ, બિલ્ડરો અને કેટલીક નવી ફિલ્મી હસ્તીઓ પાસે ચારથી લઈને પચાસ હજાર રૂપિયા સુધીના હપ્તા વસૂલી માટે કરગરતો જોવા મળી રહ્યો હતો. ડોન રવિ પૂજારીની ધરપકડ બાદથી જ લાકડાવાલા ભૂગર્ભમાં જતો રહ્યો છે અને મુંબઈમાં પોતાની ધાક જમાવવા માટે ધમપછાડા કરી રહ્યો છે. હકીકતમાં ડોન એજાઝ લાકડાવાલાએ હાલમાં પશ્ચિમી પરા વિસ્તારના એક માર્બલ વેપારી પાસે માત્ર પચાસ હજાર રૂપિયાની હપ્તા વસૂલી માંગણી કરી હતી. જેની ખબર પોલીસને પડી ગઈ અને ત્યારથી આ ભાગેડુ ડોનની પોલ ખુલી ગઈ છે.
છોટા રાજનનો જમણો હાથ હતો લાકડાવાલા
અસલમાં લાકડાવાલા ગેંગના મુંબઈમાં પાટીયા પડી ગયા છે અને તેઓ પાઈ પાઈ માટે મોહતાજ થઈ ગયા છે. નેવુંના દાયકામાં દાઉદ ઈબ્રાહિમની કુખ્યાત ગેંગ ડી કંપની અને ત્યારબાદ છોટા રાજનનો જમણો હાથ રહી ચૂક્યો છે આ એજાઝ લાકડાવાલા. વર્ષ 2003માં દાઉદ ઈબ્રાહિમના ઈશારે છોટા શકીલે ચાર શાર્પ શૂટરોને બેંગકોક મોકલીને એજાઝ લાકડાવાલાને ખતમ કરવાનું ષડયંત્ર રચ્યું પરંતુ લાકડાવાલા તેને ચકમો આપીને રફુચક્કર થઈ ગયો.
જુઓ LIVE TV
મુંબઈમાં પગપેસારો કરી રહ્યો છે લાકડાવાલા
મુંબઈ પોલીસના મોટા અધિકારીના જણાવ્યાં મુજબ ડોન એજાઝ લાકડાવાલાએ હાલના દિવસમાં મુંબઈમાં પોતાની ગતિવિધિઓ વધારી છે. જ્યારેથી ગેંગસ્ટર રવિ પૂજારીની સેનેગલમાં ધરપકડ થઈ ત્યારથી એજાઝ લાકડાવાલાએ મુંબઈમાં પોતાની ધાક ફરીથી જમાવવા માટે ધમપછાડા શરૂ કરી દીધા છે. વિદેશમાં બેઠા બેઠા તે મુંબઈના નાના વેપારીઓ, બિલ્ડરો અને બોલિવૂડમાં સામેલ થયેલી નવી હસ્તીઓને ધમકાવીને ખંડણી માંગવાની ફિરાકમાં છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે ડોન એજાઝ લાકડાવાલાની છેલ્લા કેટલાક મહિનાઓમાં ડઝનથી વધુ કોલ રેકોર્ડ કર્યા છે. જેમાં તે લોકોને ડરાવી ધમકાવીને હપ્તો માંગી રહ્યો છે અને જ્યારે પીડીત પૈસાની તંગીની વાત કરે તો તે જાણે તેમને કન્સેશન આપતો હોય તેમ કરોડ રૂપિયા માંગી રહેલો ડોન માત્ર પચાસ હજાર રૂપિયા ઉપર પણ માંડવાળી કરવા તૈયાર થઈ જાય ચે.
વેપારીને આવ્યો હતો ફોન
મુંબઈના પશ્ચિમ પરા વિસ્તારના એક માર્બલ વેપારીને એજાઝ લાકડાવાલાનો ફોન આવ્યો જેમાં તેણે વેપારીના પરિવારને નુકસાન પહોંચાડવાની ધમકી આપી અને તેના બદલે એક કરોડ રૂપિયાની માગણી કરી. પરંતુ વેપારી ખુબ કરગરતા ડોને પચાસ હજાર રૂપિયા આપી દેવાની ધમકી સાથે ફોન મૂકી દીધો. જો કે મુંબઈ પોલીસને આ મામલે જાણ થતા તે તરત એક્શનમાં આવી હતી.
આ મામલે મહારાષ્ટ્રના પૂર્વ ગૃહ સચિવ પી કે જૈનનું કહેવું છે કે મુંબઈમાં અંડરવર્લ્ડનું નેટવર્ક સંપૂર્ણ રીતે ખતમ થઈ ગયું છે...અને ના હોવા બરાબર છે. એજાઝ લાકડાવાલાની ગેંગ વિખરાઈ ગઈ છે. તેના સાથીઓ સુદ્ધા મળતા નથી અને ઈકોનોમીમાં અનેક ફેરફારના કારણે હવે અંડરવર્લ્ડની આવી હાલત છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે