વૈજ્ઞાનિકોએ એક સુપર કોમ્પ્યુટર સિમ્યુલેશનની મદદથી પૃથ્વીના ભવિષ્યની ઝલક જોઈ છે. જેનાથી ખબર પડે છે કે આવનારા દિવસોમાં ધરતી પર રહેવું મુશ્કેલ બની શકે છે. આ પરિણામ જોતા કહી શકાય કે દુનિયાના અંતનો સમય નક્કી થઈ ચૂક્યો છે. તે વિનાશકારી દિવસે કદાચ કોઈ જીવતું નહીં બચે. જાણો આખરે સર્વનાશ કેવી રીતે થશે?
વર્ષ 2012ને કોઈ ભૂલી શકે નહીં કારણ કે આ એ જ વર્ષ હતું જ્યારે દુનિયાના અંતનો ડર દરેકના મનમાં પેસેલો હતો. અનેક રિપોર્ટ્સમાં દાવો કરાયો હતો કે પૃથ્વી સંપૂર્ણ રીતે નષ્ટ થઈ જશે અને કોઈ પણ જીવતુ બચશે નહીં. એવું કહેવાયું હતું કે 21 ડિસેમ્બરે ધરતીનો છેલ્લો દિવસ હશે અને 2012માં એક ભયાનક તબાહી આવવાની છે.
કેટલાક પ્રાચિન માન્યતાઓ, પંચાંગ અને વૈજ્ઞાનિક રિસર્ચમાં પૃથ્વીની ઉંમર અને તેના અંત વિશે જણાવવામાં આવ્યું છે. પરંતુ હાલમાં જ એક સુપરકોમ્પ્યુટરે પણ દુનિયાના અંતની ભવિષ્યવાણી કરી છે, જેનાથી નવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.
નવા સુપરકોમ્પ્યુટર સિમ્યુલેશને વૈજ્ઞાનિકોને પૃથ્વીના ભવિષ્યની ઝલક દેખાડી છે. આ અભ્યાસથી સંકેત મળે છે કે આવનારા વર્ષોમાં પૃથ્વી પર જીવન ખુબ કપરું હોઈ શકે છે. રિસર્ચર્સનું માનવું છે કે 250 મિલિયન વર્ષોમાં ગ્રહે એક એવી પરિસ્થિતિઓનો સામનો કરવો પડી શકે છે કે જે અત્યાર સુધી જોવા કે સાંભળવા ન મળી હોય.
ધરતીનું તાપમાન ઝડપથી વધી રહ્યું છે, જેણે વૈજ્ઞાનિકોને ચિંતિત કરી દીધા છે. એક નવા રિસર્ચ મુજબ આ સ્થિતિ એક એવી દુનિયા તરફ ઈશારો કરી રહી છે કે જ્યાં માણસો સહિત અનેક જીવ વિલુપ્ત થઈ શકે છે. વધુ પડતી ગરમી અને વધતી જ્વાળામુખી ગતિવિધિઓના કારણે ભવિષ્યમાં પૃથ્વી પર જીવન મુશ્કેલ થઈ શકે છે.
બ્રિસ્ટલ યુનિવર્સિટીના રિસર્ચમાં અનુમાન કરાયું છે કે 250 મિલિયન વર્ષોમાં પૃથ્વીના તમામ મહાદ્વીપ મળીને એક નવો સુપરકોન્ટિનેન્ટ બનાવશે. જેને પેન્જિયા અલ્ટિમા કહેવામાં આવશે. આ વિશાળ ભૂભાગ પર ખુબ ગરમી હશે અને અનેક જગ્યાઓ પર તાપમાન 50°C (122°F) સુધી પહોંચી શકે છે. જેનાથી જીવન મુશ્કેલ બની જશે.
આ નવો મહાદ્વીપ જે સંભવિત રીતે ભૂમધ્ય રેખા પાસે બનશે, ખુબ ગરમ અને શ્વાસ રૂંધી નાખે તેવો હશે. અહીં વધુ પડતી ગરમી, ખુબ ભેજ અને તેજ જ્વાળામુખીય ગતિવિધિઓ હશે. આ કઠોર પરિસ્થિતિઓના કારણે પૃથ્વીનો મોટાભાગનો હિસ્સો સ્તનધારી જીવો માટે રહેવાલાયક નહીં રહે અને જીવનનું અસ્તિત્વ જોખમમાં આવી શકે છે.
જેમ જેમ પૃથ્વી પર જ્વાળામુખીય ગતિવિધિઓ વધશે, વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ પણ વધશે. જેનાથી ગ્રીન હાઉસ પ્રભાવ વધુ તેજ થશે. આ સાથે જ સૂર્યની રોશની વધુ તીવ્ર થશે જેનાથી ધરતી વધુ ગરમ થશે. વધતા તાપમાનના કારણે માનવજાતિનું અસ્તિત્વ જોખમમાં પડી શકે છે અને એવું કહેવાય છે કે આવી પરિસ્થિતિઓ પૃથ્વીને રહેવા યોગ્ય નહીં રાખે.
આ અભ્યાસમાં ભવિષ્યવાણી કરાઈ છે કે પૃથ્વીનો 92 ટકા ભાગ માણસોના રહેવા લાયક નહીં રહે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે ફક્ત ધ્રવીય અને કાંઠા વિસ્તારોમાં જ જીવન શક્ય બની શકશે. જળવાયુ વૈજ્ઞાનિક ડો. એલેક્ઝેન્ડર ફાર્નસ્વર્થે તેને સ્તનધારીઓ માટે 'ટ્રિપલ વ્હેમી' (ત્રેવડો માર) કહ્યો છે. તેમનું કહેવું છે કે વધુ પડતી ગરમી, શ્વાસ રૂંધી નાખે તેવો ભેજ અને વધતી જ્વાળામુખી ગતિવિધિઓ બધુ મળીને ખતરનાક પરિસ્થિતિઓ સર્જી નાખશે જેનાથી પૃથ્વી પર જીવિત રહેવું લગભગ અશક્ય બની જશે.
આ પ્રકારના રિપોર્ટ્સથી સ્પષ્ટ થાય છે કે પૃથ્વીનું ભવિષ્ય અનિશ્ચિત બનેલું છે. જો કે એ પણ સત્ય છે કે આપણા દ્વારા કુદરત વિરુદ્ધ કરાયેલા કાર્યો ધીરે ધીરે વિનાશ તરફ સંકેત આપી રહ્યા છે. ભલે આપણે આપણા જીવનકાળમાં આ ભયાનક ત્રાસદીનો સામનો ન કરીએ પરંતુ જળવાયુ પરિવર્તનના ગંભીર પડકારો હજુ પણ આપણી સામે છે. જો સમયસર પગલાં નહીં ભરવામાં આવે તો આવનારી પેઢીઓ માટે પૃથ્વી પર જીવન ખુબ મુશ્કેલ બની રહેશે.