Ahmedabad News : બુલેટ ટ્રેનની કામગીરીને પગલે અમદાવાદના પૂર્વમાં વસ્તી જનતા ટ્રાફિકમાં પીસાઈ રહી છે. ત્યારે અમદાવાદના પૂર્વ વિસ્તારનો એક બ્રિજ અચાનક નાગરિકોને જાણ કર્યા વગર બંધ કરી દેવાયો. અમદાવાદમાં રાજસ્થાન હોસ્પિટલથી નમસ્તે સર્કલ સુધીનો બ્રિજ એક મહિના માટે બંધ કરાયો.
પહેલા ગિરધરનગરનો બ્રિજ બંધ કરવાની જાહેરાત બાદ હવે રાજસ્થાન હોસ્પિટલથી નમસ્તે સર્કલ સુધીનો બ્રિજ બંધ કરવામાં આવ્યો છે. આજે બ્રિજ અચાનક બંધ થઈ જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બુલેટ ટ્રેનની કામગીરીને લઈને બ્રિજ આજે 1 ઓગસ્ટથી એક મહિનો 1 સપ્ટેમ્બર સુધી બંધ કરાયો છે. ટ્રાફિક પોલીસે પણ આ અંગે આગોતરા જાણ ન કરીને અચાનક જાહેરનામું બહાર પાડ્યું.
15 દિવસ પહેલા જાહેરનામું બહાર પડે તો લોકોને ખબર પડે. ત્યારે આજે બ્રિજ બંધ થઈ જતા હવે આસપાસના તમામ રસ્તો ટ્રાફિક જામ જેવી સ્થિતિ સર્જાઈ છે. શાહીબાગ અંડર બ્રિજમાં પણ ફુલ ટ્રાફિક જામ જેવી સ્થિતિ સર્જાઈ છે. આસપાસના રસ્તાઓ પર ટ્રાફિક કર્મચારીઓ ટ્રાફિક મેનેજ કરવા કામે લગાવાયા છે. બ્રિજ બંધ છે ત્યાં સુધી વાહન ચાલકોએ ડાયવર્ટ કરેલ રૂટ પરથી પસાર થવાનું રહેશે.
- શાહીબાગ ઘેવર સર્કલ, રાજસ્થાન હૉસ્પિટલ તરફથી આવતો ટ્રાફિક કે જે નમસ્તે સર્કલ તરફ જવા માટે બ્રિજની બાજુના રસ્તેથી બ્રિજની નીચે થઈને શનિદેવ મંદિર થઈને શાહીબાગ અંડર પાસથી નમસ્તે સર્કલ તરફ જઈ શકશે.
- રાજસ્થાન હૉસ્પિટલ, ઘેવર સર્કલ તરફ જવા માટે નમસ્તે સર્કલથી જૂની પોલીસ કમિશ્નરની કચેરી થઈને શાહીબાગ અંડર પાસ પસાર કરીને સરદાર પટેલ સ્મારકથી જમણી બાજુ યુ-ટર્ન લઈને આચાયર્થી મહાપ્રજ્ઞજી રેલવે ઓવર બ્રિજની બાજુના રસ્તેથી રાજસ્થાન હૉસ્પિટલ તથા ઘેવર સર્કલ તરફ જઈ શકાશે.
રાજસ્થાન હૉસ્પિટલથી નમસ્તે સર્કલ જવા માટે રાજસ્થાન હૉસ્પિટલથી આચાયશ્રી મહાપ્રજ્ઞજી રેલવે ઓવર બ્રિજની બાજુના રસ્તેથી બ્રિજ નીચેના ચાર રસ્તાથી ડાબી બાજુ વળીને જવાનું. ત્યાંથી શ્રી મહાકાળી મંદિર સર્કલથી જમણી બાજુ વળીને બાબુ જગજીવન રામ રેલવે ઓવર બ્રિજ થઈને ઈદગાહ સર્કલથી જમણી બાજુ વળી દરિયાપુર સર્કલથી દિલ્હી દરવાજાથી જમણી બાજુ થઈ નમસ્તે સર્કલ જઈ શકાશે.