ભારતીય હવામાન વિભાગે દેશના વિવિધ વિસ્તારો માટે આગામી સાતેક દિવસ માટે પવન ફૂંકાવાથી લઈને ભારે વરસાદની આગાહી કરેલી છે. રાજસ્થાનના દક્ષિણ પશ્ચિમ વિસ્તારોમાં ચક્રવાતી પવનનું એક ક્ષેત્ર બનેલું છે જેને કારણે બાંગ્લાદેશ સુધી ટ્રફ રેખા ફેલાયેલી છે. આ ટ્રફના પગલે પશ્ચિમ ભારતના સૌરાષ્ટ્રમાં 27 જૂનના રોજ કેટલાક સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન ખાતાના જણાવ્યાં મુજબ ગોવા, કોંકણ અને મહારાષ્ટ્રના ઘાટ વિસ્તારોમાં તથા ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આગામી સાત દિવસ સુધી ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં 27 જૂનથી લઈને 3 જુલાઈ સુધી વિવિધ ભાગોમાં ભારે વરસાદની આગાહી છે. 30થી 40 કિમીની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે.
આગાહી મુજબ છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, ઓડિશા, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, સિક્કિમમાં ભારે વરસાદની શક્યતા છે. છત્તીસગઢ અને મધ્ય પ્રદેશમાં 1થી લઈને 3 જુલાઈ દરમિયાન ભારે વરસાદની સંભાવના છે. જ્યારે દક્ષિ ભારતીય રાજ્યોમાં 27 જૂનથી 3 જુલાઈમાં ભારે વરસાદ પડે તેવી શક્યતા છે. નોર્થ ઈસ્ટ રાજ્યોમાં પણ 30 જૂન સુધી હળવાથી મધ્યમ વરસાદની વકી છે. હિમાચલ પ્રદેશમાં કાંગડા અને કુલ્લુ જિલ્લામાં બુધવારે વાદળ ફાટ્યું હતું જેના કારણે પુર આવતા અનેક લોકો ગૂમ થયા હોવાના સમાચાર છે.
IMDએ લોકોને નીચાણવાળા વિસ્તારોમાં સાવધાની વર્તવાની અને બિનજરૂરી યાત્રાથી બચવાની સલાહ આપી છે. માછીમારોને સમુદ્રમાં ન જવાની સલાહ અપાઈ છે. કારણ કે ભારે પવન અને ઊંચી લહેરો ખતરો પેદા કરી શકે છે. હવામાન વિભાગે પ્રશાસનને પૂર અને જળભરાવાની સ્થિતિને પહોંચી વળવા માટે મોનિટરિંગ તથા મોક ડ્રિલ કરવાનો નિર્દેશ આપ્યો છે.
હવામાન ખાતાના જણાવ્યાં મુજબ 29 અને 30 જૂને પણ ગુજરાતના અનેક ભાગોમાં ભારે વરસાદનો દોર જોવા મળી શકે છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ યથાવત છે. જ્યારે મધ્ય ગુજરાતમાં વરસાદની તીવ્રતા થોડી ઘટી શકે છે. જો કે 1 જુલાઈ બાદ વરસાદનું જોર કઈક ઓછું થઈ શકે છે. પરંતુ સંપૂર્ણ રીતે રાહત મળતા વાર લાગશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે