Home> India
Advertisement
Prev
Next

દિલ્હી-મહારાષ્ટ્ર બાદ હવે 2026માં બંગાળનો વારો? મમતા બેનર્જીનો ગઢ ફતેહ કરવા શું થઈ રહી છે તૈયારીઓ

આગામી વર્ષે પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી યોજાશે. તે પહેલા રાષ્ટ્રીય સ્વયં સેવકે ભાજપ માટે મોટી તૈયારી કરી દીધી છે. છેલ્લા બે વર્ષમાં જે મહેનત કરાઈ છે તેના પરિણામ જોતા તો કઈક આવું જ લાગે છે. 

દિલ્હી-મહારાષ્ટ્ર બાદ હવે 2026માં બંગાળનો વારો? મમતા બેનર્જીનો ગઢ ફતેહ કરવા શું થઈ રહી છે તૈયારીઓ

પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની મહેનતના પરિણામો જોવા મળી રહ્યા છે. છેલ્લા 2 વર્ષમાં આરએસએસએ પોતાના પ્રાંતોમાં શાખાઓમાં જબરદસ્ત વધારો કર્યો છે. ખાસ કરીને બંગા પ્રાંતમાં સ્વયંસેવકોની મહેનત બિરદાવવામાં આવી રહી છે. એક જાણકારી મુજબ છેલ્લા 2 વર્ષ (2023-2025)માં અહીં 500 નવી શાખાઓ બનાવવામાં આવી છે. જેને સંઘની અંતર એક મોટા વધારા તરીકે જોવામાં આવી રહ્યો છે. બંગાળમાં RSS ના ત્રણ મુખ્ય પ્રાંત છે, ઉત્તર બંગા પ્રાંત, મધ્ય બંગા પ્રાંત, અને દક્ષિણ  બંગા પ્રાંત. ઉત્તર બંગા પ્રાંતમાં ઉત્તર બંગાળના જિલ્લા આવે છે. મધ્ય બંગામાં પૂર્વ અને પશ્ચિમ બર્ધવાન, બીરભૂમ, બાકુંડા, મુર્શીદાબાદ અને પુરુલિયા સામેલ છે. જ્યારે દક્ષિણ બંગા પ્રાંતમાં દ.બંગાળના જિલ્લા આવે છે. 

fallbacks

કયા પ્રાંતમાં કેટલી શાખાઓ વધી
આમ તો તમામ પ્રાંતોમાં શાખાઓની સંખ્યામાં વધારો થયો છે પરંતુ મધ્ય બંગામાં થનારો વધારો નોંધપાત્ર છે. 2023માં ઉત્તર બંગામાં શાખાઓ, મિલનો અને મંડળીઓની કુલ સંખ્યા 1034 હતી જે 2024માં 1041 અને 2025માં 1153 સુધી પહોંચી ગઈ. મધ્ય બંગામાં આ સંખ્યા 2023માં 1320 હતી જે 2025માં વધીને 1823 થઈ ગઈ. એ જ રીતે દક્ષિણ બંગામાં 2023માં 1206 શાખાઓ હતી જે 2025માં વધીને 1564 થઈ ગઈ. 

હરિયાણા, દિલ્હી, મહારાષ્ટ્ર બાદ બંગાળમાં મહેનત
રાજકીય વર્તુળોમાં આરએસએસની ભૂમિકા ખુબ મહત્વપૂર્ણ ગણાય છે. હરિયાણા, દિલ્હી અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં તેની સક્રિયતા જોવા મળી છે અને હવે બંગાળમાં પણ તેનો પ્રભાવ વધારવાની કોશિશ થઈ રહી છે. મધ્ય બંગામાં શાખાઓમાં ઝડપથી વધારો થતા જોતા આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે ફેબ્રુઆરીમાં પોતાના 11 દિવસના બંગાળ પ્રવાસ દરમિયાન બર્દવાનમાં એક ઓપન બેઠકનું પણ આયોજન કર્યું હતું. 

ભાજપ માટે ખુશખબર
ભાજપના સૂત્રોનું માનવું છે કે શાખાઓની સંખ્યામાં વધારાનો રાજકીય પ્રભાવ પડી શકે છે. પૂર્વ ક્ષેત્ર પ્રચાર પ્રમુખ જીષ્ણુ બસુએ જણાવ્યું કે મધ્ય બંગાની શાખાઓએ ખુબ મહેનત કરી છે. પહેલા આ વિસ્તાર દક્ષિણ બંગા પ્રાંતનો ભાગ હતો. જો કે હવે અલગ પ્રાંત તરીકે તેની ગતિવિધિઓ તેજ થઈ છે. તેમણે કહ્યું કે નાના સમૂહોની બેઠકો અને રેલીઓનું સતત આયોજન થઈ રહ્યું છે. 

ચૂંટણી પરિણામો પર પડશે અસર
મધ્ય બંગા પ્રાંતના જિલ્લા જેમ કે પૂર્વ તથા પશ્ચિમ બર્દવાન, બીરભૂમ, બાંકુડા, અને પુરુલિયા એવા વિસ્તારો છે જ્યાં ભાજપે 2019ની લોકસભા ચૂંટણીઓમાં સારું પ્રદર્શન કર્યું હતું. પરંતુ 2024માં એટલી સફળતા મળી નહી. હવે જોવાનું એ રહેશે કે આરએસએસ શાખાઓની વધતી સંખ્યા ભવિષ્યમાં થનારી ચૂંટણી પરિણામો પર કેટલી અસર પાડે છે. 

હિન્દુત્વ તરફ વળી રહ્યા છે લોકો
આરએસએસ મધ્ય બંગા પ્રાંતના પ્રચાર પ્રમુખ સુષવન મુખર્જીનું કહેવું છે કે હાલનો માહોલ લોકોને હિન્દુત્વના મૂળિયા તરફ વળવા માટે પ્રેરિત કરી રહ્યો ચે. આ કારણે શાખાઓમાં આવતા સ્વયંસેવકોની સંખ્યા વધી રહી છે. આ ઉપરાંત આરએસએસએ બાંગ્લાદેશમાં અલ્પસંખ્યકો પર થઈ રહેલા હુમલાની પણ આકરી ટીકા કરી છે અને આ મુદ્દે ભારતમાં જાગૃતતા ફેલાવવાની યોજના ઉપર પણ કામ થઈ રહ્યું છે. RSS ના આ નિર્ણયની અસર બંગાળમાં જોવા મળી શકે છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More