સવારનો નાસ્તો એ આપણા દિવસનું સૌથી મહત્વપૂર્ણ ભોજન છે. તેથી, સવારે વહેલા ઉઠીને આપણા આહારમાં પૌષ્ટિક ખોરાકનો સમાવેશ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. પરંતુ ઘણી વખત, જાણીજોઈને કે અજાણતાં, આપણે નાસ્તામાં એવી વસ્તુઓ ખાવાનું શરૂ કરી દઈએ છીએ, જે આપણને ફાયદો નથી કરતી પણ નુકસાન પહોંચાડે છે.
સવારમાં સમય ઓછો હોય છે. વ્યક્તિ જલ્દી-જલ્દી સ્કૂલ, કોલેજ, ઓફિસ પહોંચવા ઈચ્છે છે. તેવામાં તે સમય બચાવવા માટે બ્રેડ, નૂડલ્સ, નમકીન કે બિસ્કિટ જેવી વસ્તુનું સેવન કરે છે. તે સ્વાસ્થ્ય માટે ખરાબ વસ્તુ છે. તેમાં હાઈ લેવલ સોડિયમ, પ્રિઝરવેટિવ અને રિફાઇન્ડ સુગર હોય છે, જે પેટનું સ્વાસ્થ્ય બગાડી શકે છે.
ઘણા લોકો સવારે વહેલા ઉઠીને જ્યુસ પીવાના શોખીન હોય છે. તો ચાલો તમને જણાવી દઈએ કે, સવારે ખાલી પેટે લીંબુ, નારંગી, દ્રાક્ષ જેવા ખાટા ફળો કે તેમાંથી બનાવેલ જ્યુસ ન પીવો જોઈએ. આ હાનિકારક હોઈ શકે છે. તેમાં એસિડ જોવા મળે છે, જે તમારા શરીરમાં એસિડિટી, હાર્ટબર્ન અને કબજિયાતનું કારણ બની શકે છે.
કેટલાક લોકો સવારે જલ્દી ઉઠીને રાત્રે વધેલું ઠંડુ શાક અને ભાતનું સેવન કરે છે. તે પણ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. રાત્રે ફ્રિજમાં રાખવાને કારણે તેમાં બેક્ટેરિયા ઉદ્ભવે છે. તેને ખાવાથી પેટ અને ઇમ્યુનિટી પર ખરાબ અસર પડે છે.
ખાસ કરી ભારતમાં લોકો પોતાના દિવસની શરૂઆત ચા કે કોફીથી કરવાનું પસંદ કરે છે. પરંતુ તમને જણાવી દઈએ કે સવારે ખાલી પેટ તેનું સેવન નુકસાનકારક સાબિત થઈ શકે છે. તેમાં કેફીન હોય છે, જે પેટમાં ગેસ, એસિડિટી અને પાચન સાથે જોડાયેલી સમસ્યા ઉભી કરી શકે છે.
આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે તે દાવો નથી કરી રહ્યાં કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. વધુ જાણકારી માટે તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો.