Home> India
Advertisement
Prev
Next

પાકિસ્તાનથી પાછા ફરીને સિદ્ધુ બોલ્યા, સમગ્ર જીવનમાં જે ન મળ્યું તે માત્ર બે દિવસમાં મળી ગયું

સિદ્ધુએ રવિવારે જણાવ્યું કે, 'પાકિસ્તાનમાં અઢળક પ્રેમ અને સન્માન મળ્યું છે. આ એક પહેલ છે જે સકારાત્મક છે.' કોંગ્રેસના નેતા સિદ્ધુ
આટલેથી જ અટક્યા નહીં, તેમણે જણાવ્યું કે, આખી જિંદગીમાં જે ન મળ્યું તે બે દિવસમાં મળ્યું છે 

પાકિસ્તાનથી પાછા ફરીને સિદ્ધુ બોલ્યા, સમગ્ર જીવનમાં જે ન મળ્યું તે માત્ર બે દિવસમાં મળી ગયું

ચંડીગઢઃ પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાનના શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લઈને ભારત પાછા ફરેલા પંજાબના મંત્રી અને પૂર્વ ક્રિકેટર નવજોત સિંહ સિદ્ધુએ ત્યાં થયેલી આગતા-સ્વાગતાની ભરપૂર પ્રશંસા કરી છે. સિદ્ધુએ રવિવારે જણાવ્યું કે, 'પાકિસ્તાનમાં મને અઢળક પ્રેમ મળ્યો છે. આ એક પહેલ છે જે સકારાત્મક છે.' કોંગ્રેસના નેતા આટલેથી જ અટક્યા નહીં. તેમણે જણાવ્યું કે, 'આખી જિંદગીમાં મને જે ન મળ્યું તે મને બે દિવસમાં મળી ગયું છે.' 

fallbacks

શપથ ગ્રહણ સમારોહ દરમિયાન પાકિસ્તાનના કબ્જાવાળા કાશ્મીરના રાષ્ટ્રપતિ મસુદ ખાનની બાજુમાં બેસવાના સવાલ અંગે સિદ્ધુએ જણાવ્યું કે, "હું ત્યાં મહેમાન બનીને ગયો હતો. મને જ્યાં બેસવાનું કહેવાયું ત્યાં બેઠો હતો." અહીં ધ્યાન આપવા જેવી બાબત એ છે કે, પાકિસ્તાનના કબ્જાવાળા કાશ્મીરને ભારત પોતાનો ભાગ જણાવે છે. ત્યાંના કોઈ પણ રાષ્ટ્રપતિ પદને ભારત સ્વીકારતો નથી.  

આ અગાઉ શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લીધા બાદ નવજોત સિંહ સિદ્ધુએ શનિવારે આશા વ્યક્ત કરી કે, તેમના મિત્ર ઈમરાન ખાનનું પાકિસ્તાનના વડા પ્રધાન બનવું પાકિસ્તાન-ભારત શાંતિ પ્રક્રિયા માટે સારું સાબિત થશે. ઘાટા વાદળી રંગના સૂટ અને ગુલાબી પાઘડી પહેરેલા સિદ્ધુ ઈમરાન ખાનના શપથ ગ્રહણ સમારોહમાં અન્ય વિશિષ્ટ અતિથિઓ સાથે હાજર રહ્યા હતા. ઈમરાને શનિવારે ઈસ્લામાબાદ ખાતે આવેલા 'એવાન-એ-સદ્ર' (પાકિસ્તાનના રાષ્ટ્રપતિ ભવન)માં પદ અને ગુપ્તતાના સોગંધ લીધા હતા. 

ઉલ્લેખનીય છે કે, ઈમરાન ખાન 1992માં ક્રિકેટ વિશ્વ કપમાં પાકિસ્તાની ક્રિકેટ ટીમના કેપ્ટન હતા જ્યારે પાકિસ્તાને વર્લ્ડ કપ જીત્યો હતો. ઈમરાન ખાને પોતાની ટીમનાં કેટલાક પૂર્વ સાથીદારો અને ક્રિકેટ ક્ષેત્રનાં મિત્રોને પોતાની સોગંધવિધીમાં હાજર રહેવા માટે આમંત્રણ આપ્યું હતું. આ સાથે જ ઈમરાન ખાન કોઈ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર કોઈ દેશનો વડા પ્રધાન બન્યો હોય એવી પ્રથમ વ્યક્તિ બની ગયા છે. 

જનરલ બાજવાને ગળે મળવા અંગે વિવાદમાં ઘેરાયા હતા સિદ્ધુ 
વસીમ અકરમ અને 1992 ક્રિકેટ વિશ્વ કપ જીતનારી ટીમના અન્ય સભ્યો પણ પાકિસ્તાન તહેરિકે ઈન્સાફનાં વરિષ્ઠ નેતાઓ સાથે કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. પાકિસ્તાનના સેના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવા સમારોહમાં પહોંચવાની સાથે જ પ્રથમ લાઈનમાં ગયા હતા જ્યાં સિદ્ધુ અન્ય મહેમાનો સાથે બેઠા હતા. સિદ્ધુ એ લાઈનમાં પાક અધિકૃત કાશ્મીર (પીઓકે)ના રાષ્ટ્રપતિ મસુદ ખાનની બાજુમાં બેઠા હતા. જનરલ બાજવા સિદ્ધુને ગળે લાગ્યા હતા અને પછી બંને વચ્ચે ટૂંકી વાતચીત પણ થઈ હતી. બંનેએ હસતા-હસતા વાત કરી હતી અને વાતચીત દરમિયાન જ ફરી એક વખત એક-બીજાને ભેટી પડ્યા હતા. સરકારી 'પીટીવી' સાથેની વાતચીતમાં સિદ્ધુએ પોતાના ચિર-પરિચિત શાયરાના અંદાજમાં ઈમરાન ખાનની પ્રશંસા કરી હતી.  

fallbacks

પંજાબની કોંગ્રેસ સરકારમાં મંત્રી એવા સિદ્ધુએ જણાવ્યું કે, નવી સરકાર સાથે પાકિસ્તાનમાં નવી સવાર થઈ છે, જે દેશનું ભાગ્ય બદલી શકે છે. તેમણે આશા વ્યક્ત કરી કે, ઈમરાનનો વિજય પાકિસ્તાન-ભારત શાંતિ વાટાઘાટો માટે સારો સાબિત થશે. 

પાકિસ્તાન આધારિત આતંકી જૂથો દ્વારા 2016માં કરવામાં આવેલા હુમલા અને પાકિસ્તાનના કબ્જાવાળા કાશ્મીરમાં ભારતની સર્જિકલ સ્ટ્રાઈકને કારણે બંને દેશોના સંબંધોમાં તણાવ પેદા થયો હતો. ભારતના કથિત જાસુસ કુલભૂષણ જાધવને ગયા વર્ષે એપ્રિલમાં સેનાની અદાલત દ્વારા મૃત્યુદંડની સજા સંભળાવાયા બાદ ભારત-પાક વચ્ચેના સંબંધો વધુ વણસ્યા હતા. સિદ્ધુ વાઘા સરહદે લાહોર થઈને ગઈકાલે ઈસ્લામાબાદ પહોંચ્યા હતા. 

સિદ્ધુએ બંને દેશ વચ્ચે વાટાઘાટો શરૂ થવાની આશા વ્યક્ત કરી હતી
સિદ્ધુએ પાકિસ્તાનની લોકશાહીમાં ચૂંટણી બાદ આવેલા 'પરિવર્તન'નું સ્વાગત કરતા જણાવ્યું કે, ઈમરાને બંને દેશો વચ્ચે શાંતિની પહેલને આગળ વધારવા પ્રયાસ કરવા જોઈએ. તેમણે જણાવ્યું કે, તે ભારતના સદ્ભાવના દૂતના સ્વરૂપમાં 'પ્રેમનો સંદેશો' લઈને પાકિસ્તાન આવ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું કે, 'હું અહીં એક રાજનેતા તરીકે નહીં, પરંતુ એક મિત્રના સ્વરૂપમાં આવ્યો છું. હું અહીં મારા મિત્ર (ઈમરાન)ની ખુશીમાં સામેલ થવા આવ્યો છું.' "હિન્દુસ્તાન જીયે, પાકિસ્તાન જીયે" કહેતાં સિદ્ધુએ ખાનની પ્રશંસા કરતા જણાવ્યું કે, 'મેં ઈમરાનને પોતાની નબળાઈઓને તાકાતમાં બદલતા જોયો છે. આશા રાખું છું કે ઈમરાન પોતાના દેશ માટે સમૃદ્ધિનું પ્રતિક બનશે.'  

પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટ કેપ્ટન માટે તેઓ ભેટમાં શું લાવ્યા છે, એવું પુછતાં સિદ્ધુએ જણાવ્યું હતું કે, "હું ખાન સાહેબ માટે કાશ્મીરી શાલ લાવ્યો છું." ઈમરાન ખાને પૂર્વ ક્રિકેટર સુનિલ ગાવસ્કર અને કપિલ દેવને પણ પોતાનાં શપથ ગ્રહણ સમારોહમાં હાજર રહેવા આમંત્રણ પાઠવ્યું હતું, પરંતુ તેમણે અંગત કારણોસર ઈનકાર કર્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More