નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને લઈને કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીની વિવાદિત ટિપ્પણી પર રાજકીય હંગામા વચ્ચે રાષ્ટ્રીય મહિલા આયોગે કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધીને આ મામલામાં હસ્તક્ષેપ કરવા માટે પત્ર લખ્યો છે. એટલું જ નહીં મહિલા આયોગે સોનિયા ગાંધી પાસે અધીર રંજન ચૌધરી વિરુદ્ધ તેની અપમાનજનક ટિપ્પણી માટે યોગ્ય કાર્યવાહી કરવાનું પણ કહ્યું છે.
તો લોકસભામાં કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ વિશે કરવામાં આવેલી ટિપ્પણી પર સ્પષ્ટતા કરી છે. પીટીઆઈ પ્રમાણે તેમણે કહ્યું કે હું વધુ સારી હિન્દી જાણતો નથી તેથી ભૂલ થઈ ગઈ. મેં રાષ્ટ્રપતિ પાસે મળવાનો સમય માંગ્યો છે. હું રાષ્ટ્રપતિને મળીને માફી માંગવાનો છું. પરંતુ તેમણે ભાજપ પર નિશાન સાધ્યુ હતું. તેમણે કહ્યું કે, તે પાખંડીઓની માફી માંગશે નહીં. તેમણે કહ્યું કે ગમે તે સમુદાયના વ્યક્તિ રાષ્ટ્રપતિ પદ પર હોય હું તેનું સન્માન કરૂ છું.
સમાચાર એજન્સી એએનઆઈના રિપોર્ટ પ્રમાણે રાષ્ટ્રીય મહિલા આયોગે કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરીને વ્યક્તિગત રૂપથી રજૂ થઈ અને પોતાની ટિપ્પણી માટે લેખિત સ્પષ્ટીકરણ આપવાની પણ નોટિસ ફટકારી છે. મહિલા પંચમાં આ સુનાવણી 3 ઓગસ્ટ સવારે 11.30 કલાકે નક્કી કરવામાં આવી છે. તો ભાજપે કોંગ્રેસને આદિવાસીઓ, મહિલાઓ અને ગરીબોના વિરોધી ગણાવ્યા છે.
આ પણ વાંચોઃ હિન્દી ઓછું જાણવાને કારણે ભૂલ થઈ, ફાંસી આપવી હોય તો આપી દોઃ અધીર રંજન ચૌધરી
તો સમાચાર એજન્સી પીટીઆઈના રિપોર્ટ પ્રમાણે રાષ્ટ્રીય મહિલા આયોગ અને 12 રાજ્યોના મહિલા આયોગે ગુરૂવારે કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીની રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ પર કરવામાં આવેલી ટિપ્પણીની આલોચના કરી અને કહ્યું કે, આ ટિપ્પણી ખુબ અપમાનજનક અને લિંદભેદવાદી છે. ભાજપે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી પાસે આ વિવાદ પર માફીની માંગ કરી છે. ભારતી જનતા પાર્ટીના સાંસદોના હંગામાને કારણે ગુરૂવારે લોકસભાની કાર્યવાહી ફરી સ્થગિત કરવાની ફરજ પડી હતી.
મહિલા આયોગના અધ્યક્ષ રેખા શર્માએ ટ્વીટ કરી જણાવ્યું કે રાષ્ટ્રીય મહિલા આયોગ અને વિશાખાપટ્ટનમમાં ત્રિમાસીક બેઠલમાં હાજર તમામ રાજ્ય મહિલા પંચોએ રાષ્ટ્રપતિ વિરુદ્ધ કોંગ્રેસ નેતા તરફથી કરવામાં આવેલી અપમાનજનક ટિપ્પણીની નિંદા કરી છે. આ મામલા પર મહિલા આયોગ કડક છે અને તેમને સમન્સ મોકલી રહ્યું છે. 12 રાજ્ય મહિલા આયોગોમાં આંધ્ર પ્રદેશ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ અને ત્રિપુરાનું આયોગ સામેલ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે