Home> India
Advertisement
Prev
Next

લોકસભા ચૂંટણી: દુનિયાની સૌથી નાના કદની મહિલાએ નાગપુરમાં કર્યું મતદાન

આંધ્ર પ્રદેશના અનંતપુરમાં મતદાન દરમિયાન હિંસા ભડકી ઉઠી, ટીડીપી અને આઈએસઆર કોંગ્રેસ (વાયએસઆરસીપી) વચ્ચે ભડકેલી હિંસામાં વાઈએસઆર કોંગ્રેસના કાર્યકર્તાઓના હુમલામાં તદીપત્રીના સ્થાનિક ટીડીપી નેતા ભાસ્કર રેડ્ડીની હત્યા થઈ છે.

લોકસભા ચૂંટણી: દુનિયાની સૌથી નાના કદની મહિલાએ નાગપુરમાં કર્યું મતદાન

નવી દિલ્હી:  વિશ્વની સૌથી મોટી લોકશાહીનો સૌથી મોટો ઉત્સવ આજથી શરૂ થઈ ગયો છે. 20 રાજ્યોની 91 લોકસભા  બેઠકો માટે હાલ મતદાન ચાલુ છે. કુલ 1279 ઉમેદવારો મેદાનમાં છે. સંઘ પ્રમુખ મોહન ભાગવતે નાગપુર લોકસભા બેઠકના પોલીંગ બૂથ સંખ્યા 216 પર આજે સવારે 7 વાગે જઈને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. અલગ અલગ રાજ્યોના પોલિંગ બૂથો પર મતદારોની લાંબી લાઈન જોવા મળી રહી  છે. લોકો સવારથી જ મતદાન કરવા પહોંચી રહ્યાં છે. તેલંગાણાના ખમ્મમમાં કોંગ્રેસ ઉમેદવાર રેણુકા ચૌધરીએ મતદાન કર્યું છે. 

fallbacks

જ્યોતિ આમ્ગેએ કર્યું મતદાન
મહારાષ્ટ્રના નાગપુર લોકસભા મતવિસ્તારમાં દુનિયાની સૌથી નાના કદની મહિલા જ્યોતિ આમ્ગેએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. જ્યોતિ આમ્ગેની લંબાઈ 2 ફૂટ 1 ઈંચ છે. 

fallbacks

આંધ્રપ્રદેશમાં હિંસા
આંધ્ર પ્રદેશના અનંતપુરમાં મતદાન દરમિયાન હિંસા ભડકી ઉઠી, ટીડીપી અને આઈએસઆર કોંગ્રેસ (વાયએસઆરસીપી) વચ્ચે ભડકેલી હિંસામાં વાઈએસઆર કોંગ્રેસના કાર્યકર્તાઓના હુમલામાં તદીપત્રીના સ્થાનિક ટીડીપી નેતા ભાસ્કર રેડ્ડીની હત્યા થઈ છે. આ ઉપરાંત આંધ્ર પ્રદેશના અનેક વિસ્તારોમાંથી વાઈએસઆર કોંગ્રેસ તરફથી કરાયેલા હુમલાના પણ અહેવાલો છે. આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ આ ઘટનાની ટીકા કરી છે. તેમણે આરોપ લગાવ્યો છે કે વાઈએસઆર કોંગ્રેસ હિંસા ફેલાવવા માંગે છે. 

fallbacks

રેણુકા ચૌધરીએ ખમ્મમમાં  અને રામદેવે હરિદ્વારમાં કર્યુ મતદાન
 આ બાજુ તેલંગાણાના ખમ્મમમાં કોંગ્રેસ ઉમેદવાર રેણુકા ચૌધરીએ મતદાન કર્યું. યોગ ગુરુ રામદેવે હરિદ્વારમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. તેમની સાથે આચાર્ય બાલકૃષ્ણ પણ હાજર રહ્યાં. ઉત્તરાખંડમાં બપોરે 1 વાગ્યા સુધીમાં 41.27 ટકા મતદાન નોંધાયું છે. 

fallbacks

11 વાગ્યા સુધીમાં ક્યાં કેટલું મતદાન
સવારે 11 વાગ્યા સુધીમાં ઉત્તરાખંડમાં 23.3 ટકા, મિઝોરમમાં 29.9 ટકા, તેલંગાણામાં 22.84 ટકા, મેઘાલયમાં 27 ટકા, અરુણાચલ પ્રદેશમાં 27.48 ટકા, ઉત્તરાખંડમાં 23.78 ટકા, લક્ષદ્વિપમાં 23.10 ટકા, મહારાષ્ટ્રમાં 13.7 ટકા, નાગાલેન્ડમાં 48 ટકા, બિહારમાં 20.32 ટકા, અંડમાન નિકોબારમાં 14.37 ટકા, મતદાન થયું છે. જમ્મુ અને કાશ્મીરની બે બેઠકો જમ્મુ અને બારામુલ્લામાં સવારે 11 વાગ્યા સુધીમાં 24.66 ટકા, પશ્ચિમ બંગાળની બે બેઠકો કૂચ  બિહાર અને અલીપુરદ્વારમાં 38.08 ટકા તથા ત્રિપુરાની એક બેઠક ત્રિપુરા પશ્ચિમ પર 26.5 ટકા મતદાન નોંધાયું છે. 

ઈવીએમ ખોટકાયા
ઉત્તર પ્રદેશના સહારનપુરમાં મોટા પાયે ઈવીએમ ખોટકાવવાનો મામલો સામે આવ્યો છે. અહીંના પોલિંગ બૂથોમાં 100થી વધુ ઈવીએમ બગડ્યા છે. જો કે આ બગડેલા ઈવીએમને તાબડતોબ બદલવામાં આવ્યાં છે. 

દંતેવાડામાં મતદારોમાં ભારે ઉત્સાહ
છત્તીસગઢના નક્સલ પ્રભાવિત વિસ્તાર દંતેવાડામાં પણ લોકોમાં મતદાનને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 9 એપ્રિલના રોજ અહીં ભાજપના ધારાસભ્ય ભીમા માંડવીનું નક્સલી હુમલામાં નિધન થયું હતું. આ હુમલામાં ચાર સુરક્ષાકર્મીઓ પણ શહીદ થયા હતાં. આજે દંતેવાડામાં મતદાન મથકોની બહાર મતદારોની લાંબી લાઈનો લાગી છે. 

fallbacks

જમ્મુ કાશ્મીરમાં લોકોમાં ભારે ઉત્સાહ
જમ્મુ અને કાશ્મીરના મતદારોમાં મતદાનને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બાંદીપોરાના બૂથ નંબર 114 અને 115 પર મતદારોની લાંબી લાઈનો જોવા મળી. અહીંના મતદારોનું કહેવું છે કે આ વખતે તેઓ મત એ જ ઉમેદવારને આપશે જે સંસદમાં તેમના સ્થાનિક મુદ્દાઓને ઉઠાવી શકે. 

ઔવૈસી અને ગડકરીએ કર્યું મતદાન
એઆઈએમઆઈએમ પ્રમુખ અને હૈદરાબાદથી ઉમેદવાર અસદુદ્દીન ઓવૈસીએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. નાગપુરમાં ભાજપના નેતા નીતિન ગડકરીએ પણ મતદાન કર્યું. 

fallbacks

ઉમેદવારે EVM તોડ્યું
આંધ્ર પ્રદેશમાં જન સેનાના ધારાસભ્ય ઉમેદવાર મધુસુદન ગુપ્તાએ અનંતપુર જિલ્લાના ગૂટી પોલિંગ બૂથ પર ઈવીએમ જ તોડી નાખ્યું. ત્યારબાદ પોલીસે તેમની ધરપકડ કરી લીધી છે. તેમણે વોટિંગમાં અન્યાય થવાનો આરોપ લગાવ્યો છે. આ બાજુ એઆઈએમઆઈએમના પ્રમુખ અને હૈદરાબાદથી ઉમેદવાર અસદુદ્દીન ઓવૈસીએ પણ મતદાન કર્યું. 

ભાજપના ઉમેદવારનો ગંભીર આરોપ
ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરથી ભાજપના ઉમેદવાર સંજીવ બાલિયાને ફેક વોટિંગનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે મત નાખવા જે મહિલાઓ બુરખો પહેરીને અંદર જઈ રહી છે તેમના ચહેરા ચેક થઈ રહ્યાં નથી. તેમણે કહ્યું કે "હું આરોપ લગાવું છું કે ફેક વોટિંગ કરાવવામાં આવી રહ્યું છે. જો તેના પર ધ્યાન ન અપાયું તો ફેર મતદાનની માગણી કરીશ". 9 વાગ્યા સુધી બિહારમાં 5 ટકા, ઔરંગાાબદમાં 5.6 ટકા, ગયામાં 11 ટકા, નવાદામાં 3 ટકા અને જમુઈમાં 3 ટકા મતદાન નોંધાયું છે.

fallbacks

છત્તીસગઢના નારાયણપુરમાં નક્સલીઓએ કર્યો વિસ્ફોટ
છત્તીસગઢના નારાયણપુરમાં મતદાનને પ્રભાવિત કરવા માટે નક્સલીઓએ આઈડી વિસ્ફોટ કર્યો છે. જો કે આ વિસ્ફોટમાં કોઈ જાનહાનિ થઈ નથી. આ ઘટના ફરસગાંવ પોલીસ મથક વિસ્તારની છે. એસપીએ તેની પુષ્ટિ કરી છે. આ બાજુ બિહારના ઓરંગાબાદ સંસદીય મતવિસ્તારના સિલિયામાં બૂથ નંબર 9 પાસે આઈઈડી વિસ્ફોટક મળ્યો. ગયાના એસએસપી રાજીવ મિશ્રાએ પણ તેની પુષ્ટિ કરી. બોમ્બને ડિફ્યુસ કરવાની કામગીરી ચાલુ છે. 

મતદારોનું ઢોલ નગારાથી સ્વાગત
ઉત્તર પ્રદેશના બેરુતમાં બૂથ નંબર 126 પર મતદાન કરવા આવી રહેલા મતદારોનું ફૂલોની પાંખડીઓ અને ઢોલ વગાડીને સ્વાગત કરવામાં આવી રહ્યું છે. ચારેબાજુ મતદાન માટે લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 

જનરલ વી કે સિંહે કર્યું મતદાન
ગાઝિયાબાદથી ભાજપના ઉમેદવાર જનરલ (સેવા નિવૃત્ત) જનરલ વી કે સિંહે પણ મતદાન કર્યું છે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મતદાનની અપીલ
પીએમ નરેન્દ્ર મોદીએ મતદારોને મતદાન કરવા માટે અપીલ કરી છે. તેમણે ટ્વિટ કરીને લખ્યું કે તમામ મતદારોને મારી વિનંતી છે કે લોકતંત્રના આ મહોત્સવમાં જરૂર ભાગ લો. વધુમાં વધુ સંખ્યામાં લોકો મતદાન કરે. પહેલા મતદાન, પછી જલપાન!

સંઘ પ્રમુખ મોહન ભાગવતે નાગપુર લોકસભા બેઠકના પોલીસ બૂથ સંખ્યા 216 પર સવારે 7 વાગે પહોંચીને મતદાન કર્યું. ત્યારબાદ તેમણે અપીલ કરી કે વોટિંગ આપણું કર્તવ્ય છે અને બધાએ મતદાન કરવું જોઈએ. 

બિહારના સિલિયામાં મળ્યો વિસ્ફોટક
યુપીના સહારનપુરના બૂથ નંબર 374, 375, 376 પર હજુ મતદાન શરૂ થયું નથી. જ્યારે કૈરાનામાં પોલીંગ બૂથ નંબર 5ના ઈવીએમમાં ગડબડી થવાના કારણે 25 મિનિટ બાદ મતદાન શરૂ થઈ શક્યું. બિહારના ઔરંગાબાદ સંસદીય વિસ્તારના સિલિયામાં બૂથ નંબર 9 પાસે આઈઈડી વિસ્ફોટક મળ્યો. એસએસપી રાજીવ મિશ્રાએ તેની પુષ્ટિ કરી. બોમ્બને ડિફ્યુઝ કરવાનું કામ ચાલુ છે. 

પહેલા તબક્કાના મતદાનમાં આ દિગ્ગજોના ભાવિનો થશે ફેંસલો
પહેલા તબક્કાના મતદાનમાં જે પ્રમુખ નેતાઓના ભાગ્ય ઈવીએમમાં કેદ થવાના છે તેમાં કેન્દ્રીય મંત્રી જનરલ (સેવાનિવૃત્ત) વી કે સિંહ, નીતિન ગડકરી, હંસરાજ અહીર, કિરણ રિજિજૂ, કોંગ્રેસના રેણુકા ચૌધરી, એઆઈઈએમઆઈએમના અસદ્દુદ્દીન ઓવૈસી સામેલ છે. 

fallbacks

પ્રથમ તબક્કાના મતદાનમાં આરએલડીના અજીત સિંહનો મુકાબલો ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર સીટ પર ભાજપના સંજીવ બાલિયાન સામે છે. જ્યારે તેમના પુત્ર જયંત ચૌધરીનો મુકાબલો બાગપત બેઠક પર કેન્દ્રીય મંત્રી સત્યપાલ સિંહ સામે છે. એલજેપીના પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનના સાંસદ પુત્ર ચિરાગ પાસવાન બિહારમાં જમુઈ સીટથી ઉમેદવાર છે. 

