ઝી બ્યુરો/અમદાવાદ: આધ્યાત્મિક ચેતનાથી રાષ્ટ્રચેતનાના અભિયાન અંતર્ગત આસ્થા એકતા અને ઊર્જાના ધામ સમા વિશ્વ ઉમિયા ધામમાં જગતજનની માં ઉમિયાના વિશ્વના સૌથી ઊંચા મંદિર નિર્માણનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે જાસપુર મુકામે આવેલા વિશ્વ ઉમિયાધામ સ્મૃતિ મંદિર ખાતે ત્રિ દિવસીય પંચમ પાટોત્સવ મહોત્સવની ભવ્યાતિ ભવ્ય રીતે શરૂઆત થઈ છે. સાથે જ વિશ્વ ઉમિયા ધામ ખાતે મહાશિવરાત્રીની ઉજવણી કરાઈ હતી.
ભગવાન શિવ અને જગતજનની માં ઉમિયાના લગ્ન પ્રસંગનો કાર્યક્રમ યોજાયો હતો. આ શિવ વિવાહમાં જાણે બ્રહ્માંડના અનેક દેવો પધાર્યા હોય તેવો ભક્તોએ અનુભવ કર્યો હતો.
સાથે જ ભગવાન શિવની જાનમાં અનેક ભુતડાઓ અને ઇન્દ્રલોકના દેવો પણ પધાર્યા હોય તેવું તાદ્રશ્ય ઉભું થયું હતું.
શંકર વિવાહમાં ભક્તોએ પ્રસંગનો આનંદ લઇ શિવજી અને મા પાર્વતીના આશીર્વાદ મેળવ્યા હતા.
આ સાથે જ મહાશિવરાત્રીને લઈ લઘુરુદ્ર યજ્ઞનું પણ આયોજન કરાયું હતું. જેની પૂર્ણાહુતિ સાંજે છ કલાકે કરાઈ હતી. મહાશિવરાત્રીની ઉજવણીમાં લગભગ 5000 થી વધારે ભક્તોએ ભાગ લીધો હતો.
પંચમ પાટોત્સવ અંગે ચર્ચા કરતા સંસ્થાના પ્રણેતા પ્રમુખ આર પી પટેલ જણાવે છે કે વિશ્વ ઉમિયાધામ સ્મૃતિ મંદિરનો પંચમ પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાઈ રહ્યો છે. આજે સમગ્ર દિવસ જગતજનની માં ઉમિયા ની અખંડ ધૂન અને મહા આરતીનું આયોજન કરાયું છે.
તો પાટોત્સવના અંતિમ દિવસે અર્થાત શુક્રવારે ધ્વજારોહણ, નવચંડી યજ્ઞ, અન્નકૂટ દર્શન, બ્લડ ડોનેશન કેમ્પ અને ધર્મ સભાનું આયોજન કરાયું છે.