Asteroid 2024 YR4: નાસાએ 90 મીટર પહોળો એસ્ટરોઇડ 2024 YR4 પૃથ્વી સાથે ટકરાવાની સંભાવના વ્યક્ત કરી છે. જો તે પૃથ્વી સુધી પહોંચવામાં સફળ થાય છે, તો તે ભારત, ચીન, આફ્રિકા અથવા દક્ષિણ અમેરિકાના કેટલાક વિસ્તારમાં પડી શકે છે. જો તે ટકરાશે તો 500 પરમાણુ બોમ્બ જેટલો વિનાશક વિસ્ફોટ શક્ય છે.
પૃથ્વી તરફ લગભગ 60 હજાર કિમીની ઝડપે આવી રહેલી એક ઉલ્કાપિંડે સમગ્ર વિશ્વના વૈજ્ઞાનિકોનું ટેન્શન વધારી દીધું છે. આ એક એસ્ટરોઇડ છે જે મોટા શહેરોને પણ નષ્ટ કરી શકે છે. એસ્ટરોઇડનું નામ 2024 YR4 છે, જેની શોધે વિશ્વભરની સ્પેસ એજન્સીઓમાં હલચલ મચાવી દીધી છે.
નાસાના વૈજ્ઞાનિકોએ અંદાજ લગાવ્યો છે કે, આ એસ્ટરોઇડ ક્યાં પડી શકે છે. નાસા દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવેલ કેટાલિના સ્કાય સર્વે પ્રોજેક્ટના એન્જિનિયર ડેવિડ રેન્કિને એસ્ટરોઇડની વર્તમાન સ્થિતિના આધારે જોખમનો નકશો બનાવ્યો છે, જે ભારત માટે બિલકુલ સારા સમાચાર નથી.
જો 2024 YR4 ખરેખર 2032માં પૃથ્વી સાથે અથડાશે, તો તે દક્ષિણ અમેરિકાના ઉત્તરીય ભાગથી પેસિફિક મહાસાગર, ઉપ-સહારા આફ્રિકા અને એશિયા સુધી વિસ્તરેલા પાતળા બેન્ડમાં ગમે ત્યાં પડી શકે છે. ચિંતાની વાત એ છે કે આ વિસ્તારમાં ભારતના ચેન્નઈ અને ચીનના હૈનાન દ્વીપ સહિત ગીચ વસ્તીવાળો વિસ્તાર છે. આ એસ્ટરોઇડ 22 ડિસેમ્બર 2032ના રોજ પૃથ્વી સાથે ટકરાઈ શકે છે.
હાલમાં નાસાનો અંદાજ છે કે, તેની અથડામણની સંભાવના 48 માંથી 1 છે. આ એસ્ટરોઇડનો વ્યાસ 90 મીટર છે, જે લગભગ અમેરિકાના સ્ટેચ્યુ ઓફ લિબર્ટી જેટલો છે. સૂચિત કોરિડોરમાં મોટો વિસ્તાર સમુદ્ર છે. પરંતુ જો તે કોઈપણ વસ્તીવાળા વિસ્તારમાં પડે તો તે વિનાશનું કારણ બની શકે છે.
એક્સપર્ટ્સનું કહેવું છે કે, જો તે પૃથ્વી સાથે અથડાશે તો તે 8 મેગાટન TNT વિસ્ફોટ કરી શકે છે, જે હિરોશિમા પર ફેંકવામાં આવેલા પરમાણુ બોમ્બ કરતા 500 ગણો વધુ શક્તિશાળી હશે. એસ્ટરોઇડ 2024 YR4 સૌપ્રથમ વખત ડિસેમ્બર 2024માં મળી આવ્યો હતો. પરંતુ ટૂંક સમયમાં જ તે નાસા અને યુરોપિયન સ્પેસ એજન્સી (ESA)ના સૌથી ખતરનાક એસ્ટરોઇડ્સની યાદીમાં ટોપ પર પહોંચી ગયો છે. આ એસ્ટરોઇડ હાલમાં એકમાત્ર મોટો એસ્ટરોઇડ છે, જેની પૃથ્વી સાથે અથડાવાની સંભાવના 1 ટકાથી વધુ છે.
રિસ્કવાળા કોરિડોરમાં ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, ઇથોપિયા, સુડાન, નાઇજીરિયા, વેનેઝુએલા, કોલંબિયા અને ઇક્વાડોર જેવા દેશો ખતરામાં છે. તેની અસર તે જ્યાં પડે છે તેની તીવ્રતા પર નિર્ભર રહેશે, કારણ કે કોરિડોરના છેડે આવેલા વિસ્તારોમાં હળવા આંચકા અનુભવાય તેવી શક્યતા છે. આ એસ્ટરોઇડના આકારનો સચોટ અભ્યાસ કરવા માટે વૈજ્ઞાનિકોએ જેમ્સ વેબ ટેલિસ્કોપનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું છે. નાસાએ કટોકટીમાં નિર્ણય લીધો છે કે, જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ હવે આ એસ્ટરોઇડનો વિગતવાર અભ્યાસ કરશે.