IPL : 2019ની IPL સિઝનને યાદ કરતાં MS ધોનીએ પોતાની મોટી ભૂલ સ્વીકારી છે. રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં ધોનીએ અમ્પાયરો સાથે ઝઘડો કર્યો હતો. ધોની સામાન્ય રીતે કૂલ હોય છે, તે મેચમાં પોતાનો ગુસ્સો ગુમાવી બેઠો હતો, જેના કારણે તેને દંડ પણ ફટકારવામાં આવ્યો હતો.
IPL 2019માં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને રાજસ્થાન રોયલ્સની ટીમો સામસામે હતી. બંને ટીમો વચ્ચે જયપુરમાં મેચ રમાઈ રહી હતી. મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સીવાળી ચેન્નાઈ સુપર કિંગ્સે છેલ્લી ઓવરમાં 18 રનની જરૂર હતી. ધોની આઉટ થઈ ગયો હતો.
જયપુરમાં રમાયેલી આ મેચની છેલ્લી ઓવર ઘણી રોમાંચક રહી હતી. CSKને જીતવા માટે 18 રનની જરૂર હતી. ધોની ત્રીજા બોલ પર આઉટ થયો હતો. મેચ જીતવાની જવાબદારી રવિન્દ્ર જાડેજા અને મિશેલ સેન્ટનર પર હતી.
ઓવરના ચોથા બોલ પર બેન સ્ટોક્સે કમરથી ઉપર ફુલ ટોસ ફેંક્યો. મેદાન પરના અમ્પાયરે તેને નો-બોલ ગણાવ્યો હતો. પરંતુ સ્ક્વેર લેગ અમ્પાયર બ્રુસ ઓક્સનફોર્ડે નિર્ણયને પલટી નાખ્યો.
જેના કારણે CSK કેમ્પમાં ખળભળાટ મચી ગયો હતો. ધોની પોતાનો ગુસ્સો ગુમાવી બેઠો હતો. તે ડગઆઉટમાંથી મેદાનમાં આવ્યો અને અમ્પાયરો સાથે દલીલ કરવા લાગ્યો. કેપ્ટનનું આવું વર્તન ભાગ્યે જ જોવા મળે છે. ધોનીના વિરોધ છતાં અમ્પાયર પોતાના નિર્ણય પર અડગ રહ્યા.
આ ઘટનાએ મેચનો ઉત્સાહ બગાડી નાખ્યો હતો. જો કે, છેલ્લા બોલ પર સેન્ટનરની સિક્સરથી CSKએ મેચ જીતી લીધી હતી. ધોનીના આ વર્તન માટે તેને મેચ ફીના 50 ટકા દંડ ફટકારવામાં આવ્યો હતો. આ તેની કારકિર્દીની સૌથી વિવાદાસ્પદ ક્ષણોમાંની એક બની હતી.
લગભગ 6 વર્ષ બાદ ધોનીએ એક ઈવેન્ટમાં વાતચીત દરમિયાન આ ઘટનાને યાદ કરી. તેણે આ ઘટનાને પોતાની 'મોટી ભૂલ' ગણાવી છે. ધોનીએ કહ્યું કે, આ IPL મેચમાં થયું હતું, જ્યારે હું મેદાન પર ગયો હતો. તે એક મોટી ભૂલ હતી.