પટણા: રવિવારના અંતિમ તબક્કાના મતદાન સાથે જ લોકસભા ચૂંટણી 2019 લગભગ પૂરી થઈ જશે. આ વખતે ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ વિપક્ષની લડાઈ જોવા મળી. આ ચૂંટણીમાં બિહારના રાજકારણમાં એક એવા રાજનેતાએ ભાજપ માટે અડચણો પેદા કરી જે જેલમાં સજા કાપી રહ્યાં છે. આ રાજનેતા બીજુ કોઈ નહીં પરંતુ રાષ્ટ્રીય જનતા દળ (બીજેપી)ના અધ્યક્ષ લાલુપ્રસાદ યાદવ છે.
લાલુપ્રસાદ યાદવ ભલે બિહારની રાજધાની પટણાથી લગભગ 300 કિમી દૂર ઝારખંડની રાજધાની રાંચીમાં હોટવાર જેલમાં ચર્ચિત ચારા કૌભાંડના અનેક મામલે સજા કાપી રહ્યાં હોય, પરંતુ બિહારમાં અનેક વર્ષોથી રાજકારણની એક ધૂરી બની ગયેલા લાલુ આ વખતે પણ પોતાની જાતને રાજકારણથી દૂર રાખી શક્યા નહીં. આરજેડી અને તેમનો પરિવાર પણ કોઈના કોઈ બહાને લાલુને ચૂંટણી સાથે જોડવામાં કોઈ કસર છોડતો નથી. પાર્ટી પણ લાલુની સહાનુભૂતિની લહેરમાં પોતાની ચૂંટણી નૈયા પાર કરવામાં લાગી છે.
પત્ર લખીને મહાગઠબંધન માટે મત માંગ્યા
બિહારમાં આરજેડીના પ્રચારની કમાન સંભાળી રહેલા લાલુ પ્રસાદના પુત્ર તેજસ્વી યાદવ હોય કે તેમની બહેન અને પાટલીપુત્રથી ઉમેદવાર મીસા ભારતી સહિત આરજેડીના કોઈ નેતા, તેમની ચૂંટણી જનસભા લાલુના નામ વગર પૂરી થતી નથી. આરજેડીના નેતા આ દરમિયાન લાલુને ષડયંત્ર હેઠળ ફસાવવાની વાત કરીને સહાનુભૂતિ મેળવવાની પણ કોશિશ કરી રહ્યાં છે.
જુઓ LIVE TV
ટ્વિટર દ્વારા જનતા વચ્ચે રહ્યાં લાલુ
લાલુએ ચૂંટણી અગાઉ અને ત્યારબાદ બિહારના લોકોને પત્ર લખીને પોતાનો સંદેશો આપતા આરજેડીને મત આપવાની અપીલ કરી હતી. આ ઉપરાંત લાલુપ્રસાદે સોશિયલ મીડિયા દ્વારા પણ પોતાને ચૂંટણી સાથે જોડી રાખી. લાલુ ટ્વિટર દ્વારા વિરોધીઓની કમીઓ ગણાવી રહ્યાં છે અને અનેક અવસરે તેમના પર નિશાન સાધીને ચૂંટણીમાં પોતાની હાજરી દર્શાવી રહ્યાં છે. આ દરમિયાન મુખ્યમંત્રી નીતિશકુમારને પત્ર લખીને તેમના ઉપર પણ નિશાન સાધવાનું ચૂક્યા નથી.
લાલુના પુસ્તકની પણ ખુબ ચર્ચા થઈ
લાલુએ પોતાની જાતને આ ચૂંટણી સાથે જોડી રાખવા માટે તથા કાર્યકર્તાઓમાં ઉત્સાહ ભરવા માટે મતદાન પૂર્વે એક ખુલ્લો પત્ર લખીને સંદેશ આપ્યો. ચૂંટણીની બરાબર પહેલા લાલુએ લખેલુ પુસ્તક 'ગોપાલગંજથી રાજસીના'ના અનેક અંશ પ્રકાશમાં આવ્યાં બાદ લાલુ ચર્ચામાં રહ્યાં. લાલુ કોઈને કોઈ રીતે મતદારો વચ્ચે ઓળખ બનાવવામાં લાગ્યા છે પરંતુ તે કેટલી અસરકારક રહી તે જોવાનું રહેશે.
આરજેડીને લાલુની ખુબ કમી લાગી
બિહારના રાજકારણના જાણકાર સુરેન્દ્ર કિશોર કહે છે કે લાલુ પ્રસાદ સોશિયલ સાઈટ, પત્ર અને પોતાના સંદેશાઓ દ્વારા મતદારોમાં અસર પેદા કરશે, તેની આશા ઓછી છે. તેમણે તર્ક આપતા કહ્યું કે પહેલીવાર લાલુ પ્રસાદને વર્ષ 2013માં સજા થઈ હતી. ત્યારબાદ 2014માં લોકસભા ચૂટંણીમાં પાર્ટીને સહાનુભૂતિ મળી નહતી. આ વખતે પણ સહાનુભૂતિની આશા રાખવી વ્યર્થ છે. જો કે એટલું જરૂર કહી શકાય કે આ વખતે ચૂંટણીમાં લાલુ સોશિયલ મીડિયા દ્વારા જેલથી જ મીડિયામાં છવાઈ રહ્યાં.
પટણાના વરિષ્ઠ પત્રકાર અને લાલુ પ્રસાદની આત્મકથા 'ગોપાલગંજ સે રાયસીના'ના સહાયક લેખક નલિન વર્મા કહે છે કે લાલુ સમયના મહત્વને સમજે છે. તેમના જેલમાં ગયા બાદ આરજેડીમાં એવો કોઈ 'ધાકડ' નેતા નથી.
જનતા વચ્ચે લાલુનો ચાર્મ
વર્મા માને છે કે મતદારોમાં લાલુનો ઊંડો ચાર્મ રહ્યો છે, જેને કોઈ નકારી શકે નહીં. આ વખતે ચૂંટણીમાં પાર્ટીના નેતાઓને આ જ કમી લાગી રહી છે અને તેનુ નુકસાન પાર્ટીએ ઉઠાવવાનું પડી શકે છે. લાલુ આ વોટબેંકને જાળવી રાખવા માંગે છે. પાટલીપુત્રથી મહાગઠબંધનના ઉમેદવાર અને આરજેડી અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવના પુત્રી મીસા ભારતીએ તો પોતાની ઉમેદવારી નોંધાવતી વખતે લાલુની તસવીર હાથમાં રાખી હતી.
જેલમાંથી મુખ્યમંત્રી પર આકરા પ્રહારો
આરજેડી ઉપાધ્યક્ષ શિવાનંદ તિવારી કહે છે કે લાલુ ક્યાંય પણ રહે બિહારના લોકો પર તેમનું વર્ચસ્વ નકારી શકાય નહીં. તેમણે કહ્યું કે લાલુના સોશિયલ મીડિયા કે પત્રો મતદારો પર કેટલી અસર પાડે છે તેને મુખ્યમંત્રી નીતિશકુમારના નિવેદનોથી સમજી શકાય છે.
તેમનું કહેવું છે કે 'આરજેડી અધ્યક્ષ લાલુના નિવેદનોના કારણે જ મુખ્યમંત્રી તેમની દરેક ચૂંટણી સભામાં લાલુ પ્રસાદનું નામ લે છે અને તેમની ટીકા કરે છે. લાલુના પત્ર અને સંદેશા આ ચૂંટણીમાં આરજેડી માટે ખુબ કારગર સાબિત થયા છે.'
જેડીયુ કહે છે કે હવે 1990નું રાજકારણ ચાલશે નહીં
આરજેડીના વિરોધી તિવારીના આ નિવેદન સાથે સહમત થતા નથી. જેડીયુના પ્રવક્તા નીરજકુમાર કહે છે કે, 'પટણાની ગંગામાં 1990 બાદ ઘણું પાણી વહી ગયું. હવે બિહાર 90ના દાયકાવાળું બિહાર નથી. તેઓ કહે છે કે લાલુ હોટવાર જેલમાં કેદી નંબર 3351 કેમ બન્યા, તે બધા લોકો જાણે છે. આવામાં આરજેડી ભલે તેમના નામે સહાનુભૂતિ ભેગી કરવાની કોશિશ કરે પરંતુ તેનો લાભ મળવાનો નથી.'
હાલ તો આરજેડી લાલુના નામના રથ પર સવાર થઈને આ ચૂંટણી રણને જીતવાની કોશિશ કરી રહ્યું છે અને લાલુ પ્રસાદ પણ પોતાના માધ્યમોથી આ ચૂંટણીમાં પોતાને જોડવાની કવાયતમાં લાગ્યા છે. હવે તેનો કેટલો લાભ આરજેડીને મળ્યો છે તે તો 23મી મેના રોજ પરિણામ આવશે ત્યારે જ ખબર પડશે.
(ઈનપુટ- આઈએએનએસ)
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે