India Pakistan War : ભારતના ઓપરેશન સિંદૂર પછી ગભરાયેલા પાકિસ્તાને પંજાબ, જમ્મુ-કાશ્મીર, રાજસ્થાન સહિત તમામ સરહદી રાજ્યોમાં હવાઈ હુમલા શરૂ કરી દીધા હતા. પાકિસ્તાને પઠાણકોટ અને જમ્મુ એરબેઝને પણ નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ એર ડિફેન્સ સિસ્ટમ S400એ તેમના બધા જ પ્લાન નિષ્ફળ બનાવ્યા. આ પછી સાવચેતીના પગલા તરીકે શુક્રવારે પંજાબની રાજધાની ચંદીગઢમાં તમામ શાળાઓ આગામી આદેશો સુધી બંધ રાખવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે.
ગુરુવારે રાત્રે પાકિસ્તાનની નાપાક હરકત
ગુરુવારે રાત્રે પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલા બાદ દેશના ઉત્તરીય રાજ્યોમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢ સહિત પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં તમામ સુરક્ષા દળોની રજાઓ રદ કરવામાં આવી છે, જ્યારે ઘણા જિલ્લાઓમાં શાળાઓ અને કોલેજો આગામી આદેશો સુધી બંધ રાખવાનો આદેશ કરાયો છે.
યુદ્ધ વચ્ચે સાંબા બોર્ડર પર જૈશની ઘૂસણખોરી નિષ્ફળ ! 7 આતંકવાદી ઠાર, BSF એક્શનમાં
શાળા-કોલેજો બંધ, સરકારી કર્મચારીઓની રજા રદ
જમ્મુ-કાશ્મીર સરકારે પણ શુક્રવાર અને શનિવારે તમામ શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓ બંધ રાખવાનો આદેશ અપાયો છે. શિક્ષણ મંત્રી સકીના ઇટુએ જણાવ્યું હતું કે આ નિર્ણય સાવચેતીના ભાગરૂપે લેવામાં આવ્યો છે. ગુરુવારે રાત્રે પાકિસ્તાને જમ્મુ, ઉધમપુર અને પઠાણકોટમાં લશ્કરી ઠેકાણાઓ પર ડ્રોન અને મિસાઇલ હુમલા કરવાનો પ્રયાસ કર્યો હતો, જેને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યો હતો.
રાજસ્થાન સરકારે પણ સુરક્ષા વ્યવસ્થા અંગે એલર્ટ જાહેર કર્યું છે. આંતરરાષ્ટ્રીય સરહદને અડીને આવેલા પાંચ જિલ્લાઓમાં શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. પોલીસ અને વહીવટી અધિકારીઓની રજાઓ પણ રદ કરવામાં આવી છે. આ વિસ્તારોમાં મધ્યરાત્રિ 12 વાગ્યાથી સવારે 4 વાગ્યા સુધી બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે.
દિલ્હી સરકારે આગામી આદેશ સુધી તમામ કર્મચારીઓની રજાઓ પણ રદ કરી દીધી છે. સેવા વિભાગે આદેશમાં કહ્યું છે કે કોઈપણ કટોકટીનો સામનો કરવા માટે બધા અધિકારીઓ કામ પર ઉપલબ્ધ રહે. ભારત અને પાકિસ્તાન વચ્ચે પરિસ્થિતિ તણાવપૂર્ણ છે અને સરકારો સંપૂર્ણ સાવધાની સાથે જરૂરી પગલાં લઈ રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે