Ancient Caves: ભારતના તમિલનાડુની યેલાગીરી ટેકરીઓમાં પ્રાચીન ગુફા ચિત્રોનો સમૂહ મળી આવ્યો છે. તેનો અભ્યાસ કરતાં જણાય છે કે આ ગુફાચિત્રો નવપાષાણ યુગના હશે. આ શોધ બાદ પુરાતત્વ ખાતામાં ગહન ચર્ચા અને અભ્યાસનો માહોલ જોવા મળ્યો છે. ગુફા પાસે વિસ્તારના સ્થાનિક મુલાકાતીઓએ સેક્રેડ હાર્ટ કોલેજના વિદ્વાનોને રેડ્ડીયુર ટેકરીની ટોચ પર આવેલ ગુફાની અસામાન્ય નિશાનો વિશે ચેતવણી આપી હતી.
ટીમ દ્વારા શોધખોળ શરુ
તમિલ વિભાગના વડા અને પ્રખ્યાત ઈતિહાસકાર અને પુરાતત્વવિદ પ્રોફેસર પ્રભુના નેતૃત્વ હેઠળ ટીમે આ સ્થળની મુલાકાત લીધી અને જિલ્લા વન વિભાગના અધિકારીઓને જાણ કરી સાથે રાખ્યાં હતાં. ગુફા પહોંચતા ઐતિહાસિક ચિત્રો અને તેની જાળવણી જોઈ ટીમ ચોંકી ઉઠી.
ગુફાની શું છે ખાસિયત
"કુદરતી રીતે બનેલ આ ગુફા સમુદ્ર સપાટીથી લગભગ 1,000 ફૂટ ઉપર છે અને તેમાં એવા ચિત્રો છે જે નવપાષાણ યુગના લાગે છે. એટલે કે તે 10,000 થી 3,000 બીસીઈ વચ્ચેના સમયગાળાના હોય શકે છે." પ્રોફેસર પ્રભુએ માહિતી આપી. ઉપરાંત ગુફાની ખાસિયત એવી છે કે તે 50 જેટલા લોકોને આશ્રય આપી શકે તેટલી મોટી છે. તે સંકેત આપે છે કે આ સ્થળ પર એક સમુદાય રહેતો, જે શિકાર સંગ્રહ કરતો હોય.
ગુફાનું સ્થાન અને દ્રશ્યો
ગુફા આશરે 100 ચોરસ મીટરમાં ફેલાયેલી છે જેમાં લગભગ 80 જેટલી માનવ અને પ્રાણીઓની આકૃતિઓ જોવા મળે છે. આ ચિત્રો એક રહસ્યમય સફેદ પદાર્થમાંથી બનાવવામાં આવ્યાં છે. ગુફાની દિવાલ પર દોરવામાં આવેલ ચિત્રો આબેહૂબ જણાય છે. ચિત્રોમાં માનવીઓ પ્રાણી પર બેઠેલાં, માણસો નૃત્યો કરતાં, ઝઘડા કરતાં અને ઉજવણી કરતાં દેખાય છે. આ પુરાવાઓ પ્રારંભિક કાળના રહેવાસીઓના સામાજિક અને ધાર્મિક જીવનની ઝલક આપે છે.
ગુફાનું આધ્યાત્મિક મહત્વ
આ સ્થળ ફક્ત નિવાસસ્થાન તરીકે જ નહીં પરંતુ પૂજા સ્થળ તરીકે પણ જાણીતું હોય તેવું લાગે છે, કેમકે તેનું ઊંચા સ્થાન પર નિર્માણ અને કલાકૃતિની પ્રકૃતિ આધ્યાત્મિક મહત્વ સૂચવી રહી છે. જોકે, પ્રોફેસર પ્રભુએ ચિંતા વ્યક્ત કરી કે તાજેતરના મુલાકાતીઓ દ્વારા કેટલાક ચિત્રોની તોડફોડ કરવામાં આવી છે અને નુકસાન થયું છે. તેમણે અધિકારીઓને સ્થળનું રક્ષણ કરવા અને ભવિષ્યની પેઢીઓ માટે આ અમૂલ્ય વારસાને સાચવવા તાત્કાલિક પગલાં લેવા વિનંતી કરી.
આ ગુફાની શોધ પર ઊંડાણપૂર્વક સંશોધન હાથ ધરવામાં આવશે. તે દક્ષિણ ભારતની પ્રાગૈતિહાસિક સંસ્કૃતિઓ પર પ્રકાશ પાડી શકે છે અને યેલાગીરીને પ્રાચીન માનવ પ્રવૃત્તિના કેન્દ્ર તરીકે દર્શાવે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે