Hudo Ras World Record : ભરવાડ સમાજની 75,000થી વધારે બહેનોએ હુડો મહારાસ રમીને સર્જ્યો રેકોર્ડ, વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયામાં સ્થાન. PM મોદીએ કહ્યું- વૃંદાવનને જીવંત કરી દીધું
ધોલેરા તાલુકાના બાવળીયાળી ખાતે રમેશભાઈ ઓઝાના વ્યાસાસને ચાલી રહેલી શ્રીમદ ભાગવત ગોપ જ્ઞાન ગાથા પ્રસંગે આજે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સંત નગાલાખા બાપાની પુનઃ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત આયોજિત આ ભવ્ય આયોજનમાં આજે ગોપાલક સમાજની 75000 હજાર કરતા વધુ બહેનો દ્વારા હુડા રાસ રજૂ કરવામાં આવ્યો હતો. જેને વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયામાં સ્થાન મળતા તેનું પ્રમાણપત્ર મુખ્યમંત્રીના હસ્તે પ.પૂ.1008 રામબાપુ ને અર્પણ કરવામાં આવ્યું હતું.
બાવળીયાળી ઠાકરધામ ખાતે રમેશભાઈ ઓઝાના વ્યાસાસને ચાલી રહેલી શ્રીમદ ભાગવત ગોપ જ્ઞાન ગાથા પ્રસંગે આજે 2 લાખ કરતા વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ ભવ્ય આયોજનમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રીનું પાઘડી, બંડી પહેરાવી અને ડાંગ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મુખ્યમંત્રીએ ભવ્ય આયોજન બદલ શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે એક સાથે 75000 કરતા વધુ ગોપાલક સમાજની બહેનો દ્વારા હુડા રાસ રજૂ કરતા એક રેકોર્ડ સર્જાયો હતો. ત્યારે વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયાએ પોતાની બુકમાં રેકોર્ડની નોંધ લઈ મુખ્યમંત્રીના હસ્તે ઠાકર ધામ જગ્યાના મહંત પ.પૂ.1008 રામબાપુને એવોર્ડ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યો હતો.
કાર્યક્રમમાં અનેક ખ્યાતનામ કલાકારો પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના કંઠે રજૂ કરેલા ગીતો ઉપર બહેનોએ હુડા રાસની રમઝટ બોલાવી હતી. પુનઃ પ્રાણપ્રતિસ્ઠા કાર્યક્રમની પુર્ણાહુતી પૂર્વે અહીં હજુ વધુ બે રેકોર્ડ નોંધાશે, જેમાં 111 ફૂટની અગરબત્તી અને 22 ફૂટની વાંસળી અંગેના રેકોર્ડના પ્રમાણપત્ર બે દિવસ દરમ્યાન એનાયત કરવામાં આવશે.