ઝી બ્યુરો/ગાંધીનગર: હાથશાળ અને હસ્તકલા કારીગરો દ્વારા ઉત્પાદિત હાથ બનાવટની વસ્તુઓના વેચાણમાં વધારો કરવા કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ કદમ તરીકે આગામી સમયમાં ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ (GSHHDC) ગુજરાત સહિત દેશભરમાં નવા 18 ‘ગરવી-ગુર્જરી’ એમ્પોરિયમ શરુ કરશે.
ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ (GSHHDC) લિમિટેડ દ્વારા રાજ્યના હાથશાળ-હસ્તકલાને તથા કારીગરોને પ્રોત્સાહન આપવા માટે ‘ગરવી-ગુર્જરી’ એમ્પોરિયમ ચલાવવામાં આવે છે કે જ્યાં રાજ્યના નાના-મોટા ગામો તથા આંતરિયાળ વિસ્તારના હાથશાળ-હસ્તકલા કારીગરો દ્વારા ઉત્પાદિત વસ્તુઓનું વેચાણ કરવામાં આવે છે. હાલમાં ગુજરાતમાં 13 તથા ગુજરાતની બહાર 7 સહિત કુલ 20 ‘ગરવી-ગુર્જરી’ એમ્પોરિય કાર્યરત છે તેમજ સાથે એક ઈ-સ્ટોર પણ કાર્યરત છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યના હાથશાળ-હસ્તકલા કારીગરોને વધુ પ્રોત્સાહન આપવા તથા વધુ આવક અપાવવા માટે અનેક મહત્વની પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે અને તેના હેઠળ રાજ્યમાં આગામી સમયમાં વધુ 18 નવા ‘ગરવી-ગુર્જરી’ એમ્પોરિયમ શરુ કરવામાં આવશે. રાજ્ય સરકાર તેમજ GSHHDCએ આ માટે હવે રાજ્ય તથા દેશના ધાર્મિક અને પ્રવાસન સ્થળો પર ફોકસ કરવાનો નિર્ણય કર્યો છે કે જ્યાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ-શ્રદ્ધાળુઓ ઉમટે છે. આ જ ઉદ્દેશથી હવે ધાર્મિક-પ્રવાસન સ્થળો પર 18 નવા ‘ગરવી-ગુર્જરી’ એમ્પોરિયમ શરુ કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
GSHHDCએ ગુજરાત તથા દેશના અન્ય ધાર્મિક તથા પ્રવાસન સ્થળોએ ‘ગરવી-ગુર્જરી’ એમ્પોરિયમ શરૂ કરવા માટેના પ્રયાસો શરૂ કર્યા છે. GSHHDCના મૅનેજિંગ ડાયરેક્ટર લલિત નારાયણ સિંહ સાંદુએ આ અંગેની વિગતો આપતા જણાવ્યું કે, “ ગુજરાતમાં કુલ 13 સ્થળોએ નવા ‘ગરવી-ગુર્જરી’ એમ્પોરિયમ ખોલવામાં આવશે કે તેમાં સુરત, પાલનપુર, પાલિતાણા, જામનગર, વલસાડ, વાપી, દ્વારકા, ડાકોર, સોમનાથ, અંબાજી, નવસારી, મોરબી અને પાવાગઢનો સમાવેશ થાય છે. આ 13 સ્થળોમાં મોટાભાગના ધાર્મિક તથા પ્રવાસન સ્થળો છે. તેવી જ રીતે ગુજરાત બાહર મહારાષ્ટ્રમાં મુંબઈ તથા પુણે ખાતે રાજસ્થાનમાં ઉદયપુર, નાથદ્વારા તેમજ જયપુર ખાતે નવા ગરવી-ગરવી ગુર્જરી એમ્પોરિયમ શરૂ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.”
GSHHDCના જોઇન્ટ ડાયરેક્ટર આર. આર. જાદવે ‘ગરવી-ગુર્જરી’ એમ્પોરિયમની કામગીરી અંગે માહિતી આપતાં જણાવ્યું કે “ગરવી-ગુર્જરી’ એમ્પોરિયમ સાથે હાલમાં રાજ્યના લગભગ 6 હજાર કળા-કારીગરો જોડાયેલા છે અને આ આંકને 10 હજાર સુધી પહોંચાડવાનું લક્ષ્ય છે. તેમણે જણાવ્યું કે નિગમે વર્ષ 2018-19થી 2022-23 એટલે કે છેલ્લા 5 વર્ષમાં હાથશાળ અને હસ્તકલાના લગભગ 29,763 હજાર કારીગરો પાસેથી રૂ. 32 કરોડ 57 લાખ 6 હજારના ઉત્પાદનોની ખરીદી કરી છે. હાલમાં કાર્યરત 20 ‘ગરવી-ગુર્જરી’ એમ્પોરિયમો અને એક ઈ-સ્ટોર થકી છેલ્લા 5 વર્ષમાં રૂ. 60 કરોડ 17 લાખ 46 હજારના ઉત્પાદનોનું વેચાણ કરવામાં આવ્યું છે.
આમ, આ નવા એમ્પોરિયમના પગલે ગુજરાતના કલા-વારસાને નવું પ્લેટફોર્મ પ્રાપ્ત થશે અને સરવાળે કારીગરોને રોજગાર માટેની નવી તકો ઉપ્લબ્ધ થશે.