નવી દિલ્હી: પ્રસિદ્ધ જૈન મુનિ તરુણ સાગર મહારાજનું બીમારી બાદ 51 વર્ષની વયે દિલ્હીમાં નિધન થયું છે. તેઓ છેલ્લા 20 દિવસથી બીમાર હતાં. છેલ્લા બે દિવસથી તેમની હાલત ગંભીર હતી. 20 દિવસ પહેલા તેમને કમળો થયો હતો. ત્યારબાદ તેમને દિલ્હીની મેક્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. પરંતુ સારવાર બાદ પણ તેમના સ્વાસ્થ્યમાં કોઈ સુધારો જોવા મળ્યો નહીં. ત્યારબાદ બુધવારે તરુણ સાગરે આગળ સારવાર કરાવવાની ના પાડી દીધી અને પોતાના અનુયાયીઓ સાથે ગુરુવારે સાંજે કૃષ્ણાનગર (દિલ્હી) સ્થિત રાધાપુરી જૈન મંદિર ચાતુર્માસ સ્થળે આવી ગયાં હતાં. તે પછી દિલ્હી જૈન સમાજના અધ્યક્ષ ચક્રેશ જૈન તરફથી જારી એક નિવેદનમાં કહેવાયું હતું કે તરુણ સાગર પોતાના ગુરુ પુષ્પદંત સાગર મહારાજની સ્વીકૃતિ બાદ સંથારા લઈ રહ્યાં છે.
શું સંથારાથી દેહનો ત્યાગ કરશે જૈન મુનિ તરુણ સાગર? VIDEOમાં જોવા મળી રહ્યાં છે ખુબ જ કમજોર
મીડિયા રિપોર્ટ્સ મુજબ તેઓ પોતાના ગુરુ પુષ્પાદંત સાગર મહારાજજીની સ્વિકૃતિ બાદથી સંથારો કરી રહ્યાં હતાં. જૈન મુનિ તરુણ સાગરની હાલત ખુબ જ નાજુક થઈ ગઈ હતી. તરુણ સાગરનો શુક્રવારે એક વીડિયો જારી કરવામાં આવ્યો હતો. આ વીડિયોને આચાર્ય લોકેશ મુનિએ પોતાના ટ્વિટર એકાઉન્ટ @Munilokeshથી ટ્વિટ કર્યો હતો. વીડિયોમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું હતુ કે તરુણ સાગરમાં ખુબ નબળાઈ આવી ગઈ હતી.
તરુણ સાગર મહારાજનું શુક્રવારે મોડી રાતે સવા ત્રણ વાગે નિધન થયું. તેમના અંતિમ સંસ્કાર આજે બપોરે 3 વાગે કરવામાં આવશે. તેમના નિવાસસ્થાને શ્રદ્ધાળુઓની ભીડ થવા લાગી છે. નોંધનીય છે કે દેશ વિદેશમાં તેમના અનુયાયીઓની સંખ્યા ખુબ હતી.
Jain Muni Tarun Sagar passed away this morning in Delhi. He was 51 years old. pic.twitter.com/xLn14g569u
— ANI (@ANI) September 1, 2018
તરુણ સાગર મહારાજનું અસલ નામ પવનકુમાર જૈન છે. તેમનો જન્મ 26 જૂન, 1967ના રોજ મધ્ય પ્રદેશના દામોહ જિલ્લાના ગુહજી ગામમાં થયો હતો. તેમની માતાનું નામ શાંતિબાઈ અને પિતાનું નામ પ્રતાપ ચંદ્ર હતું. કહેવાય છે કે તેમણે 8 માર્ચ 1981ના રોજ ઘર પરિવારને ત્યાગીને સન્યાસ ધારણ કર્યો હતો. મધ્ય પ્રદેશ સરકારે 6 ફેબ્રુઆરી 2002ના રોજ તેમને રાજકીય અતિથિનો દરજ્જો આપ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે