હવામાનનો મિજાજ ફરીથી બદલાવાનો છે. દેશના અનેક ભાગોમાં તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો ચે. હવે ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગ (IMD) એ દેશના અલગ અલગ ભાગોમાં વરસાદ, ગાઢ ધુમ્મસ અને ઠંડીની સ્થિતિ અંગે એલર્ટ બહાર પાડ્યું છે. દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં કેટલાક દિવસ સુધી હળવો વરસાદ અને ધુમ્મસ છવાય તેવી સંભાવના છે.
પહાડી વિસ્તારોમાં બરફવર્ષાની સંભાવના
એક નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 29 જાન્યુઆરીની રાતથી જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, અને ઉત્તરાખંડમાં વરસાદ અને બરફવર્ષાની સંભાવના છે. આ સ્થિતિ 1 ફેબ્રુઆરી સુધી રહી શકે છે. આ વિસ્તારોમાં ઠંડીની સાથે સાથે પર્યટકોને બરફવર્ષાનો અનુભવ થઈ શકે છે.
ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં પણ વરસાદ
પંજાબ, હરિયાણા, ચંડીગઢ, દિલ્હી એનસીઆર અને યુપીના અનેક ભાગોમાં 30 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી સુધી હળવો વરસાદ, ગાજવીજ અને વીજળી પડવાની શક્યતા છે. આ સાથે જ આગામી બે દિવસોમાં ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતના તાપમાનમાં 2-3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાઈ શકે છે. ત્યારબાદ સપ્તાહના અંત સુધીમાં તાપમાન 2-4 ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે.
આ રાજ્યોમાં વરસાદની આગાહી
હવામાન વિભાગના જણાવ્યાં મુજબ એક પછી એક 2 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પશ્ચિમી હિમાલય ક્ષેત્રને 29 જાન્યુઆરીથી પ્રભાવિત કરી શકે છે. બીજુ 1 ફેબ્રુઆરીના રોજ એક્ટિવ થશે. જેની અસરથી વરસાદ અને બરફવર્ષા થવાની શક્યતા છે. 29 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી દરમિયાન પશ્ચિમી હિમાલય વિસ્તાર અને આસપાસના મેદાની વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે. તમિલનાડુ, પુડુચેરી, કેરળ અને આંધ્ર પ્રદેશના કાંઠા વિસ્તારો, કર્ણાટકમાં પણ હવામાન પલટી મારશે.
કરાઈકલ, માહે, યનમ, રાયલસીમા ઉપરાંત અલગ અલગ વિસ્તારોમાં આગામી 2 દિવસ વરસાદ પડવાની શક્યતા છે. હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, રાજસ્થાન અને પંજાબના અલગ અલગ વિસ્તારોમાં કોલ્ડ વેવની શક્યતા છે. ઉત્તર પ્રદેશ, ઓડિશા, અસમ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, બિહારમાં 29 જાન્યુઆરી સુધી સવાર સાંજ ગાઢ ધુમ્મસ છવાઈ શકે છે. બાકી દેશમાં હવામાન સામાન્ય અને સૂકું રહેશે. તાપમાન વધે તેવા એંધાણ છે.
ગુજરાત માટે અંબાલાલ પટેલની આગાહી
જાણીતા હવામાન નિષ્ણાતની નવી આગાહી ડરાવી દે તેવી છે. હવામાનના જાણકાર અંબાલાલ પટેલે કહ્યું કે, ઠંડી લગભગ ઉત્તર ગુજરાતના ભાગોમાં 27 જાન્યુઆરી સુધી સવારના ભાગોમાં રહેવાની શક્યતાઓ છે. 28 જાન્યુઆરીથી મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળો આવી શકે છે. 28 મી જાન્યુઆરીએ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દેશના ઉત્તર પર્વતીય પ્રદેશોમાં આવશે. 30 અને 31 જાન્યુઆરી આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં આવવાની શક્યતાઓ છે. જેના કારણે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં પવનના તોફાનો થશે અને કમોસમી વરસાદ, કરા પડવા અને ક્યાંક મેઘ ગર્જના થાય તેવી શક્યતા છે.
અંબાલાલ પટેલે ફરી એકવાર ભરશિયાળે કમોસમી વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલે કહ્યું કે, રાજ્યમાં ઠંડીનો ચમકારો વધ્યો છે. પવન સાથે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના ભેજને કારણે ગુજરાતમાં 30મી જાન્યુઆરી સુધીમાં હવામાનમાં ભારે પલટો આવશે અને ફરીથી માવઠું થવાની શક્યતા સેવાઈ રહી છે.
આગામી સપ્તાહમાં ઠંડીનો વધુ એક રાઉન્ડ આવી રહ્યો છે. અમદાવાદમાં આગામી 3 અને 4 ફેબ્રુઆરીના રોજ વરસાદની આગાહી છે. ગુજરાતમાં વધુ એકવાર કમોસમી સંકટ આવી રહ્યું છે. ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવશે અને માવઠું આવશે. ત્યારે ફરી એકવાર વરસાદી સંકટથી ચેતીને રહેજો.હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું કે, આગામી 5 ફેબ્રુઆરી સુધીમાં ગુજરાતમાં ફરી માવઠું આવશે. સાથે જ તેમણે ફેબ્રુઆરી પછી ઉનાળાની શરૂઆત થશે તેવું જણાવ્યું છે. માવઠું પડશે તો ખેડૂતોના પાકને નુકસાન થવાની શક્યતા તેમણે વ્યક્ત કરી છે. ત્યારે માવઠાની આગાહીથી ગુજરાતના ખેડૂતો ચિંતામાં છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે