જો તમે પણ ટેક્સ પેયર હોવ અને દર વર્ષે આવકવેરા રિટર્ન ફાઈલ કરતા હોવ તો આ સમાચાર તમને ખુશ કરી શકે છે. દર વર્ષની જેમ આ વખતે પણ પગારદાર વર્ગને રાહત આપવા માટે ટેક્સ સ્લેબમાં ફેરફાર કરવાનો અને 80સી હેઠળ લિમિટ વધારવાની માંગણી થઈ રહી છે. આશા કરવામાં આવી રહી છે કે સરકાર તરફથી આ વખતે મિડલ ક્લાસને રાહત મળી શકે છે. મનીકંટ્રોલમાં પ્રકાશિત એક રિપોર્ટ મુજબ સરકાર જુલાઈમાં રજૂ થનારા બજેટમાં ન્યૂ ટેક્સ રિજીમ હેઠળ ટેક્સ માફીની લિમિટને હાલની 3 લાખથી વધારીને 5 લાખ રૂપિયા કરવાનું પ્લાન કરી રહી છે.
ટેક્સ માફી લીમિટ વધશે?
રિપોર્ટમાં અધિકારીને ટાંકીને કહેવાયું છે કે સરકાર ટેક્સ માફીની લિમિટને હાલની જે 3 લાખ રૂપિયા છે તે વધારીને 5 લાખ રૂપિયા કરવા પર વિચારી રહી છે. આ ફક્ત નવી કર વ્યવસ્થા હેઠળ રિટર્ન ફાઈલ કરનારાઓને લાગૂ પડશે. જો કે ચોક્કસપણે તેના પર અંતિમ નિર્ણય બજેટ રજૂ થયા બાદ લેવાશે. જો સરકાર વાસ્તવમાં આ નિર્ણય લે તો ટેક્સપેયર્સને કેટલો ફાયદો થાય તે પણ જાણવા જેવું છે.
નવી ટેક્સ વ્યવસ્થા
સૌથી પહેલા નવી ટેક્સ સિસ્ટમ સમજવાની કોશિશ કરીએ. સરકારે સૌથી પહેલા 2022ના બજેટમાં નવી ટેક્સ રિજીમને લોન્ચ કરી હતી. આ ટેક્સ વ્યવસ્થાના દરો, જૂના ટેક્સ વ્યવસ્થાથી ઓછા છે. જો કે તેમાં ટેક્સપેયર્સને ટેક્સમાં અનેક પ્રકારના ડિડક્શન અને છૂટનો લાભ મળતો નથી. આવકવેરા રિટર્ન ભરતી વખતે ટેક્સપેયર્સની સામે નવા અને જૂના એમ બેમાંથી કોઈ એક ટેક્સ વ્યવસ્થાની પસંદગીનો વિકલ્પ હોય છે.
જ્યારે જૂની ટેક્સ વ્યવસ્થા હેઠળ ટેક્સપેયર્સને આવકવેરા એક્ટની વિવધ કલમો હેઠળ અનેક પ્રકારના રોકાણો, વીમો, હાઉસ એલાઉન્સ, અને લીવ ટ્રાવેલ એલાઉન્સ વગેરે પર છૂટ મળે છે. નવી ટેક્સ રિજીમના સ્લેબ પણ જાણો.
નવી ટેક્સ રિજીમ હેઠળ આવકવેરા સ્લેબ
3.લાખ રૂપિયા સુધી- શૂન્ય
3 લાખથી 6 લાખ રૂપિયા વચ્ચે- 5% (કલમ 87એ હેઠળ ટેક્સમાં છૂટ)
6 લાખ રૂપિયાથી 9 લાખ રૂપિયા વચ્ચે- 10% (કલમ 87એ હેઠળ 7 લાખ રૂપિયા સુધી ટેક્સમાં છૂટ)
9 લાખ રૂપિયાથી 12 લાખ રૂપિયા વચ્ચે - 15%
12 લાખ ૂપિયાથી 15 લાખ રૂપિયા વચ્ચે- 20%
15 લાખ રૂપિયાથી વધુ- 30%
આથી સરકાર જો આગામી બજેટ 2024-25માં 5 લાખ રૂપિયા સુધીની આવકને ટેક્સમાથી છૂટ આપે તો હાલના 6 સ્લેબની જગ્યાએ 5 સ્લેબ જ બચશે. જ્યારે 5 લાખથી 9 લાખ રૂપિયા સુધીની આવક પર કલમ 87એ હેઠળ પહેલાની જેમ ટેક્સ છૂટ મળતી રહેશે પરંતુ શરત એ છે કે સ્લેબ કે તેના દરોમાં કોઈ ફેરફાર કરવામાં ન આવે.
કેટલો ફાયદો
જો બજેટ 2024-25માં ટેક્સ છૂટની મર્યાદાને 3 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવે તો તેનાથી લગભગ 7.6 લાખ રૂપિયાથી 50 લાખ રૂપિયા સુધીના ટેક્સેબલ આવકવાળા લોકોના ટેક્સની રકમમાં 10400 રૂપિયા (4 ટકા હેલ્થ અને એજ્યુકેશન સેસ સહિત) ઓછા થઈ જાય. જ્યારે જેમની ટેક્સેબલ ઈન્કમ 50 લાખ રૂપિયાથી એક કરોડ રૂપિયા વચ્ચે હોય તેમની ટેક્સ લાયેબિલિટી લગભગ 11440 રૂપિયા (સેસ અને 10 ટકા સરચાર્જ સહિત) સુધી ઓછી થઈ જાય. આ ઉપરાંત એક કરોડથી લઈને 2 કરોડ સુધીની આવકવાળા લોકોને 11960 રૂપિયાનો લાભ મળી શકે. જ્યારે 2 કરોડથી વધુ આવકવાળા લોકોની ટેક્સ લાયેબિલિટી 13000 રૂપિયા સુધી ઓછી થઈ જાય.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે