Ram Mandir Video: રામ નગરી અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. પ્રાણ પ્રતિષ્ઠાની તારીખ હવે વધુ દૂર નથી. 22 જાન્યુઆરીએ પ્રભુ રામ ત્યાં બિરાજમાન થશે, જ્યાં તેમને જોવા માટે શ્રદ્ધાળુઓ વર્ષોથી રાહ જોઈ રહ્યાં છે. રામ મંદિરના નિર્માણ કાર્યનો પ્રથમ તબક્કો પૂર્ણ થઈ ગયો છે. તેની કોતરણી અને અદભૂત આર્કિટેક્ચરે લોકોને મંત્રમુગ્ધ કરી દીધા છે. હવે ભવ્ય રામ મંદિરના નિર્માણ કાર્યની નવી તસવીરો સામે આવી છે, જેમાં જોઈ શકાય છે કે મંદિરના પેવેલિયનનું કામ પૂર્ણ થઈ ગયું છે.
22 જાન્યુઆરીએ અયોધ્યામાં અનોખો ઉત્સવ જોવા મળશે. પીએમ મોદી સિવાય દેશની અનેક પ્રસિદ્ધ હસ્તિઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ મંદિરનું નિર્માણ નાગર શૈલીમાં કરવામાં આવી રહ્યું છે. મંદિરનો સિંહ દ્વાર બનીને તૈયાર થઈ ગયો છે.
મંદિરના બીજા તબક્કા માટે રાજસ્થાનની બંસી હિલ્સમાંથી કોતરવામાં આવેલા પથ્થરોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં લગભગ 8000 લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે.
મંદિરોની ચારે તરફ રિટેનિંગ વોલ સિવાય પરકોટા બનાવવામાં આવી રહ્યો છે. મંદિરના ફિનિશિંગનું કામ પ્રાણ પ્રતિષ્ઠા પહેલા પૂરુ કરી લેવાનું લક્ષ્ય છે. આ સિવાય ભગવાન રામની ત્રણેય મૂર્તિઓનું નિર્માણ કાર્ય પૂર્ણ થઈ ગયું છે.
રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે જણાવ્યુ કે મંદિર નિર્માણના પ્રથમ તબક્કાનું કામકાજ 31 ડિસેમ્બર સુધી પૂર્ણ કરી લેવામાં આવશે. 22 જાન્યુઆરીએ સામાન્ય ભક્તો મંદિરમાં દર્શન કરી શકશે નહીં. 23 જાન્યુઆરીથી મંદિરમાં ભક્તોને દર્શન કરવાની મંજૂરી હશે.
મોટી સંખ્યામાં લોકો અયોધ્યા પહોંચી મંદિર નિર્માણની પ્રગતિ જોઈ રહ્યાં છે. સમય સમય પર રામ મંદિર ટ્રસ્ટ પણ તસવીરો જાહેર કરે છે. રામલલાનું ગર્ભગૃહ પણ બનીને તૈયાર થઈ ગયું છે. રામ મંદિરના પહેલા માળે લગભગ 161 સ્તંભ બનાવવામાં આવ્યા છે. આ સ્તંભો પર દેવી-દેવતાઓની મૂર્તિઓ કોતરવામાં આવી છે.