Gujarat Rain alert: ગુજરાતમાં હાલ ભારે વરસાદ વરસી રહ્યો છે. મેઘરાજાએ ઉત્તર ગુજરાતનો વારો લીધો છે. અરવલ્લી જિલ્લાના મોડાસા વિસ્તારમાં ભારે વરસાદે વિનાશક સ્થિતિ સર્જી છે. મોડાસાના ગ્રામ્ય વિસ્તારોમાં આઠ ઈંચ જેટલો વરસાદ ખાબકતા અનેક ગામડાઓ પ્રભાવિત થયા છે.
ભારે વરસાદના કારણે 400 વીઘા ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. ભારે વરસાદથી 15 ગામમાં જવાનો માર્ગ બંધ થયા છે. વાહન વ્યવહારને પણ અસર પહોંચી છે. મોડાસામાં ભારે વરસાદથી ડુંગર પરથી પાણી આવતા ગામમાં ભરાયા છે.
મોડાસાના મોતીપુરામાં ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. ભારે વરસાદથી વાહન વ્યવહારને પણ અસર પહોંચી છે. અરવલ્લી જિલ્લાના મોડાસામાં આજે બારે મેઘ ખાંગા થયા છે. મોડાસામાં છેલ્લા ત્રણ કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે.
મોતીપુરા ગામ અને તેની આસપાસનો સમગ્ર વિસ્તાર જળમગ્ન બની ગયો છે. આ વિસ્તારની તમામ ખેતીલાયક જમીનો પાણીથી ઘેરાઈ ગઈ છે.
સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો છે. નજીકમાં આવેલી કેનાલમાંથી પણ પાણી વહી રહ્યું છે.
વરસાદની સ્થિતિને કારણે મોતીપુરાથી દધાલિયા સુધીના માર્ગ પર આવેલા 35 જેટલા ગામોનો સંપર્ક કપાઈ ગયો છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, એક બાઇક સવાર પાણીના તીવ્ર પ્રવાહમાં તણાઈ ગયો હતો.
ભારે વરસાદને પગલે હવામાન વિભાગ દ્વારા આજે અરવલ્લી જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.
મોડાસામાં આજે સવારથી જ મેઘરાજાનો પ્રકોપ જોવા મળ્યો છે. ભારે વરસાદને પગલે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ છે.