Home> India
Advertisement
Prev
Next

પૂર્વ વિદેશમંત્રી સુષમા સ્વરાજનું નિધન, આજે બપોરે 3.00 કલાકે અંતિમયાત્રા

પૂર્વ કેન્દ્રીય વિદેશ મંત્રી સુષમા સ્વરાજને હૃદયરોગનો હુમલો આવતાં તેમને તાત્કાલિક દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, બુધવારે બપોરે 12.00 કલાકથી 3.00 કલાક સુધી ભાજપના કેન્દ્રીય કાર્યાલય ખાતે તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શનાર્થે રાખવામાં આવશે. બપોરે 3.00 કલાકે ભાજપના કાર્યાલય ખાતેથી તેમની અંતિમ યાત્રા નિકળશે અને દિલ્હીના લોધી રોડ ખાતે આવેલા સ્મશાન ગૃહમાં સંપૂર્ણ રાજકીય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.  

પૂર્વ વિદેશમંત્રી સુષમા સ્વરાજનું નિધન, આજે બપોરે 3.00 કલાકે અંતિમયાત્રા

નવી દિલ્હીઃ નરેન્દ્ર મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં વિદેશ મંત્રી રહી ચૂકેલા સુષમા સ્વરાજનું 67 વર્ષે દિલ્હીની એઈમ્સમાં નિધન થઈ ગયું છે. તેમને દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સુષમા સ્વરાજ છેલ્લા ઘણા દિવસથી બિમાર હતા. પ્રાપ્ત રિપોર્ટ અનુસાર તેમને હાર્ટ એટેક આવ્યા પછી હોસ્પિટલ લઈ જવાયા હતા. એઈમ્સ દ્વારા રાત્રે 11.18 કલાકે સુષમા સ્વરાજના નિધનની આધિકારીક જાહેરાત કરાઈ હતી. સુષમા સ્વરાજના પાર્થિવ દેહને તેમના દિલ્હી ખાતેના નિવાસસ્થાને લઈ જવાયો છે. 

fallbacks

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટૂંક સમયમાં જ દિલ્હીની એઈમ્સ હોસ્પિટલ પહોંચવાના છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ટૂંક સમયમાં જ એઈમ્સ પહોંચવાના છે. આ અગાઉ ભાજપના અનેક દિગ્ગજ નેતાઓ એઈમ્સ પહોંચી ચૂક્યા છે. મોદી સરકારનું લગભગ આખું મંત્રીમંડળ એઈમ્સ પહોંચી ચૂક્યું છે. સુષમા સ્વરાજના સમયે વિદેશ સચિવ રહેલા અને વર્તમાન વિદેશ મંત્રી એસ. જયશંકર પણ અહીં પહોંચી ચૂક્યા છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદ પણ એઈમ્સ આવી પહોંચ્યા છે. 

કેન્દ્રીય મંત્રી જે.પી નડ્ડાએ જણાવ્યું કે, દિલ્હીની એઈમ્સ હોસ્પિટલ ખાતેથી સુષમા સ્વરાજના પાર્થિવ દેહને તેમના દિલ્હી ખાતેના નિવાસસ્થાને લઈ જવાયા છે. ધવલદીપ બિલ્ડિંગ, જંતર-મંતરની સામે આવેલા તેમના નિવાસસ્થાને સવારે 12.00 કલાક સુધી તેમનો પાર્થિવ દેહ રહેશે. બપોરે 12.00 કલાકે તેમના પાર્થિવ દેહને નવી દિલ્હીમાં આવેલા ભાજપના કેન્દ્રીય કાર્યાલય ખાતે લઈ જવામાં આવશે. અહીં, બપોરે 12.00 કલાકથી 3.00 કલાક સુધી તેમનો પાર્થિવ દેહ લોકોના દર્શન માટે રાખવામાં આવશે. ત્યાર પછી બપોરે 3.00 કલાકે ભાજપના કાર્યાલય ખાતેથી તેમની અંતિમયાત્રા નિકળશે અને પછી દિલ્હીના લોધી રોડ ખાતે આવેલા સ્મશાન ગૃહમાં સંપૂર્ણ રાજકીય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. 

સુષમા સ્વરાજ ભારતીય રાજકારણી અને સુપ્રીમ કોર્ટના વકીલ હતા. તેઓ ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતાઓમાંના એક હતા. ઈન્દિરા ગાંધી પછી વિદેશ મંત્રી બનનારાં તેઓ ભારતનાં બીજા મહિલા નેતા હતા. 26 મે, 2014થી 30 મે, 2019 સુધી તેઓ નરેન્દ્ર મોદી સરકારમાં વિદેશ મંત્રી પદે રહ્યા હતા. તેઓ સાંસદ તરીકે 7 વખત ચૂંટાયાં હતાં અને વિધાનસભામાં ત્રણ વખત ચૂંટાયા હતા. 

વર્ષ 1977માં માત્ર 25 વર્ષની વયે તેઓ હરિયાણાના સૌથી યુવાન મંત્રી બન્યાં હતાં. તેઓ 13 ઓક્ટોબર, 1998થી 3 ડિસેમ્બર, 1998 સુધી દિલ્હીના 5મા મુખ્યમંત્રી પણ રહ્યાં હતાં. 2014માં સુષમા સ્વરાજે મધ્યપ્રદેશના વિદિશાથી બીજી વખતની ચૂંટણી 4 લાખ વોટના માર્જિથી જીતી હતી.       

સુષમા સ્વરાજનો જન્મ 14 ફેબ્રુઆરી, 1953ના રોજ પંજાબના અંબાલા કેન્ટોનમેન્ટમાં થયો હતો. તેઓ 67 વર્ષનાં હતાં. 

લોકસભામાં કલમ-370 નાબૂદ થવા અને જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ-2019 પાસ થવા અંગે સુષમા સ્વરાજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન આપતી કરેલી ટ્વીટ અંતિમ ટ્વીટ બની હતી. તેમણે લખ્યું હતું કે, "પ્રધાનમંત્રીજી, આપકા હાર્દિક અભિનંદન. મૈં અપને જીવન મેં ઈસ દિન દેખને કી પ્રતીક્ષા કર રહી થી."

વડાપ્રધાન મોદીએ દુઃખ વ્યક્ત કર્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરતા લખ્યું કે, "ભારતીય રાજકારણના એક શાનદાર અધ્યાયનો અંત આવી ગયો છે. ગરીબોની ભલાઈ માટે અને દેશ સેવા માટે પોતાનું જીવન સમર્પિત કરનારા નેતાના નિધન પર આખો દેશ દુઃખી છે. સુષમા સ્વરાજ કરોડો લોકોનાં પ્રેરણાસ્રોત હતાં."

રાષ્ટ્રપતિએ કહ્યું, સ્તબ્ધ છું
ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિદે સુષમા સ્વરાજના નિધન અંગે જણાવ્યું કે, "શ્રીમતી સુષમા સ્વરાજના નિધનથી અત્યંત દુઃખ થયું છે. દેશે પોતાની એક અત્યંત પ્રિય દીકરી ગુમાવી દીધી છે. સુષમાજી જાહેર જીવનમાં ગરિમા, સાહસ અને નિષ્ઠાના પ્રતિમૂર્તિ હતાં. લોકોની મદદ માટે તેઓ હંમેશાં તત્પર રહેતાં હતાં. તેમની સેવાઓ માટે તમામ ભારતીય તેમને હંમેશાં યાદ રાખશે."

ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ
દેશના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ જણાવ્યું કે, સુષમા સ્વરાજના નિધનના સમાચાર સાંભળીને આઘાત લાગ્યો છે. તેમના નિધનથી દેશને ઘણું મોટું નુકસાન થયું છે અને મને અંગત રીતે પણ નુકસાન થયું છે. તેઓ એક શ્રેષ્ઠ વહીવટકર્તા, આઉટસ્ટેન્ડિંગ સાંસદ અને નોંધનીય વક્તા હતા.

રાહુલ ગાંધીએ સુષમા સ્વરાજના નિધન પર દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું કે, "સુષમા સ્વરાજના નિધનના સમાચારથી આઘાત લાગ્યો છે. તેઓ એક એક્સ્ટ્રા ઓર્ડિનરી રાજકીય નેતા હતાં, સારા વક્તા હતાત અને પાર્ટી લાઈન સિવાય તેઓ મિત્રતા જાળવવામાં અગ્રેસર હતાં. ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે."

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ટ્વીટ કરતાં લખ્યું કે, "પૂર્વ વિદેશમંત્રી, બહેન સુષમા સ્વરાજના નિધનના સમાચારથી સ્તબ્ધ છું. ઈશ્વર દિવંગત આત્માને પોતાના શ્રીચરણોમાં સ્થાન આપે તેવી પ્રાર્થના કરું છું. તેમના પ્રજાને સહયોગ અને રાષ્ટ્ર ઉત્થાનનાં કાર્યોનાં માધ્યમથી દેશ અને દુનિયાના લોકોના દિલોમાં તેઓ હંમેશાં જીવતાં રહેશે."

સુષમા સ્વરાજની પ્રમુખ ઉપલબ્ધીઓ
- વર્ષ 2008 અને 2010માં તેમણે સર્વશ્રેષ્ઠ સંસદીય પુરસ્કાર મળ્યો હતો. આ પુરસ્કાર મેળવનારી તેઓ પ્રથમ અને એકમાત્ર મહિલા સાંસદ છે. 
- વર્ષ 1977માં માત્ર 25 વર્ષની વયે તેઓ કેબિનેટ મંત્રી બન્યાં હતાં. એ સમયે તે સૌથી નાની વયના કેબિનેટ મત્રી હતાં. 

જૂઓ LIVE TV.....

 

ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More