India Pakistan War : ઓપરેશન સિંદૂરની પ્રચંડ સફળતા પછી હેબતાયેલું પાકિસ્તાન દરેક મોરચે ભીંસાઈ રહ્યું છે. ભારતના આક્રમણને તે રોકી શકતું નથી અને ભારતના મજબૂત પ્રતિકાર સામે પાકિસ્તાનના એકે ય આક્રમણ કારગત નીવડતાં નથી. તેમ છતાં ય સતત તે ભારત પર ડ્રોન એટેક કરતું રહે છે. ગત 8 મેના રોજ પંજાબ, જમ્મુ અને રાજસ્થાનની સરહદ પર ભારતે તોડી પાડેલાં ડ્રોની ફોરેન્સિક એનાલિસિસ કર્યા પછી ભારતીય સૈન્યે જણાવ્યું હતું કે આ દરેક ડ્રોન તુર્કિયે દ્વારા પાકિસ્તાનને અપાયેલાં છે. જેની કિંમત એક ડ્રોન દીઠ રૂ. 20 લાખ થાય છે, પરંતુ મુસ્લિમ ભાઈચારાના નામે તુર્કિયેએ 70 ટકા જેટલું ડિસ્કાઉન્ટ આપતાં પાકિસ્તાનને પ્રત્યેક ડ્રોન રૂ. 7 લાખથી ય ઓછી કિંમતે મળ્યું છે. પાકિસ્તાન પાસે આવાં 400 જેટલાં ડ્રોન છે.
શું છે SONGAR ડ્રોન?
ડ્રોન એટલે માનવરહિત વિમાન, જે પોતાની GPS નેવિગેશન સિસ્ટમ વડે ઊડાન ભરી શકે છે અને સિસ્ટમમાં ફીડ કરેલ ડેટાના આધારે ધાર્યા નિશાન પર ત્રાટકી પણ શકે છે. તુર્કીની ASISGUARD કંપનીએ બનાવેલા આ ડ્રોન 145 સેન્ટિમીટર (એટલે કે આશરે પાંચ ફૂટ) પહોળા અને અઢી ફૂટ જેટલાં ઊંચા હોય છે, જેનું વજન 25 કિલો જેટલું હોય છે. કદમાં સાવ નાના અને વજનમાં હળવા હોવા છતાં આ વિમાન અત્યંત મારકણા છે. કારણ કે તેની ઈન્ફ્રારેડ GPS નેવિગેશન સિસ્ટમ એકદમ કારગત છે. દર મિનિટે 15 રાઉન્ડ ફાયર કરી શકતી મશીનગન ઉપરાંત ગ્રેનેડ લોન્ચર અને મોર્ટાર (મોટા કદના બોમ્બ) જેવા ઘાતક હથિયારોથી સજ્જ આ ડ્રોન સ્વયંચાલિત હોવા ઉપરાંત ગ્રાઉન્ડ બેઝ સ્ટેશન પરથી પણ તેને કમાન્ડ આપી શકાય છે.
ગુરુદાસપુરમાં ડ્રોન હુમલાથી મોટો ખાડો પડ્યો, 4 Km વિસ્તારમાં તૂટ્યા ઘરના કાચ, PHOTOs
નીચી સપાટીએ કેમ ઊડે છે?
હાલમાં પાકિસ્તાન સરહદ નજીક બનાવેલાં લોન્ચ પેડ પરથી તેનો કન્ટ્રોલ કરી રહ્યું છે. સોનગર ડ્રોન તેનાં બેઝ સ્ટેશનથી મહત્તમ 15 કિલોમીટર દૂર જઈને પ્રહાર કરી શકે છે. તેમજ હવામાં રહેવાની તેની ક્ષમતા મહત્તમ 45 મિનિટ જેટલી છે. વજનમાં હળવું હોવાથી તે વધુ ઊંચાઈ લઈ શકવું જોઈએ. પરંતુ મહત્તમ બારૂદ ઠાંસી શકાય એ હેતુથી તેનું પ્રોપેલર પણ હળવું રાખવામાં આવ્યું છે. આથી આ પ્રકારના ડ્રોન જમીનથી 2800 ફૂટથી માંડીને મહત્તમ દોઢ કિલોમીટર જેટલી ઊંચાઈએ ઊડી શકે છે. ઓછી ઊંચાઈનો ફાયદો એ થાય છે કે રડાર સિસ્ટમમાં પકડાવાની શક્યતા ઘટી જાય છે.
ધર્માદાનો ભભકો
તુર્કિયેના પ્રેસિડેન્ટ રેસપ તૈયપ અર્દોગાન પોતાના દેશમાં ઈસ્લામિક રાષ્ટ્રવાદના સમર્થક મનાય છે. હાલમાં જ તેમણે તુર્કિયેની યુદ્ધજહાજને કરાંચી મોકલીને પોતે પાકિસ્તાનની સાથે હોવાનો સંકેત આપ્યો હતો. ગત વર્ષે તુર્કિયેએ પાકિસ્તાન સાથે 400 ડ્રોનની ડિલ કરી હતી. આંતરરાષ્ટ્રીય ભાવ મુજબ આ ડિલ લગભગ 80 કરોડ રૂપિયામાં થવી જોઈએ. પરંતુ પાકિસ્તાનની ત્રેવડ ઓછી હોવાનું જાણતાં તુર્કિયેએ રહેમરાહે અને મુસ્લિમ ભાઈચારાના નામે આ ડિલ ફક્ત 28 કરોડ રૂપિયામાં કરી હતી. જેને લીધે પાકિસ્તાનને તો એક ડ્રોન લગભગ 7 લાખ રૂપિયામાં પડ્યું છે.
PIB Fact-Checks : ભારતમાં ઉડેલી આ અફવા પર ધ્યાન ન આપતા, પાવર ગ્રીડ પર હુમલાના સમાચાર
સોનાં કરતાં તોડામણ મોંઘું
ભારતની એર ડિફેન્સ સિસ્ટમના ઘણાં પ્રકાર છે. જેમાં રશિયા પાસેથી ખરીદેલી S400 મુખ્ય છે. પરંતુ S400ના પ્રહાર વડે ડ્રોનને ઊડાડવું એ કરવત વડે બટેટું સમારવા જેવું ગણાય. કારણ કે S400ની કિંમત, હેરફેર માટેનો ખર્ચ અને તેની સમગ્ર ઓપરેટિંગ કોસ્ટ ખૂબ જ ઊંચી છે અને પાકિસ્તાનના ડ્રોન વિમાન કરતાં 20 ગણી વધારે થાય. આથી ભારત બને ત્યાં સુધી શિલ્કા તરીકે ઓળખાતી L-70 એન્ટી એરક્રાફ્ટ ગન વડે ડ્રોનનો શિકાર કરે છે. કેટલાંક કિસ્સામાં ડ્રોનની GPS સિસ્ટમને આંધળી કરી દેવાનો ય પ્રયાસ થાય છે. જેથી નેવિગેશનના અભાવમાં તે આપોઆપ તૂટી પડે છે. બેમાંથી એકેય કિમિયો કારગત ન નીવડે અને ડ્રોન સાવ નજીક આવી જાય ત્યારે S400 એક્ટિવેટ થાય અને તેને હવામાં જ ઊડાડી દે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે