નવી દિલ્હી: કર્ણાટકની કોંગ્રેસ-જેડીએસ સરકાર પર અનેક દિવસથી સંકટના વાદળો છવાયેલા છે. આજે આ મામલે સુપ્રીમ કોર્ટમાં મહત્વની સુનાવણી થવાની છે. સુપ્રીમ કોર્ટ આજે કોંગ્રેસ-જેડીએસના 10 બળવાખોર ધારાસભ્યો તરફથી દાખલ થયેલી અરજી પર સુનાવણી હાથ ધરશે. બીજી બાજુ કર્ણટાક વિધાનસભાનું ચોમાસુ સત્ર પણ આજથી શરૂ થઈ રહ્યું છે. જેને લઈને કોંગ્રેસ અને જેડીએસ તરફથી તમામ ધારાસભ્યોને વ્હિપ જારી કરાયું છે. આ બાજુ કર્ણાટકના બળવાખોર વિધાનસભ્ય ગુરુવારે સાંજે બેંગ્લુલુમાં વિધાનસભા સ્પીકર રમેશકુમાર સાથે મુલાકાત કરીને પાછા મુંબઈ પહોંચ્યાં છે.
આ મામલે ગુરુવારે પણ સુનાવણી થઈ હતી. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે તમામ બળવાખોર ધારાસભ્યોને નિર્દેશ આપ્યાં હતાં કે તેઓ ગુરુવારે સાંજે 6 વાગે કર્ણાટક વિધાનસભાના સ્પીકર રમેશકુમાર સાથે મુલાકાત કરે. આ દરમિયાન તેઓ પોત-પોતાના રાજીનામાની જાણકારી આપે. સુપ્રીમ કોર્ટે આ સાથે સ્પીકર રમેશકુમારને પણ નિર્દેશ આપ્યાં હતા કે રાજીનામા અંગે તેઓ ગુરુવારે જ કઈ નિર્ણય લે.
જુઓ LIVE TV
જો કે સ્પીકર રમેશકુમારે પણ સુપ્રીમ કોર્ટના આ નિર્ણય વિરુદ્ધ અરજી કરી છે જેની સુનાવણી પણ ધારાસભ્યોની અરજીવાળા કેસ સાથે જ આજે થશે. સ્પીકરનું કહેવું છે કે સુપ્રીમ કોર્ટ તેમને આ પ્રકારનો નિર્દેશ આપી શકે નહીં. તેઓ પોતાનો નિર્દેશ પાછો લે. સ્પીકર રમેશકુમારનું કહેવું છે કે તેમને બળવાખોર ધારાસભ્યોના રાજીનામાની તપાસ માટે સમય જોઈએ છે. આ સાથે જ તેમણે એ આરોપોને પણ ફગાવ્યાં કે જેમાં તેમના ઉપર ધીમી ગતિથી તપાસ કરવાની વાત થઈ રહી છે.
કર્ણાટક વિધાનસભાના અધ્યક્ષ કે આર રમેશકુમારે ગુરુવારે કહ્યું હતું કે તેમને સત્તાધારી કોંગ્રેસ અને જેડીએસના 13 ધારાસભ્યોના રાજીનામા નિર્ધારીત ફોર્મેટમાં મળ્યાં હતાં. કુમારે કહ્યું હતું કે ધારાસભ્યોએ પોતાના રાજીનામા મારા કાર્યાલયમાં નિર્ધારીત ફોર્મેટમાં લખ્યા હતાં. હું તેમના ઉપર વિચાર કરીશ અને તેમની વાત અંગત રીતે સાંભળ્યા બાદ નિર્ણય લઈશ. તેમણે કહ્યું હતું કે હું શુક્રવારે સુપ્રીમ કોર્ટને સૂચિત કરીશ કે મેં આ મામલે કાર્યવાહી કાયદા અને અગાઉ જારી મારા આદેશ પ્રમાણે કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે