નવી દિલ્લીઃ આસો વદ ચોથનાં દિવસને કરવા ચોથ કહેવાય છે. આ દિવસે પરિણીત મહિલાઓ પતિની સુખાકારી અને દીર્ધાયુ માટે કરવા ચોથનું વ્રત કરે છે. આ દિવસે ચંદ્રદેવના દર્શન કરી અર્ધ્ય અર્પણ કરીને ઉપવાસ કરવાની પરંપરા છે. આ વખતે 13 ઓક્ટોબર, 2022 ગુરુવારે એટલે કે આજે કડવા ચોથનુ વ્રત રાખવામાં આવી રહ્યું છે. બદલાતા સમય સાથે તહેવારોની રંગત પણ બદલાતી જાય છે. ફિલ્મોમાં કરવા ચોથના ટ્રેન્ડ બાદ ઉત્તર ભારત ઉપરાંતના પ્રાંતમાં પણ હવે આ પરંપરા પ્રચલિત બનતી જાય છે.
શું છે પરંપરા-
કરવા ચોથને કરક ચતુર્થી પણ કહેવામાં આવે છે. આ દિવસે મહિલાઓ હાથમાં મહેંદી લગાવી, સોળ શ્રૃંગાર કરીને પતિના લાંબા આયુષ્માન નિર્જળા વ્રત રાખે છે. ગણેશજી અને કરવા માતાની પૂજા કરીને ચંદ્રોદય થવા પર ચંદ્રમાને અર્ધ્ય આપીને પૂજા કરે છે અને પતિના હાથે પાણી પીને વ્રત ખોલે છે. તહેવાર મોટાભાગે ઉત્તર ભારતના રાજ્યોમાં ખાસ કરીને પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને ઉત્તરાખંડમાં ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવવામાં આવે છે.
કરવા ચોથ પર પૂજા વિધિ-
કરવા ચોથ પર એક બાજોટ પર જળથી ભરેલો કળશ તેમજ એક માટીના કરવામાં ઘઉં ભરીને રાખવામાં આવે છે. દીવાલ પર ચંદ્રમા, ગણેશ, શિવ, કાર્તિકેયના ચિત્ર બનાવીને પૂજા કરવામાં આવે છે. મહિલા દિવસભર નિર્જળા રહે છે અને રાતે ચંદ્રને અર્ધ્ય આપીને પૂજા કરે છે.
વ્રત કથા-
એક સમયે ઇન્દ્રપ્રસ્થ નામના સ્થળે વેદ શર્મા નામનો બ્રાહ્મણ પોતાની પત્ની લીલાવતી સાથે નિવાસ કરતો હતો. તેના સાત પુત્ર અને વીરાવતી નામની એક પુત્રી હતી. યુવા થતા વીરાવતીના લગ્ન કરાવી દેવામાં આવ્યા. જ્યારે કાર્તિક કૃષ્ણ ચતુર્થી આવી તો વીરાવતીએ પોતાની ભાભીઓ સાથે કડવા ચોથનુ વ્રત રાખ્યુ પરંતુ ભૂખ-તરસ સહન ન થવાના કારણે ચંદ્રોદય પહેલા જ તે મૂર્છિત થઈ ગઈ. બહેનની આ હાલત ભાઈઓથી ન જોવાઈ તો ભાઈઓએ એક વૃક્ષની પાછળ સળગતી મશાલની રોશની બતાવી અને બહેનને ચેતનાવસ્થામાં લઈ આવ્યા.
વીરાવતીએ ભાઈઓની વાત માનીને વિધિપૂર્વક અર્ધ્ય આપ્યુ અને ભોજન કરી લીધુ. આમ કરવાથી થોડા સમય પછી જ તેના પતિનુ મૃત્યુ થઈ ગયુ. એ રાતે ઈન્દ્રાણી પૃથ્વી પર આવ્યા. વીરાવતીએ આ ઘટનાનુ કારણ પૂછ્યુ તો ઈન્દ્રાણીએ કહ્યુ કે તે ભ્રમમાં ફસાઈને ચંદ્રોદય થતા પહેલા જ ભોજન કરી લીધુ. માટે તારા આ હાલ થયા છે. પતિને પુનર્જીવિત કરવા માટે તુ વિધિપૂર્વક કરવા ચોથના વ્રતનો સંકલ્પ કર અને આગલા કડવા ચોથ પર વ્રત પૂર્ણ કર. ઈન્દ્રાણીનું સૂચન માનીને વીરાવતીએ સંકલ્પ લીધો તો તેનો પતિ જીવિત થઈ ગયો. પછી આગલા કડવા ચોથ પર વીરાવતીએ વિધિ વિધાનથી વ્રત પૂર્ણ કર્યુ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે