HOW BR Shetty bankrupt: તમે અનેકવાર ઝીરોમાંથી હીરો થતા લોકો વિશે સાંભળ્યું હશે પરંતુ આજે અમે તમને એક એવી હસ્તી વિશે જણાવીશું જે આંખના પલકારામાં હીરોમાંથી ઝીરો બની ગયા. પોતાના દમ પર તેમણે ખુબ નામના મેળવી, શૂન્યથી શિખર સુધી પહોંચ્યા અને દિવસો એવા બદલાયા કે બધુ બરબાદ થઈ ગયું.
આ કહાની છે ભારતીય અબજપતિ બી આર શેટ્ટીની. જેઓ પહેલા ગરીબમાંથી અમીર બને છે અને પછી એક ટ્વીટના કારણે તેમની બંધી સંપત્તિ જતી રહે છે અને દેવાળું ફૂંકે છે. એક નાનકડી ભૂલે તેમને અબજપતિમાંથી કંગાળ બનાવી દીધા.
ન્યૂ મેડિકલ સેન્ટર (એનએમસી) અને યુએઈ એક્સચેન્જ તથા ફિનાબ્લર જેવી કંપનીઓના ફાઉન્ડર બી આર શેટ્ટીએ થોડા વર્ષોમાં જ અબજોનું સામ્રાજ્ય ઊભું કર્યું હતું. વર્ષ 2019માં ફોર્બ્સની 100 સૌથી અમીર ભારતીયોની યાદીમાં તેઓ સામેલ થયા હતા. 1942માં કર્ણાટકના ઉડુપી જિલ્લાના કાપૂ શહેરમાં સાધારણ પરિવારમાં જન્મેલા શેટ્ટીએ પોતાની કરિયરની શરૂઆત એક મેડિકલ રિપ્રેઝન્ટેટિવ તરીકે કરી હતી. દવાઓ વેચનારા શેટ્ટીએ ક્યારેય વિચાર્યું નહતું કે તેઓ એક દિવસ દવાઓની કંપનીઓ ઊભી કરી નાખશે.
31 વર્ષની ઉંમરે માત્ર 665 રૂપિયા લઈને સારી તકની આશામાં દુબઈ પહોંચ્યા હતા. ત્યાં સેલ્સમેનની નોકરી કરી. આ દરમિયાન તેમણે પોતાના સંપર્ક સારા અને પ્રભાવશાળી લોકો સાથે બનાવવાના શરૂ કર્યા. ગણતરીના વર્ષોમાં પોતાની હોસ્પિટલ ઊભી કરી. જેને ડોક્ટર પત્ની સંભાળતી હતી. દુબઈમાં 1975માં તેમણે ન્યૂ મેડિકલ સેન્ટર (એનએમસી) હેલ્થનો પાયો નાખ્યો. જે યુએઈમાં પહેલી ખાનગી સ્વાસ્થ્ય સેવા આપતી કંપની હતી. ગણતરીના વર્ષોમાં આ કંપની દુબઈની મોટી કંપનીઓમાં સામેલ થઈ.
તેમણે જોયું કે યુએઈમાં રહેતા ભારતીય પ્રવાસીઓને પોતાના ઘર પરિવારમાં પૈસા મોકલવામાં મુશ્કેલી પડે છે. જેને જોતા તેમણે ફાઈનાન્શિયલ સર્વિસ આપતી કંપની યુએઈ એક્સચેન્જની શરૂઆત કરી. થોડા વર્ષોમાં જ આ કંપની કરન્સી એક્સચેન્જ અને ફાઈનાન્શિયલ સર્વિસિસના સેક્ટરમાં મોટું નામ બની ગઈ. વર્ષ 2016માં યુએઈ એક્સચેન્જની 31 દેશોમાં 800 ઓફિસ ખુલી.
કંપનીઓ ખુલતી રહી અને શેટ્ટીનું બેંક બેલેન્સ વધતું રહ્યું. તેમની કુલ સંપત્તિ લગભગ 20,000 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ. તેમનું સામ્રાજ્ય હેલ્થ, ફાઈનાન્સ, રિયલ એસ્ટેટ સુધી ફેલાઈ ચૂક્યું હતું. તેઓ દુનિયાના સૌથી અમીર કન્નડ લોકોમાં સામેલ થયા હતા. લક્ઝરી લાઈફ જીવનારા શેટ્ટી પાસે અનેક રોલ્સ રોયસ કારો અને પ્રાઈવેટ જેટ, બુર્જ ખલીફામાં 25 મિલિયન ડોલરમાં બે ફ્લોર ખરીદ્યા હતા, દુબઈમાં અનેક વિલા હતા.
બધુ ઠીક ચાલતું હતું પરંતુ વર્ષ 2019 બાદ સ્થિતિ એવી બદલાઈ કે તેમણે પોતાની 18000 કરોડ રૂપિયાની કંપની ફક્ત 74 રૂપિયામાં વેચવી પડી. વાત જાણે એમ હતી કે વર્ષ 2019માં યુકે બેસ્ડ ફર્મ મડ્ડી વોટર્સ (Muddy Waters)એ એક ટ્વીટ કરીને બી આર શેટ્ટીની કંપનીઓ પર ગંભીર આરોપ લગવ્યા હતા. મડ્ડી વોટર્સ કરસન બ્લોક નામનો એક શોર્ટ સેલર ચલાવતો હતો. આ શોર્ટ સેલરની કંપનીએ ટ્વીટ કરીને એક રિપોર્ટ રજુ કર્યો. જેમાં જણાવ્યું કે બી આર શેટ્ટીની કંપની પર 1 બિલિયન ડોલરનું દેવું છે. જે તેમણે લોકો અને પોતાના રોકાણકારોથી છૂપાવીને રાખ્યું છે.
મડ્ડી વોટર્સે આરોપ લગાવ્યો કે શેટ્ટીએ દેવું છૂપાવ્યું અને કેશ ફ્લોના આંકડા વધારીને રજૂ કર્યા. આ ખુલાસા બાદ શેટ્ટીની કંપનીઓના શેર ક્રેશ થયા. બી આર શેટ્ટીએ દેવાળું ફૂંક્યું અને તેમણે પોતાની 18000 કરોડની કંપની ફક્ત 74 રૂપિયામાં વેચવી પડી. તેમની કંપનીને ઈઝરાયેલ-યુએઈ કન્સોર્ટિયમે ખરીદી લીધી.
દુબઈની બેંકોએ તેમને બ્લેકલિસ્ટ કરી દીધા. તેમની કંપનીઓ છીનવાઈ ગઈ. તેમને Bankrupt જાહેર કરી દેવાયા. બધુ ગુમાવ્યા બાદ બી આર શેટ્ટી હજુ પણ દુબઈમાં જ છે. જ્યાં તેઓ એક સામાન્ય જીવન જીવી રહ્યા છે. તેમને પોતાનો કારોબાર ફરીથી ઊભો કરવા માટે ભારે મથામણ કરવી પડી રહી છે.