Padmanabhaswamy Temple : કેરળના ઐતિહાસિક શ્રી પદ્મનાભસ્વામી મંદિરમાંથી એક આશ્ચર્યજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મંદિરમાંથી સોનાનો સળિયો ગાયબ થવાને લઈને એક નવું રહસ્ય સામે આવ્યું છે. એવું કહેવામાં આવ્યું હતું કે આ સોનાનો સળિયો રવિવારે મંદિર પરિસરની અંદર રેતીમાં દટાયેલો મળી આવ્યો હતો. જે પોલીસ અને તપાસ ટીમે શોધી કાઢ્યો હતો. ખાસ વાત એ હતી કે તેની શોધમાં સ્નિફર ડોગ્સની પણ મદદ લેવામાં આવી હતી. પરંતુ નવાઈની વાત એ છે કે આ સમગ્ર ઘટનામાં સીસીટીવીમાં કોઈના અંદર આવવા કે બહાર જવાના કોઈ પુરાવા નથી. આવી સ્થિતિમાં, ભક્તોએ તેને ભગવાનનો ચમત્કાર ગણાવ્યો અને કહ્યું કે ભગવાન પોતે જ તેમની અમાનત પાછી લાવ્યા છે.
જ્યારે બેગ ખોલવામાં આવી ત્યારે સળિયો ગાયબ હતો
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ મામલો 27 એપ્રિલે શરૂ થયો હતો જ્યારે ગર્ભગૃહના દરવાજાઓનું સમારકામ શરૂ કરવામાં આવ્યું હતું. સુવર્ણકારે દરવાજામાંથી લીધેલા સોનામાંથી 12 સેમી લાંબો વેલ્ડીંગ સળિયો બનાવ્યો. જેનો ઉપયોગ દરવાજા પર સોનાની પ્લેટો વેલ્ડ કરવા માટે થવાનો હતો. બુધવાર સુધીમાં કામ પૂર્ણ થઈ ગયું અને મંદિર મેનેજમેન્ટે બધી સોનાની વસ્તુઓ કાપડની થેલીમાં મૂકી અને તેને સ્ટ્રોંગ રૂમમાં સુરક્ષિત રીતે રાખી દીધી. પરંતુ શનિવારે સવારે જ્યારે બેગ ખોલવામાં આવી ત્યારે સળિયો ગાયબ જોવા મળ્યો.
સ્ટ્રોંગ રૂમ ફરી ખોલવામાં આવ્યો નહોતો...
તપાસ દરમિયાન પોલીસે સીસીટીવી ફૂટેજની તપાસ કરી. જેમાં બુધવારે સ્ટ્રોંગ રૂમમાં સોનાની થેલી રાખતી વખતે સળિયો તેમાં હાજર જોવા મળ્યો હતો. ગુરુવાર અને શુક્રવારે કોઈ કામ થયું ન હતું અને સ્ટ્રોંગ રૂમ ફરીથી ખોલવામાં આવ્યો ન હતો. તેથી સુરક્ષા એજન્સીઓને મંદિરની અંદર કોઈ વ્યક્તિ પર શંકા ગઈ. જોકે, સળિયા મળવાથી આખો મામલો વધુ રહસ્યમય બન્યો. સીસીટીવીમાં કોઈ શંકાસ્પદ ગતિવિધિ રેકોર્ડ થઈ નહોતી અને તાળું અકબંધ હોવાનું જાણવા મળ્યું હતું.
ચોરાયેલો સળિયો પરત કેવી રીતે આવ્યો ?
હાલમાં પોલીસ આ મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. અધિકારીઓનું કહેવું છે કે સોનું રાખવા માટે જવાબદાર લોકો સામે યોગ્ય કાનૂની કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. એ પણ જોવામાં આવી રહ્યું છે કે શું ડરના કારણે કોઈએ ચોરી કરેલો સળિયો પાછો મૂકી દીધો છે. પોલીસ એ નક્કી કરવાનો પ્રયાસ કરી રહી છે કે આ ઘટના બેદરકારીનો કેસ હતો કે આયોજિત ચોરીનો પ્રયાસ હતો. પરંતુ ભક્તો માટે હજુ પણ એક રહસ્ય છે કે દરવાજો ખોલ્યા વિના અને કોઈને શંકા ગયા વિના સળિયો રેતીમાં કેવી રીતે પહોંચ્યો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે