જમ્મુ અને કાશ્મીરના બાંદીપોરામાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણમાં લશ્કર એ તૈયબા Lashkar-e-Taiba (LeT)નો ટોપ આતંકી માર્યો ગયો છે. લશ્કરના આતંકી અલ્તાફ લાલીનો સુરક્ષાદળોએ સફાયો કર્યો છે.
બાંદીપોરામાં શુક્રવાર સવારથી અથડામણ થઈ રહી છે. સુરક્ષાદળોએ વિસ્તારમાં આતંકીઓની સૂચના મળ્યા બાદ બાંદીપોરા જિલ્લામાં ઘેરાબંધી અને સર્ચ અભિયાન શરૂ કર્યું હતું. તેમણે જણાવ્યું કે છૂપાયેલા આતંકીઓ દ્વારા સુરક્ષાદલો પર ફાયરિંગ શરૂ કર્યા બાદ સર્ચ અભિયાન અથડામણમાં ફેરવાઈ ગયું.
આ અગાઉ આ એન્કાઉન્ટરમાં એક આતંકી ઘાયલ થયાના સમાચાર હતા. આ દરમિયાન બે સુરક્ષાકર્મી ઘાયલ થયા થયા છે. અત્રે જણાવવાનું કે પહેલગામ આતંકી હુમલા બાદ જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષાદલો અને આતંકીઓ વચ્ચે આ ચોથું એન્કાઉન્ટર છે. આ અગાઉ ગુરુવારે સુરક્ષાદળોએ ઉધમપુરના ડૂડૂ બસંતગઢમાં કેટલાક આતંકીઓને ઘેર્યા હતા. અથડામણમાં સેનાનો એક હવાલદાર શહીદ થયો હતો.
બાંદીપોરા પોલીસે કાલે લશ્કર એ તૈયબાના ચાર ઓવર ગ્રાઉન્ડ વર્કરની ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યું કે તેમને ઈન્ટેલ ઈનપુટ મળ્યા હતા કે લશ્કર એ તૈયબા સંલગ્ન કેટલાક ગ્રાઉન્ડ વર્કર પોલીસ અને બહારના લોકો પર હુમલો કરવાની ફિરાકમાં છે. આ ગુપ્ત માહિતીના આધારે બાંદીપોરા પોલીસે સર્ચ અભિયાન શરૂ કર્યું અને જિલ્લામાં વિવિધ સ્થાનો પર ઘેરાબંધી કરી હતી. અત્રે જણાવવાનું કે પહેલગામમાં 22 એપ્રિલના રોજ થયેલા આતંકી હુમલા બાદ આતંકીઓને પકડવા માટે આ સર્ચ અભિયાન ચાલી રહ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે