Gardening Tips: દરેક વ્યક્તિ સ્વસ્થ રહેવા માંગે છે. સ્વસ્થ રહેવા માટે સારો આહાર લેવો જરૂરી છે. લોકો કેટલીક વસ્તુઓ તાજી ખાવાનું પસંદ કરે છે. આવામાં તમે કેટલાક હર્બ ગણાતા છોડ ઘરે વાવી શકો છો. આ વસ્તુઓ રોજ ઉપયોગમાં આવે છે અને શરીરને ફાયદો કરે એવી છે. આ છોડ ઔષધીય ગુણ ધરાવે છે જે કુંડામાં સરળતાથી ઉગી જાય છે.
તમે ઘરમાં ફુદીનો આરામથી ઉગાડી શકો છો. ફુદીનો બજારમાંથી ખરીદો ત્યારે તેની નીચેની ડાળીઓને ફેંકવાને બદલે કુંડામાં વાવી દો. આ રીતે ફુદીનો ઝડપથી ઉગી પણ જશે અને તેનો ઉપયોગ તમે ચટણી, ડ્રિંક્સ અને દવા તરીકે પણ કરી શકો છો.
તુલસી પણ ઔષધીય ગુણો માટે જાણીતી છે. શરદી-ઉધરસમાં તુલસીનો ઉપયોગ થાય છે. તુલસી પણ કુંડામાં ઝડપથી ઉગી જાય છે. તુલસીનો ગ્રોથ સારો રહે તે માટે તેને તડકામાં રાખો અને રોજ પાણી પીવડાવો.
લીલા ધાણાનો ઉપયોગ રોજ રસોઈમાં થાય છે. આ છોડ પણ ઘરે આરામથી ઉગી જાય છે. સુકા ધાણાને કુંડામાં વાવી દેવાથી ઝડપથી ધાણા ઉગી જશે.
મેથીનો ઉપયોગ અલગ અલગ વાનગીઓમાં થાય છે. તમે નાનકડા કુંડામાં સુકી મેથી વાવી દેશો તો થોડા જ દિવસમાં ઘરમાં જ લીલી મેથી ઉગવા લાગશે. ઘરે ઉગેલી તાજી મેથીનો ઉપયોગ ઈચ્છા થાય ત્યારે કરી શકશો. બજારમાંથી મેથી ખરીદવી નહીં પડે.