નવી દિલ્હી: કાશ્મીર મુદ્દે ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલ જબરદસ્ત તણાવ છે. પાકિસ્તાન સતત યુદ્ધની ધમકીઓ આપ્યા કરે છે. ભારત પણ આક્રમક વલણ રાખીને બેઠું છે. આ બધા વચ્ચે ભારતની સૈન્ય શક્તિમાં વધારો થઈ રહ્યો છે. ભારતને ફ્રાન્સ તરફથી પહેલું રાફેલ ફાઈટર વિમાન મળવા જઈ રહ્યું છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને વાયુસેના પ્રમુખ બીએસ ધનોઆ પોતે તેને લેવા માટે ફ્રાન્સ જઈ રહ્યાં છે.
મળતી માહિતી મુજબ 20 સપ્ટેમ્બરના રોજ રાજનાથ સિંહ અને બીએસ ધનોઆની હાજરીમાં રાફેલ જેટ વિમાન ભારતીય વાયુસેનાને સોંપી દેવામાં આવશે. ભારતીય વાયુસેનાના જણાવ્યાં મુજબ ફ્રાન્સના અધિકારી રક્ષા મંત્રી રાજનાથ સિંહ, વાયુસેના ચીફ બીએસ ધનોઆ અને અનેક રક્ષા અધિકારીઓની હાજરીમાં રાફેલ વિમાન ભારતને સોંપશે.
જુઓ LIVE TV
હકીકતમાં સપ્ટેમ્બર 2016માં ભારત અને ફ્રાન્સ વચ્ચે 36 રાફેલ વિમાનની ખરીદી અંગે ડીલ થઈ હતી. આ વિમાનોની કિંમત 7.87 બિલિયન યુરો નક્કી કરાઈ હતી.
ઉલ્લેખનીય છે કે ભારતીય વાયુસેના રાફેલ જેટ વિમાન ઉડાવવા માટે 24 પાઈલટોને તેની ટ્રેનિંગ આપશે. ત્યારબાદ રાફેલ વિમાન પહેલીવાર દેશની સુરક્ષા માટે ઉડવા માટે તૈયાર રહેશે. તમામ પાઈલટ ત્રણ બેન્ચમાં ટ્રેનિંગ લેશે. કહેવાય છે કે ભારતીય વાયુસેના રાફેલ વિમાનની એક એક ટુકડીને હરિયાણાના અંબાલા અને પશ્ચિમ બંગાળના હાશિમારામાં પોતાના એરબેસ પર બનાવવા જઈ રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે