Lauki Barfi Recipe: જો તમારા ઘરમાં પણ મીઠાઈ ખાવાના શોખીન લોકો છે તો આજે તમને એક હેલ્ધી સ્વીટ ડિશ બનાવવાની રીત વિશે જણાવીએ. આ વાનગી એવી વસ્તુમાંથી બને છે જે શરીરને ફાયદો કરે છે.
દૂધી એવું શાક છે જેને જોઈને ઘણા લોકો મોં બગાડે છે પણ જો તમે દૂધીની બરફી બનાવીને ખવડાવશો તો કોઈને ખબર પણ નહીં પડે કે બરફી દૂધીની બનેલી છે અને જેને દૂધી નહીં ભાવતી હોય તે પણ વખાણ કરતાં કરતાં બે હાથે ખાશે. આ બરફી શરીરને એનર્જી પણ આપે છે અને ફાયદો પણ કરે છે.
દૂધીની બરફી બનાવવા માટે 500 ગ્રામ ખમણેલી દૂધી, 1 વાટકી ખાંડ અથવા સાકર, 1 લીટર ફુલ ફેટ દૂધ, 2 ચમચા ઘી, એલચી પાવડરની જરૂર પડશે. તમે ઈચ્છો તો બરફીમાં ઈચ્છા અનુસાર ડ્રાયફ્રુટ મિક્સ કરી શકો છો.
ખમણેલી દૂધીમાંથી પાણી નીતારી લેવું અને પછી એક કઢાઈમાં ઘી ગરમ કરી તેમાં દૂધીનું ખમણ ધીમા તાપે શેકો. દૂધીનું બધું જ પાણી બળી જાય પછી તેમાં દૂધ મિક્સ કરો. દૂધ ઉમેર્યા પછી દૂધીને સતત હલાવતા રહો જેથી તે નીચે ચોંટી ન જાય.
દૂધ બળી જાય અને મિશ્રણ ઘટ્ટ થાય પછી તેમાં ખાંડ ઉમેરો અને ખાંડનું પાણી બળે એટલે તેમાં એલચી પાવડર અને ડ્રાયફ્રુટ ઉમેરો. મિશ્રણ એકદમ ઘટ્ટ થઈ જાય એટલે ઘી લગાડેલી થાળીમાં પાથરી બરફીને ઠંડી કરી કટ કરી લો.