Home> India
Advertisement
Prev
Next

તેલંગાણાના પરિણામોથી બદલાશે દક્ષિણનું સમીકરણ? 3 રાજ્યોમાં કેવી રીતે ચાલ્યો મોદી મેજિક?

પહેલી વાર બીઆરએસને વિપક્ષમાં બેસવાનો વારો આવ્યો છે. ચાર રાજ્યોના પરિણામોમાં જ્યાં સૌથી મોટો અપસેટ સર્જાયો છે, તે રાજ્ય છે તેલંગાણા. સ્પષ્ટ બહુમતિ મેળવીને કોંગ્રેસે બીઆરએસને સતત ત્રીજી વાર સરકાર બનાવતા અટકાવી છે.

તેલંગાણાના પરિણામોથી બદલાશે દક્ષિણનું સમીકરણ? 3 રાજ્યોમાં કેવી રીતે ચાલ્યો મોદી મેજિક?

ઝી બ્યુરો/નવી દિલ્હી: તેલંગાણામાં પરિણામોએ સૌને ચોંકાવી દીધા છે. એગ્ઝિટ પોલ સૌથી સચોટ સાબિત થયા છે. કોંગ્રેસે બીઆરએસના પગ તળેથી જમીન સેરવી લીધી. પહેલી વાર બીઆરએસને વિપક્ષમાં બેસવાનો વારો આવ્યો છે. ચાર રાજ્યોના પરિણામોમાં જ્યાં સૌથી મોટો અપસેટ સર્જાયો છે, તે રાજ્ય છે તેલંગાણા. સ્પષ્ટ બહુમતિ મેળવીને કોંગ્રેસે બીઆરએસને સતત ત્રીજી વાર સરકાર બનાવતા અટકાવી છે. તેલંગાણાના સર્જન બાદ પહેલી વાર બીઆરએસ સિવાયના પક્ષની સરકાર બનશે. 

fallbacks

2014 અને 2018માં તેલંગાણામાં TRS એટલે કે તેલંગાણા રાષ્ટ્ર સમિતીનો વિજય થયો. તેલંગણામાં પગ જમાવ્યા બાદ ઓક્ટોબર 2022માં મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવે પોતાના પક્ષ TRSનું નામ બદલીને BRS એટલે કે ભારત રાષ્ટ્ર સમિતી કરી નાંખ્યું હતું. આમ કરીને તેઓ રાષ્ટ્રીય રાજકારણમાં ઝંપલાવવા માગતા હતા. જો કે રાષ્ટ્રીય નેતા બનવાની તેમની ઈચ્છા પર પાણી ફરી વળ્યું છે. હવે તેમણે ફરી તેલંગાણા પર ધ્યાન કેન્દ્રિત કરવું પડે તેમ છે..

તેલંગાણાના પરિણામો જ્યાં બીઆરએસ માટે ઝટકા સમાન છે, ત્યાં કોંગ્રેસ માટે મોટી રાહત છે. કેમ કે ચાર રાજ્યોમાં કોંગ્રેસ ફક્ત અહીં જીતી શકી છે. કર્ણાટક બાદ તેલંગણામાં જીતથી દક્ષિણ ભારતમાં કોંગ્રેસની સ્થિતિ મજબૂત બની છે. કોંગ્રેસે તેલંગાણામાં જીત માટે એડી ચોટીનું જોર લગાવ્યું હતું. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ આક્રમક પ્રચાર કર્યો. કોંગ્રેસના પ્રચારમાં કેસીઆરના પરિવાર સામે ભ્રષ્ટાચાર આક્ષેપનો મુદ્દો કેન્દ્રમાં હતો. BRSનો વોટશેર 2018ના 46.9 ટકાથી ઘટીને 37.64 ટકા થયો છે, જ્યારે કોંગ્રેસનો વોટશેર 28.4 ટકાથી વધીને 40 ટકા થયો છે.

ભાજપે તેલંગાણામાં આક્રમક પ્રચાર કર્યો હતો. જો કે ભાજપ પાસે અહીં કોઈ ચહેરો નહતો. તેમ છતા ભાજપને ફાયદો થયો છે, કેમ કે ભાજપની બેઠકો 1થી વધીને 9 થઈ છે. વોટશેર 6.98 ટકાથી વધીને 13.80 ટકા થયો છે. ભાજપે લોકસભા ચૂંટણી માટે તેલંગાણામાં પીચ તૈયાર કરી લીધી છે. તો આ તરફ કોંગ્રેસની જીત માટેનો શ્રેય રેવંત રેડ્ડીને જાય છે. તેમના આક્રમક પ્રચાર, બીઆરએસને ઘેરવાની આગવી સ્ટાઈલ અને નેતૃત્વને કારણે જ કોંગ્રેસ તેલંગણામાં જીતી શકી છે. તેલંગાણા કોંગ્રેસના અધ્યક્ષ અને લોકસભા સાંસદ રેડ્ડી 2017માં ટીપીડી છોડીને કોંગ્રેસમાં જોડાયા હતાં. તેમણે ભાજપના વિદ્યાર્થી સંગઠન ABVPથી રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. કોંગ્રેસને જીત અપાવનાર રેવંત રેડ્ડી હવે તેલંગાણાના મુખ્યમંત્રી પદના પ્રબળ દાવેદાર છે. 

તેલંગાણામાં કોંગ્રેસે મતદારો માટે વચનોનો પિટારો ખોલી દીધો હતો. કોંગ્રેસના ઢંઢેરા સામે ભાજપ અને BRSના વચનો ફિક્કા લાગતા હતા. કોંગ્રેસે 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર, મહિલાઓને મફતમાં બસમાં મુસાફરી, 200 યુનિટ સુધી મફત વીજળી, હિંદુ યુવતીઓના લગ્ન માટે એક લાખ રૂપિયા અને 10 ગ્રામ સોનુ, લઘુમતિ સમુદાયની યુવતીઓના લગ્ન માટે 1 લાખ 60 હજાર રૂપિયાની મદદ, ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરનાર યુવતીઓને મફત સ્કૂટી, ખેડૂતોનું એક લાખ સુધીનું દેવું માફ અને 20 લાખ સુધીના વ્યાજમુક્ત ઋણનો વાયદો કર્યો હતો. જે કામ કરી ગયા.

અસદુદ્દીન ઓવૈસીના પક્ષ AIMIMએ હૈદરાબાદની 9 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉતાર્યા હતા, જેમાંથી છની જીત થઈ છે. એટલે કે એક બેઠક ઘટી છે. પક્ષનો વોટશેર 2.7 ટકાથી ઘટીને 1.43 ટકા થયો છે. કોંગ્રેસ એવો દાવો કરતી હતી કે MIM ભાજપની બી ટીમ છે, જ્યારે ભાજપ MIMને કોંગ્રેસનો સાથીદાર ગણાવતી હતી. પણ ઓવૈસી ભાજપ અને કોંગ્રેસ બંને વિરુદ્ધ પ્રચાર કરતા. હવે જોવું એ રહેશે કે કોંગ્રેસ તેલંગાણામાં પોતાના વચનો પૂરા કરી શકે છે કે કેમ તેમજ વિપક્ષ તરીકે BRSની કેવી ભૂમિકા રહે છે. તેલંગાણાની 119  બેઠકોમાંથી 19 બેઠકો અનુસૂચિત જાતિ માટે અને 12 બેઠકો અનુસૂચિત જનજાતિ માટે અનામત છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More