નક્સલી પ્રભાવિત બસ્તર બેઠક માટે પણ મતદાન
પહેલા તબક્કામાં છત્તીસગઢની નક્સલી પ્રભાવિત બેઠક બસ્તર માટે પણ મતદાન થશે. ચૂંટણીનો વિરોધ કરી રહેલા નક્સલીઓએ બસ્તરના દંતેવાડામાં મંગળવારે બારૂદી સુરંગમાં વિસ્ફોટ કરીને હુમલો કર્યો હતો. જેમાં દંતેવાડાના ભાજપ ધારાસભ્ય સહિત અર્ધ સૈનિક દળના પાંચ જવાનો શહીદ થયા હતાં. હુમલાને કારણે ચૂંટણી સ્થગિત કરવાની આશંકાઓને ફગાવતા ચૂંટણી  પંચે કહ્યું કે બસ્તર બેઠક માટે ગુરુવારે પૂર્વ નિર્ધારિત ચૂંટણી કાર્યક્રમ હેઠળ જ મતદાન થશે. 

fallbacks

પહેલા તબક્કામાં આંધ્ર પ્રદેશ, સિક્કિમ અને ઓડિશામાં વિધાનસભા ચૂંટણી પણ થશે. આ દરમિયાન આંધ્ર પ્રદેશની 175 વિધાનસભા બેઠકો, સિક્કિમની 32 બેઠકો અને ઓડિશાની 28 બેઠકો માટે મતદાન થશે. 

આંધ્ર પ્રદેશથી અલગ થઈને તેલંગાણા રાજ્યની 2014માં સ્થાપના થયા બાદ આંધ્ર પ્રદેશમાં પહેલીવાર વિધાનસભા ચૂંટણી થઈ રહી છે. રાજ્યની તમામ 25 લોકસભા અને 175 વિધાનસભા બેઠકો માટે પહેલા તબક્કામાં આજે જ મતદાન હાથ ધરાઈ રહ્યું છે. 

સવારે સાત વાગ્યાથી મતદાન
ઉલ્લેખનીય છે કે આજે થનારા મતદાનનો ચૂંટણી પ્રચાર મંગળવારે સાજે પૂરો થઈ ગયો હતો. ચૂંટણી પંચ દ્વારા જાહેર થયેલા ચૂંટણી કાર્યક્રમ મુજબ પહેલા તબક્કામાં મતદાન સવારે સાત વાગ્યે શરૂ થનાર છે. કેટલીક બેઠકો પર મતદાન સાંજે 4 વાગ્યા સુધી અને કેટલીક બેઠકો પર સાંજે 5 વાગ્યા સુધી ચાલુ રહેવાનું છે જ્યારે અમુક બેઠકો પર સાંજે 6 વાગ્યા સુધી મતદાન ચાલુ રહેશે. 

આ રાજ્યોમાં મતદાન
પહેલા તબક્કામાં આંધ્ર પ્રદેશ, અરુણાચલ પ્રદેશ, મેઘાલય, ઉત્તરાખંડ, મિઝોરમ, નાગાલેન્ડ, સિક્કિમ, અને તેલંગાણાની તમામ લોકસભા બેઠકો માટે મતદાન થશે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશની આઠ લોકસભા બેઠકો (સહારનપુર, કૈરાના, મુઝફ્ફરનગર, બિજનૌર, મેરઠ, બાગપત, ગાઝિયાબાદ, અને નોઈડા) તથા બિહારની ચાર બેઠકો ( ઔરંગાબાદ, ગયા, નવાદા અને જમુઈ) તથા અસમની પાંચ અને મહારાષ્ટ્રની સાત, ઓડિશાની ચાર, પશ્ચિમ બંગાળની બે બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. 

જુઓ LIVE TV

આ તબક્કામાં ઉત્તર પ્રદેશની આઠ અને પશ્ચિમ બંગાળની બે  બેઠકો પર સવારે સાત વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી અને  બિહાર, મણિપુર, મેઘાલય, નાગાલેન્ડ અને ઓડિશામાં સવારે સાત વાગ્યાથી સાંજે ચાર વાગ્યા સુધી મતદાન થશે. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More