Home> India
Advertisement
Prev
Next

Nagpur Violence: ઔરંગઝેબની કબરની લડાઈમાં ભડકે બળ્યું નાગપુર, મહાલ-હંસપુરીમાં કેવી રીતે ભડકી હિંસા, બહારથી આવ્યા હતા ઉપદ્રવીઓ?

ગુજરાતના પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં મહાલ વિસ્તારમાં બે જૂથ વચ્ચેની અથડામણે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું અને ત્યારબાદ આગચંપી અને પથ્થરમારાની ઘટનાઓ ઘટી. મહાલ બાદ હંસપુરીમાં પણ હિંસાની ઘટના ઘટી. આખરે એવું તે શું થયું કે શાંત શહેર ગણાતા નાગપુરને હિંસાએ ઝપેટમાં લીધુ?

Nagpur Violence: ઔરંગઝેબની કબરની લડાઈમાં ભડકે બળ્યું નાગપુર, મહાલ-હંસપુરીમાં કેવી રીતે ભડકી હિંસા, બહારથી આવ્યા હતા ઉપદ્રવીઓ?

મહારાષ્ટ્રના નાગપુરના મહાલ વિસ્તારમાં સોમવારે બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થઈ. ત્યારબાદ ઉપદ્રવીઓએ અનેક વાહનોમાં આગચંપી કરી. પથ્થરમારો કરીને જાહેર સંપત્તિને પણ નુકસાન પહોંચાડ્યું. આ પથ્થરમારામાં અનેક પોલીસકર્મીઓ ઘાયલ થયા. ત્યારબાદ બીજી અથડામણ 10.30 થી 11.30 વાગ્યા વચ્ચે હંસપુરી વિસ્તારમાં જૂના ભંડારા રોડ પર થઈ. જ્યાં એક ભીડે અનેક વાહનોને આગને હવાલે કર્યા અને ઘરોમાં તોડફોડ કરી. હાલ ત્યાં શાંતિ છે અને મોટી સંખ્યામાં પોલીસફોર્સ તૈનાત કરાઈ છે. પરંતુ આ હિંસા આખરે ભડકી કેવી રીતે?

fallbacks

કઈ રીતે ભડકી ગઈ હિંસા
મહારાષ્ટ્રના નાગપુરના મહાલ વિસ્તારમાં સોમવારે બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. આગચંપી અને પથ્થરમારાની ઘટના પણ ઘટી. અનેક પોલીસકર્મીઓ ઘાયલ થયા. એવું કહેવાય છે કે આ હિંસા કેટલાક  દાવા બાદ થઈ. મીડિયા રિપોર્ટ મુજબ દાવો કરાયો છે જેમાં એક ધર્મના સંગઠનોએ બીજા ધર્મના સંગઠનોના વિરોધ પ્રદર્શન દરમિયાન એક કપડું બાળવાનો આરોપ લગાવ્યો. જે કપડાંને બાળવામાં આવ્યું હતું તેના પર ધાર્મિક વાતો લખેલી હતી. એવું કહેવાય છેકે આ વિરોધ સંભાજીનગરમાં મુઘલ શાસક ઔરંગઝેબની કબરને હટાવવાની માંગણીને લઈને કરાયો હતો. હાલ સ્થિતિ કાબૂમાં છે અને વિસ્તારમાં ભારે પોલીસફોર્સ તૈનાત કરાઈ છે. 

નાગપુરમાં કલમ 163 લાગૂ
હિંસા બાદ નાગપુરમાં બીએનએસની કલમ 163 લાગૂ કરાઈ છે. સીએમ ફડણવીસ અને ગડકરીએ શાંતિની અપીલ કરી છે. જ્યારે કોંગ્રેસે નાગપુર હિંસાને લઈને ભાજપની ટીકા કરી છે અને કહ્યું કે તેનાથી સત્તાધારી પાર્ટીની વિચારધારાનો અસલ ચહેરો સામે આવ્યો છે. 

અનેક ઉપદ્રવીઓ પોલીસે દબોચ્યા
અત્યાર સુધીમાં 60 થી 65 જેટલા ઉપદ્રવીઓને પોલીસે પકડ્યા છે.  

25 પોલીસકર્મીઓ ઘાયલ
નાગપુરના મહેલ વિસ્તારમાં પથ્થરમારા અને આગચંપીની ઘટનાઓ બાદ નાગપુરના ઝોન 3,4 અને 5માં કરફ્યૂ લગાવવામાં આવ્યો છે. કમિશ્નરે બધાને નિર્દેશ આપ્યા છે કે તેઓ જરૂર ન હોય તો ઘરની બહાર ન નીકળે અને કાયદો હાથમાં ન લે. અફવાઓ પર વિશ્વાસ ન કરો. તોફાનીઓએ અનેક કાર અને બાઈકમાં આગચંપી કરી. આ ઉપરાંત 2-3 જેસીબીને પણ આગને હવાલે કર્યા. હિંસામાં અત્યાર સુધીમાં 25 જેટલા પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. 

નાગપુરના પોલીસ કમિશનર ડો. રવિન્દર સિંઘલે લોકોને વિશ્વાસ અપાવ્યો છે કે હાલાત હવે કાબૂમાં છે. એક તસવીર  બાળવામાં આવી ત્યારબાદ લોકો ભેગા થયા. અમે તેમને વિખરાઈ જવાની ભલામમ કરી અને અમે તે સંબંધમાં કાર્યવાહી પણ કરી. તેઓ મને મળવા માટે મારી ઓફિસ પણ આવ્યા હતા. તેમને જણાવવામાં આવ્યું કે તેમના દ્વારા જણાવવામાં આવેલા નામોના આધારે એક એફઆઈઆર પણ નોંધવામાં આવી છે અને તેમના વિરુદ્ધ કાર્યવાહી કરાશે. 

વિપક્ષી પાર્ટીઓના આકરા પ્રહાર
શહેરમાં થયેલી હિંસા અંગે વિપક્ષી પાર્ટીઓ પણ સરકાર પર આકરા પ્રહાર કરી રહી છે. શિવસેના (યુબીટી)ના નેતા આદિત્ય ઠાકરેએ આ ઘટના અંગે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના ગૃહનગરમાં સરકારી મશીનરીનું પતન ગણાવ્યું. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ શેર કરી કે રાજ્યની કાયદો વ્યવસ્થા પહેલા કરતા પણ વધુ ધ્વસ્ત થઈ છે. સીએમ અને ગૃહમંત્રીનું ગૃહનગર નાગપુર  તેનો સામનો કરી રહ્યું છે. 

કોંગ્રેસ નેતા પવન ખેડાએ પણ કહ્યું કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રીના ગૃહનગર નાગપુરના મહાલ વિસ્તારમાં તોફાનો ફાટી નીકળ્યા. નાગપુર 300 વર્ષ જૂનું શહેર છે. આ 300 વર્ષના ઈતિહાસમાં નાગપુરમાં કોઈ તોફાન થયું નથી. આપણે બધાએ પૂછવું જોઈએ કે આવા હાલાત કેમ ઊભા થયા. કેન્દ્ર અને રાજ્ય બંને જગ્યાએ ભાજપની સરકાર છે. જો વિહિપ અને બજરંગદળે ઔરંગઝેબની કબર હટાવવાની માંગણીને લઈને વિરોધ કર્યો તો શું સરકારે કાયદો વ્યવસ્થા જાળવવા માટે કોઈ વ્યવસ્થા નહતી કરી?

ખેલ રમાઈ રહ્યો છે
તેમણે વધુમાં કહ્યું કે  કોંગ્રેસ પાર્ટી અને અમે બધા નાગપુરવાસીઓને શાંતિ જાળવવાની અપીલ કરીએ છીએ. એક ખેલ રમાઈ રહ્યો છે અને 300 વર્ષ જૂના ઈતિહાસને મુદ્દો બનાવવામાં આવી રહ્યો છે. કેટલાક રાજકીય પક્ષો લોકોને ભડકાવે છે અને વિચારે છે કે તેમાં તેમનો રાજકીય ફાયદો છે. આપણે આવા રાજકારણથી બચવું પડશે. શાંતિ આપણા માટે મહત્વપૂર્ણ છે. 

શું બોલ્યા અલ્પસંખ્યક આયોગના અધ્યક્ષ
મહારાષ્ટ્ર અલ્પસંખ્યક આયોગના અધ્યક્ષ પ્યારે ખાને હિંસાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી અને લોકોને શાંતિ જાળવી રાખવાની અપીલ કરી છે. ખાને કહ્યું કે, આ એક ખુબ જ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે અને નાગપુરમાં આવી હિંસા થવી જોઈતી નહતી. જે પોતાના સંતો માટે જાણીતું છે. રામનવમી દરમિયાન અહીં મુસલમાનોએ હિન્દુઓના સ્વાગત માટે ટેન્ટ લગાવ્યા હતા. અહીં એક દરગાહ છે જ્યાં તમામ ધર્મોના લોકો- હિન્દુ, મુસ્લિમ, શીખ અને ઈસાઈ પ્રાર્થના કરવા આવે છે. 

તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે બહારથી આવેલા કેટલાક અસમાજિક તત્વો દ્વારા હિંસા કરાઈ હતી. તેમણે એવો પણ દાવો કર્યો કે આ હિંસામાં નાગપુરના  લોકો સામેલ નથી. કેટલાક અસામાજિક તત્વો બહારથી આવ્યા અને અશાંતિ પેદા કરી. શાંતિની અપીલ કરતા ખાને ભારપૂર્વક કહ્યું કે હિંસા કોઈની મદદ કરતી નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More