Bharuch Video : ભરૂચમાં એક કપલ સાથે મોટી દુર્ઘટના થતા થતા રહી ગઈ હતી. એકાંતની પળો માણવા બેઠેલું કપલ નર્મદા નદીનું પાણી સ્તર વધી જતા ફસાયું હતું. સ્થાનિકો ન હોત તો આ કપલનો જીવ બચ્યો ન હોત.
ભરૂચના અંકલેશ્વર તરફ નર્મદા મૈયા બ્રિજ નીચે નર્મદા કિનારે એક પ્રેમી યુગલ જીવના જોખમે બ્રિજ નીચે બેઠું હતું. સ્થાનિકો દ્વારા બહાર નીકળવાનું કહેતા વાત નહીં માની ત્યાં જ બેસી રહ્યું હતું. જોત જોતામાં નર્મદા નદીનો જળ પ્રવાહ વધતા કપલ ફસાયું અને ચારે તરફ પાણી વધી ગયું હતું.
શનિવારે સાંજે આ ઘટના બની હતી. એક પ્રેમી યુગલ બ્રિજના તળિયા પર આવેલા કોલમ પર જઈને બેસી ગયું હતું. કપલ નર્મદા નદીના વહેણને મસ્ત થઈને માણી રહ્યું હતું. તેઓને ભાન પણ ન હતું કે, આસપાસ શું થઈ રહ્યું છે અને ધીરે ધીરે નદીનો જળપ્રવાહ વધી રહ્યો છે તે તરફ પણ તેમણે ધ્યાન ન આપ્યું.
એક તરફ નદીનું પાણી વધી રહ્યું હતું, અને બીજી તરફ કપલ બેધ્યાન હતું. તેથી સ્થાનિકોએ તેઓને બૂમ પાડીને જાણ કરી હતી. લોકોએ ચેતવણી આપી ત્યાં સુધી તો પાણીનું સ્તર એટલું બધું વધી ગયું હતું કે, તેમનું બહાર નીકળવું મુશ્કેલ બની ગયું હતું.
યુગલ કોલમ પર જ ફસાઈ ગયું હતું. આવામાં કેટલાક સ્થાનિકો ત્યાં નાવડી લઈને પહોંચી ગયા હતા. ધર્મેશ સોલંકી અને તેમના સાથીઓએ નાવડી લઈને ઘટનાસ્થળે પહોંચીને યુગલને સુરક્ષિત રીતે બહાર કાઢ્યું અને કિનારે પહોંચાડ્યું હતું.
સ્થાનિક નાવિક દ્વારા નાવડીમાં બેસાડીને બહાર કાઢ્યા હતા, ત્યારે માંડ માંડ કપલનો જીવ બચ્યો હતો.
આમ, યંગસ્ટર્સ આ રીતે પોતાનો જીવ જોખમમાં મૂકી રહ્યાં છે. ક્યારેક રીલ બનાવવાના ચક્કરમાં, તો ક્યારેક એકાંત માણવાના ચક્કરમાં ગમે ત્યાં જઈ પહોંચે છે.