Himalay Metal Report: શું તમને લાગે છે કે પહાડોની હવા અને વાદળ હંમેશા સાફ અને શુદ્ધ હોય છે? જો હા... તો એક નવી સ્ટડી તમને ચોંકાવી શકે છે. હાલમાં જ થયેલા સ્ટડીમાં સામે આવ્યું છે કે, વાદળ ધૂળ અને પ્રદૂષણથી ભરેલી ધાતુઓને ભારતના પહાડો સુધી લઈ જઈ રહ્યા છે. આ ધાતુઓ સ્વાસ્થ્ય માટે ગંભીર ખતરો ઉભો કરી રહી છે. ત્યારે આ બધું શું છે? કેવી રીતે થઈ રહ્યું છે? તેનાથી શું ખતરો છે? ચાલો જાણીએ વિગતવાર...
મહાબલેશ્વર, દાર્જિંલિંગ... આ એવા સ્થળના નામ છે જ્યાં જવું દરેક પ્રકૃતિપ્રેમીને ખૂબ ગમે છે. કેમ કે, અહીંયા પહાડોની હવા અને વાદળો હંમેશા વાતો કરવા નીચે આવતાં હોય તેવો અહેસાસ થાય છે. પરંતુ જો હવે તમે આવા કોઈ પહાડી રાજ્યોમાં જવાનું વિચારતા હોય તો આ રિપોર્ટ તમારે ચોક્કસ વાંચવો જોઈએ.
આ સ્ટડી એન્વાર્યનમેન્ટલ એડવાન્સ જર્નલમાં છપાયો છે. વાદળો કેડમિયમ, નિકલ, કોપર, ક્રોમિયમ અને ઝીંક જેવી ભારે ધાતુ લાવે છે. આ ધાતુઓ કેન્સર જેવી ખતરનાક બીમારીઓ ઉત્પન્ન કરી શકે છે. જેનાથી હાડકાની નબળાઈ, કિડનીની મુશ્કેલી ઉભી થઈ શકે છે. તો બાળકોમાં માનસિક વિકાસની સમસ્યાઓ ઉભી થઈ શકે છે. કોલકાતાના બોસ ઈન્સ્ટીટ્યૂટના વૈજ્ઞાનિકોએ આ રિસર્ચ કર્યુ છે.
હવે તમારા મનમાં એવો સવાલ થતો હશે કે આવું કઈ રીતે શક્ય બને? તો વૈજ્ઞાનિકોએ 2022માં ગરમીના અંતિમ દિવસોથી લઈને ચોમાસા સુધીના સેમ્પલ લીધા. જેના માટે મહાબલેશ્વર અને દાર્જિંલિંગની પસંદગી કરવામાં આવી હતી. કેમ કે ચોમાસાના વાદળ બંગાળની ખાડીના રસ્તે થઈને હિમાલય સુધી પહોંચે છે. તે વાદળોનો અભ્યાસ કરતાં સામે આવ્યું કે, તેમાં ધાતુઓનું પ્રમાણ વધારે છે.
આ ધાતુઓ વાદળમાં કઈ રીતે ભળી શકે? અને તે કઈ રીતે પહાડો સુધી પહોંચી રહી છે? આ ધાતુઓ વાદળોથી પહાડો સુધી પહોંચી રહી છે તેના માટે માણસ જવાબદાર છે. રસ્તાની ધૂળ, ગાડીનો ધુમાડો અને કોલસાનો સતત ઉપયોગ જવાબદાર છે.
શહેરોમાં કચરાને સળગાવવાથી ધાતુઓ હવામાં ભળે છે. પ્રવાસન સ્થળ પર ગાડીઓની ભીડ અને સ્થાનિક પ્રદૂષણ વધ્યું છે. માટીના ધોવાણથી પણ ધાતુઓ વાદળમાં ભળે છે. જે વાદળો વરસતા નથી તેમાં વધારે ધાતુઓ હોય છે.
આપણે અત્યાર સુધી એવું વિચારતા હતા કે, પહાડોની હવા અને વાદળ સ્વચ્છ હોય છે. પરંતુ આ હકીકત નથી. કેમ કે, પ્રવાસીઓ પહાડોની ખૂબસૂરતી અને ચોખ્ખી હવા માટે પહાડો પર જાય છે. પરંતુ હવે તમને લાગશે કે, આ બધું ખોટી વાત છે. કેમ કે પ્રદૂષણ અને પહાડો પર લોકોની વધુ પડતી અવર-જવરથી આ ખતરો વધી ગયો છે. જો હજુપણ આપણે નહીં સુધરીએ તો તે દિવસ દૂર નથી જ્યારે પહાડો પર શ્વાસ લેવો પણ લોકોને ભારે પડી જશે.