Home> India
Advertisement
Prev
Next

1971નું યુદ્ધ: PAKના હુમલાનો ભારતીય સેનાએ આપ્યો હતો મરણતોલ જવાબ, થઈ ગયા બે ટુકડાં

47 વર્ષ પહેલા આજના જ દિવસે એટલે કે 3 ડિસેમ્બર 1971ના રોજ પાકિસ્તાને ભારત પર હુમલો કરીને 1971ના યુદ્ધની શરૂઆત કરી હતી.

1971નું યુદ્ધ: PAKના હુમલાનો ભારતીય સેનાએ આપ્યો હતો મરણતોલ જવાબ, થઈ ગયા બે ટુકડાં

નવી દિલ્હી: 47 વર્ષ પહેલા આજના જ દિવસે એટલે કે 3 ડિસેમ્બર 1971ના રોજ પાકિસ્તાને ભારત પર હુમલો કરીને 1971ના યુદ્ધની શરૂઆત કરી હતી. પાકિસ્તાને ભલે આજના આ યુદ્ધની શરૂઆત 3 ડિસેમ્બર 1971ના રોજ કરી હોય પરંતુ તેનું કાવતરું પૂર્વ પાકિસ્તાનમાં આઝાદીના આંદોલન સાથે જ ઘડાવવાનું શરૂ થઈ ગયું હતું. હકીકતમાં પાકિસ્તાનનું માનવું હતું કે ભારતીય સેના બાંગ્લાદેશની માગણી  કરી  રહેલા પૂર્વ પાકિસ્તાનના લોકોને માત્ર મદદ જ નહીં પરંતુ સૈન્ય તાલિમ પણ આપી રહી છે. આ જ ખુન્નસના કારણે પાકિસ્તાને 3 ડિસેમ્બર 1971ના રોજ ભારત પર હવાઈ હુમલો કરી નાખ્યો. આવો જાણીએ આ યુદ્ધનો શ્રેણીબદ્ધ ઘટનાક્રમ...

fallbacks

અમૃતસરમાં સાંજે 5.45 વાગે પાકિસ્તાને કર્યો પહેલો હવાઈ હુમલો
પાકિસ્તાને ભારત-પાકિસ્તાન યુદ્ધ 1971ને 'ઓપરેશન ચંગેઝ ખાન' નામ આપ્યું હતું. કાવતરાં હેઠળ 3 ડિસેમ્બર 1971ની સાંજે 5.30 વાગે પાકિસ્તાન સરકારે ઈસ્લામાબાદથી પાકિસ્તાન વાયુસેનાને હુમલાના આદેશ આપ્યાં. આદેશ મળતા જ પાકિસ્તાનના ફાઈટર વિમાનોએ પહેલો હુમલો 5.45 વાગે અમૃતસર એરબેઝ પર કર્યો. ત્યારબાદ સાંજે 5.50 વાગે પઠાણકોટ, શ્રીનગર, અવંતીપુર પર હવાઈ હુમલા કર્યાં. આ હુમલાની બરાબર 3 મિનિટ બાદ સાંજે 5.53 વાગે ફરીદકોટ પર  પાકિસ્તાની ફાઈટર વિમાનોએ બોમ્બ વરસાવવાના શરૂ કર્યાં. આ હુમલામાં પાકિસ્તાની સેના ભારતના ફક્ત પી-35 રડારને જ નષ્ટ કરી શકી. 

fallbacks

હુમલા વખતે ઈન્દિરા ગાંધી કોલકાતામાં જનસભા સંબોધી રહ્યા હતાં
3 ડિસેમ્બર 1971ની સાંજે ભારતના તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધી કોલકાતામાં જનસભાને સંબોધિત કરી રહ્યા હતાં. તેમનું સંબોધન ચાલુ જ હતું ત્યારે કેટલાક અધિકારીઓ ઝડપથી દોડીને ઈન્દિરા ગાંધી પાસે પહોંચ્યા. કોઈ કઈં સમજે તે પહેલા જ અધિકારીઓએ ઈન્દિરા ગાંધીને એક ચિઠ્ઠી પકડાવી અને કાનમાં કઈંક કહ્યું. અધિકારીઓના દરેક વાક્યની સાથે સાથે ઈન્દિરાના ચહેરા પર તણાવ વધતો જતો હતો. હકીકતમાં આ અધિકારીઓએ ઈન્દિરા ગાંધીને પાકિસ્તાન દ્વારા શરૂ કરાયેલા હવાઈ હુમલા અંગે જાણકારી આપી હતી. ઈન્દિરા ગાંધીએ જનસભાને વચમાં છોડીને દિલ્હી જવાનો નિર્ણય લીધો. 

