Rajasthan Royals : ગુજરાત ટાઇટન્સ સામેની મેચમાં રાજસ્થાન રોયલ્સને 58 રને હારનો સામનો કરવો પડ્યો હતો. હારના દુ:ખ વચ્ચે BCCIએ કેપ્ટન સંજુ સેમસન સહિત પ્લેઇંગ-11ના તમામ ખેલાડીઓ સામે કાર્યવાહી કરી છે.
Rajasthan Royals : IPL 2025ની 23મી મેચ રાજસ્થાન રોયલ્સ માટે સારી રહી નહોતી. ગુજરાત ટાઇટન્સે તેને 58 રનથી હરાવ્યું હતું. મેચ બાદ હવે BCCIએ ટીમ પર મોટો દંડ ફટકાર્યો છે.
સંજુ સેમસનની આગેવાની હેઠળની આ ટીમ IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ દોષી ઠરી છે. આ સિઝનમાં રાજસ્થાન રોયલ્સની આ ત્રીજી હાર છે.
ગુજરાત ટાઇટન્સ સામેની મેચ દરમિયાન રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સેમસનને ધીમી ઓવર રેટ માટે દંડ ફટકારવામાં આવ્યો હતો. આઈપીએલ આચાર સંહિતાની કલમ 2.22 હેઠળ ટીમનો આ સીઝનનો બીજો ગુનો હતો. ગયા મહિને ગુવાહાટીના બરસાપારા સ્ટેડિયમમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની મેચમાં રાજસ્થાનને આ જ ગુના બદલ દંડ ફટકારવામાં આવ્યો હતો.
IPL મીડિયા રિલીઝમાં જણાવાયું છે કે, BCCIએ સેમસન પર 24 લાખ રૂપિયાનો ભારે દંડ ફટકાર્યો છે. જ્યારે ઇમ્પેક્ટ પ્લેયર સહિત બાકીની પ્લેઇંગ ઇલેવનને 6 લાખ રૂપિયા અથવા તેમની મેચ ફીના 25 ટકા (જે પણ ઓછી હોય) દંડ કરવામાં આવશે.
સાઈ સુદર્શનની શાનદાર અડધી સદી અને આક્રમક બોલિંગની મદદથી ગુજરાત ટાઇટન્સે રાજસ્થાન રોયલ્સ સામે 58 રને શાનદાર જીત નોંધાવી હતી. સુદર્શને 53 બોલમાં શાનદાર 82 રન ફટકાર્યા હતા, જ્યારે જોસ બટલર (36), શાહરૂખ ખાન (36) અને રાહુલ તેવટિયા (24) એ વિસ્ફોટક દાવ સાથે ગુજરાત ટાઇટન્સે 217/6નો મજબૂત સ્કોર બનાવ્યો હતો.
આ પછી ગુજરાતના બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું અને રાજસ્થાનને રન ચેઝ કરવા દીધા નહોતા. સિમરન હેટમાયર (52) અને સુકાની સંજુ સેમસને (41) આક્રમક ફટકાબાજી કરી હતી પરંતુ ટીમને જીત તરફ લઈ જઈ શક્યા નહોતા. રાજસ્થાન 19.1 ઓવરમાં 159 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું.