Home> India
Advertisement
Prev
Next

Congress ના દિગ્ગજ નેતાએ પૂર્વ UPA સરકાર પર કર્યા આકરા પ્રહાર, પુસ્તકમાં 26/11 હુમલા મુદ્દે સાધ્યું નિશાન

કોંગ્રેસ નેતા મનિષ તિવારીએ પોતાના પુસ્તકમાં મુંબઈ હુમલા બાદ કોઈ કાર્યવાહી ન કરવા બદલ તત્કાલિન મનમોહન સરકારની આકરી ટીકા કરી છે.

Congress ના દિગ્ગજ નેતાએ પૂર્વ UPA સરકાર પર કર્યા આકરા પ્રહાર, પુસ્તકમાં 26/11 હુમલા મુદ્દે સાધ્યું નિશાન

નવી દિલ્હી: કોંગ્રેસ નેતા મનિષ તિવારીએ પોતાના પુસ્તકમાં મુંબઈ હુમલા બાદ કોઈ કાર્યવાહી ન કરવા બદલ તત્કાલિન મનમોહન સરકારની આકરી ટીકા કરી છે. પોતાના પુસ્તકમાં મનિષ તિવારીએ લખ્યું કે મુંબઈ હુમલા બાદ ભારતે જડબાતોડ જવાબ આપવો જોઈતો હતો અને ડોકલામ વિવાદ ટાળી શકાય તેમ હતું. તેમણે એમ પણ લખ્યું કે કાર્યવાહી ન કરવી એ નબળાઈની નિશાની છે. તેમણે લખ્યું કે 26/11 હુમલા બાદ કડક કાર્યવાહી જરૂરી હતી. શબ્દો કરતા વધુ કડક કાર્યવાહી જરૂરી હતી. 

fallbacks

મનિષ તિવારીની ટ્વીટ
મનિષ તિવારીએ ટ્વીટ કરીને કહ્યું કે 'એ જાહેરાત કરતા ખુશી થઈ રહી છે કે મારું ચોથું પુસ્તક જલદી બજારમાં આવશે. 10 ફ્લેશ પોઈન્ટ, 20 વર્ષ- રાષ્ટ્રીય સુરક્ષાની સ્થિતિઓ જેણે ભારતને પ્રભાવિત કર્યું. આ પુસ્તક ગત બે દાયકામાં ભારત સામે આવેલા મોટા રાષ્ટ્રીય સુરક્ષા પડકારો પર છે.'

હુમલા બાદ સંયમ દેખાડવો તાકાત નથી- મનિષ તિવારી
મુંબઈ હુમલા પર મનિષ તિવારીએ કહ્યું કે 'એક એવું રાષ્ટ્ર જેણે સેંકડો નિર્દેોષ લોકોને મારવામાં કોઈ પરેશાની થતી નથી, તેના માટે સંયમ દેખાડવો તાકાતની નિશાની નથી. તેને એક નબળાઈ તરીકે જોવામાં આવે છે. ક્યારેક ક્યારેક એવો પણ સમય આવે છે કે જ્યારે શબ્દો કરતા વધુ કાર્યવાહી પર ધ્યાન આપવું જોઈએ. 26/11 કઈક એવો જ સમય હતો જ્યારે આમ કરવું જરૂરી હતું. આથી મારા મત મુજબ ભારતે 26/11 બાદ એક કડક કાર્યવાહી કરવી જરૂરી હતી.'

ડોકલામ વિવાદ ટાળી શકાય તેમ હતો-તિવારી
મનિષ તિવારીએ કહ્યું કે જુલાઈ 2018માં મોદી સરકારના રક્ષા અને નાણામંત્રીએ નાણાકીય મુશ્કેલીઓના કારણે ચીન વિરુદ્ધ માઉન્ટેન સ્ટ્રાઈક કોર્પ્સને બનાવવાની યોજના રદ કરી નાખી. LAC પર વધતા તણાવના કારણે ડોકલામ થયું, પરંતુ તેને 2017માં જ રોકી શકાય તેમ હતું. જો માઉન્ટેન સ્ટ્રાઈક કોર્પ્સ બનાવવામાં આવત, તેમને ટ્રેનિંગ અપાત અને જો સારી રીતે તેમનો ઉપયોગ થાત. માઉન્ટેન સ્ટ્રાઈક કોર્પ્સને રદ કરવું આ સરકારની રાષ્ટ્રીય સુરક્ષાને લઈને મોટી ભૂલ હતી. 

મનિષ તિવારીના પુસ્તકમાં કહેવાયેલી વાતોને લઈને ભાજપે પણ હવે કોંગ્રેસને ઘેરવાનું શરૂ કરી દીધુ છે. ભાજપના પ્રવક્તા શહેજાદ  પુનાવાલાએ ટ્વીટ કરીને કહ્યું કે મનિષ તિવારીએ 26/11 બાદ યુપીએ સરકારની નબળાઈની બરાબર ટીકા કરી છે. તેમણે લખ્યું કે એર ચીફ માર્શલ ફલી મેજરે પણ કહ્યું હતું કે આ હુમલા બાદ વાયુસેના કાર્યવાહી કરવા માંગતી હતી પરંતુ યુપીએ સરકારે એવું થવા દીધુ નહતું. 

પુનાવાલાએ આરોપ લગાવતા કહ્યું કે કોંગ્રેસ તે સમયે 26/11 માટે હિન્દુઓને જવાબદાર ઠેરવવા અને પાકિસ્તાનને બચાવવામાં વ્યસ્ત હતી. પુનાવાલાએ એમ પણ લખ્યું કે હિન્દુત્વ, 370 અને સર્જિકલ સ્ટ્રાઈક પર રાહુલ ગાંધી અને કોંગ્રેસ સતત પાકિસ્તાનની ભાષા જ બોલે છે. તેમણે એમ પણ કહ્યું કે કોંગ્રેસ જણાવવું જોઈએ કે જેવી કાર્યવાહી ઉરી અને પુલવામા હુમલા બાદ થઈ તેવી કાર્યવાહી 26/11 બાદ કરવા માટે કોણે અને કેમ રોક્યા?

26/11 ના રોજ શું થયું હતું મુંબઈમાં?
26 નવેમ્બર 2008ના રોજ સાંજે પાકિસ્તાનના 10 આતંકીઓ ભારતમાં ઘૂસી આવ્યા હતા. આતંકીઓએ અલગ અલગ જગ્યાએ જઈને કહેર વરસાવ્યો હતો. આતંકીઓએ રેલવે સ્ટેશન, હોટલ, બાર, તાજ હોટલ, ઓબેરોય હોટલ જેવી જગ્યાઓને નિશાન બનાવી હતી. 26 નવેમ્બરની રાતે 9.43 વાગે શરૂ થયેલું આતંકનું તાંડવ 29 નવેમ્બરની સવારે 7 વાગે પૂરું થયું હતું. મુંબઈના રસ્તાઓ પર આ મોતનું તાંડવ 60 કલાક સુધી ચાલ્યું હતું. આ હુમલાઓમાં 166 લોકોએ જીવ ગુમાવ્યા હતા. 9 આતંકીઓને એન્કાઉન્ટરમાં ઠાર કરાયા હતા. જ્યારે એકમાત્ર અજમલ કસાબ જીવતો પકડાયો હતો. જેને 21 નવેમ્બર 2012ના રોજ ફાંસી અપાઈ હતી. મુંબઈ હુમલામાં મુંબઈ  પોલીસ, એટીએસ અને એનએસજીના 11 જવાન શહીદ થયા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More