બ્લેક આઉટના પગલે દિલ્હીમાં લેન્ડ ન થઈ શક્યું ઈન્દિરાનું વિમાન
સૈન્ય અધિકારીઓ પાસેથી હાલાત અંગે પ્રાથમિક જાણકારી મેળવ્યા બાદ ઈન્દિરા ગાંધી પોતાના ખાસ વિમાનથી દિલ્હી રવાના થયા. તેઓ દિલ્હી પહોંચે તે પહેલા જ દિલ્હીમાં સંપૂર્ણ રીતે બ્લેક આઉટ જાહેર થયું હતું. આથી ઈન્દિરા ગાંધીનું વિમાન દિલ્હીમાં લેન્ડ થઈ શક્યું નહીં. તેમના વિમાનને લખનઉ ડાઈવર્ટ કરાયું. ગમે તે પ્રકારે તેઓ રાતે 11 વાગે દિલ્હી પહોંચ્યાં. દિલ્હી પહોંચતા જ સૈન્ય અધિકારીઓ પાસેથી તત્કાળ સ્થિતિની સમીક્ષા કરી અને  કેબિનેટ બેઠક કરવામાં આવી. ત્યારબાદ ઈન્દિરા ગાંધીએ ઓલ ઈન્ડિયા રેડિયો દ્વારા દેશને નામ સંબોધન જારી કરી પાકિસ્તાન સાથે યુદ્ધની જાહેરાત કરી. 

fallbacks

ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના 7 એરબેઝ તબાહ કર્યાં
પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવા માટે ભારતીય સેનાએ પૂરેપૂરી રીતે કમર કસી લીધી હતી. રાતે 9 વાગે ભારતીય સેનાના ફાઈટર વિમાનોએ પાકિસ્તાન તરફ જવાનું નક્કી કરી લીધુ. ભારતીય સેનાએ જોત જોતામાં તો પાકિસ્તાનના 7 એરબેઝ તબાહ કરી નાખ્યાં. જેમાં મુરીદ, મિયાંવલી, સરગોથા, ચાંદેર, ત્રિસાલેવાલા, રફીકી અને મસરૂર એરબેઝ સામેલ હતાં. પાકિસ્તાનને જરાય અંદાજો નહતો કે ભારતીય વાયુસેના આટલા ઓછા સમયમાં આટલી સટીક  કાર્યવાહી કરી શકે છે. ભારતીય વાયુસેનાએ પોતાના આ કાર્યવાહીમાં પાકિસ્તાનના એરબેઝ તબાહ કરી નાખતા દુશ્મનના મનોબળ ઉપર મોટો વાર કર્યો હતો. 

fallbacks

અકળાયેલા પાકિસ્તાને ફરી કર્યો હવાઈ હુમલો
ભારતીય સેનાની આ અનપેક્ષિત અને અચૂક  કાર્યવાહીથી પાકિસ્તાનના હાડકાખોખરા થઈ ગયા હતાં. અકળાયેલા પાકિસ્તાને અફરાતફરીમાં બીજા હુમલાનું ષડયંત્ર રચ્યું. જે હેઠળ પાકિસ્તાની વાયુસેનાના ફાઈટર વિમાનોએ અંબાલા, આગરા, હરવાલા, અમૃતસર, જોધપુર, જેસલમેર, બીકાનેર અને ઉત્તરલાઈ પર બોમ્બ વરસાવવાનું શરૂ કરી દીધુ. જો કે ભારતીય વાયુસેનાના યુદ્ધ કૌશલ અને જાબાંઝીના પરિણામે પાકિસ્તાની વાયુસેના તેમની સામે વધુવાર ટકી શકી નહી. પરિણામ એ આવ્યું  કે ભારતીય સેનાએ આ યુદ્ધમાં પાકિસ્તાનના કુલ 94 વિમાનો નષ્ટ કરી નાખ્યાં. એટલું જ નહીં ભારતીય વાયુસેનાની આ જબરદસ્ત કાર્યવાહીના પગલે પાકિસ્તાની સેના પોતાના એક પણ કાવતરાને અંજામ આપવામાં સફળ થઈ નહીં. 

fallbacks

નાપાક પાકિસ્તાનને ભારતીય સેનાઓએ ચારેબાજુથી ભીંસમાં લીધી
ભારતીય નેવીની પશ્ચિમ કમાને 4-5 ડિસેમ્બર 1971ની રાતે કરાચી પોર્ટ પર હુમલો કર્યો. આ હુમલામાં પાકિસ્તાન નેવીના પીએનએસ ખાયબર અને પીએનએસ મુહાફિઝને જલમગ્ન કરીને પીએનએસ શાહજહાંને ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત કર્યું. આ દરમિયાન 4 ડિસેમ્બરના રોજ આઈએનએસ વિક્રાંતમાં તહેનાત સી હોક ફાઈટર વિમાનોએ ચગાવ અને કોક્સ બજાર સહિત પૂર્વ પાકના અનેક દરિયાકાંઠાના નગરો અને કસ્બાઓ પર હુમલો કર્યો. આ હુમલાથી હચમચી ઉઠેલા પાકિસ્તાને બદલો લેવા માટે પીએનએસ ગાઝીને મોકલ્યું. જેનો વિશાખાપટ્ટનમ નજીક ભારતીય નેવીએ ખુડદો બોલાવી દીધો.

fallbacks

13 દિવસ ચાલ્યું યુદ્ધ
ભારત અને પાકિસ્તાન વચ્ચે આ યુદ્ધ માત્ર 13 દિવસ ચાલ્યું હતું. 13 દિવસમાં પાકિસ્તાનની આખી સેનાએ ભારત સામે ઘૂંટણ ટેક્યા હતાં. 16 ડિસેમ્બર 1971ના રોજ પાકિસ્તાનના લેફ્ટેનન્ટ જરલ એએકે નિયાઝીએ પોતાના 93000 પાક સૈનિકો સાથે ભારતીય સેનાના લેફ્ટેનન્ટ જનરલ જગજીત સિંહ અરોરા સામે શરણાગતિ સ્વીકારી હતી. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More