લગ્ન બાદ પહેલી રાતે પતિ અને પત્નીના અરમાનો અને લાગણીઓ એકમેકને સમજવાનો અવસર એટલે સુહાગરાત. સુહાગરાત માટે કપલ્સ સપના સેવતા હોય છે. પરંતુ આ જ સુહાગરાત જીવનની કાળી રાત બની જાય છે તો શું કરવું?
ઉત્તર પ્રદેશના અયોધ્યામાં સુહાગરાતના દિવસે જ દુલ્હા અને દુલ્હનના મોતનું રહસ્ય ગૂંચવાતું જાય છે. દરેક જણના મનમાં એ વાત ખટક્યા કરે છે કે આખરે એ દિવસે રાતે રૂમમાં એવું તે શું થયું કે પ્રદીપે લગ્ન બાદ પહેલી જ રાતે પત્ની શિવાનીને મારી નાખી અને પોતે પણ જીવ દઈ દીધો. પરિવારજનોનું કહેવું છે કે છ સાત મહિના પહેલા બંનેની મરજી બાદ સંબંધ નક્કી થયો હતો. લગ્ન પહેલા પ્રદીપ અને શિવાની બંને ફોન પર વાતચીત કરતા હતા. લગ્નમાં પ્રદીપે મિત્રો સાથે ડાન્સ પણ કર્યો હતો. મીડિયા રિપોર્ટ મુજબ બંનેના પોસ્ટમોર્ટમ રિપોર્ટ પ્રમાણે દુલ્હેરાજાએ દુલ્હનની રાતે 12 વાગ્યા આસપાસ ગળું દબાવીને હત્યા કરી હતી. દુલ્હનના મોતના અડધા કલાક બાદ દુલ્હેરાજાએ પણ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. બંનેના મોતનું કારણ હજુ પણ રહસ્ય છે. બંનેના 7 માર્ચે લગ્ન થયા હતા અને 8 માર્ચે દુલ્હન વિદાય થઈને સાસરે આવી હતી અને સુહાગરાતે જ દુલ્હા દુલ્હનના મોત થઈ ગયા.
લગ્નની ખરીદીથી માંડીને દરેક રસ્મ બંનેએ પૂરેપૂરા ઉત્સાહથી નિભાવી હતી. બધુ અલગ લાગતું હતું. પરંતુ સુહાગરાતે એવું તે શું થયું...કે તેણે પરિવારને હચમચાવી નાખ્યા. સવાર થયા બાદ જ્યારે દરવાજો ન ખુલ્યો તો તેને તોડવામાં આવ્યો. અંદરનો નજારો જોઈને પરિવારના હોશ ઉડી ગયા. શિવાની મૃત પડી હતી અને પ્રદીપ પંખાના હુક સાથે લટકેલો હતો. પરિજનોનું કહેવું છે કે લગ્ન પહેલા કોઈ પણ પ્રકારના અણબનાવની કોઈ માહિતી નથી.
પોલીસને પ્રાથમિક તપાસમાં કોઈ સ્યૂસાઈડ નોટ મળી નથી. રૂમમાંથી કોઈ ઝેરની બાટલી કે અન્ય કોઈ પણ સંદિગ્ધ વસ્તુ મળી નથી. જો કે દુલ્હનના ગળા પર નિશાન જોવા મળ્યા છે જેને જોતા એવું લાગે છે કે તેનું ગળું દબાવીને મારી નાખવામાં આવી હોઈ શકે. પોલીસના જણાવ્યાં મુજબ રૂમ અંદરથી બંધ હતો. જેના કારણે કોઈ ત્રીજી વ્યક્તિ ત્યાં હોવાની શક્યતા ખુબ ઓછી છે.
પરિવાર અને સંબંધીઓ આ ઘટનાથી ખુબ સ્તબ્ધ છે. સમગ્ર ઘરમાં માતમ છવાયેલો છે. કોઈ કઈ પણ કહેવાની સ્થિતિમાં નથી. દરેકના મનમાં એક જ સવાલ ઉઠી રહ્યો છે કે આખરે એવું તે શું થયું કે આ પ્રકારે દર્દનાક ઘટના ઘટી. કેટલાક લોકોનું માનવું છે કે વાતચીત દરમિયાન બંને વચ્ચે વિવાદ થયો હશે જેને કારણે આ ઘટના ઘટી. જો કે તેની હજુ સુધી પુષ્ટિ થઈ શકી નથી. પોલીસે મોબાઈલ ફોન જપ્ત કરી લીધા છે અને કોલ ડિટેલ્સ ફંફોળવામાં આવી રહી છે. પરિજનો સાથે વાતચીત પણ કરી છે જેથી કરીને ખબર પડે કે કોઈ છૂપું કારણ તો નથી જે ધ્યાનમાં આવ્યું નથી.