સોનાના ભાવોમાં શુક્રવારે પણ ઘટાડો જોવા મળ્યો છે. ટ્રેડ ડીલ્સની આશાથી સુરક્ષિત રોકાણની માંગણી ઘટી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તો સોનું સુસ્ત છે જ, ઘરેલુ વાયદા બજાર અને રિટેલ બજારમાં પણ આજે સોનામાં કડાકો જોવા મળ્યો છે. જો તમે લેવાનું વિચારતા હોવ તો લેટેસ્ટ રેટ ખાસ જાણો.
ઈન્ડિયા બુલિયન જ્વેલર્સ એસોસિએશન (IBJA) મુજબ 24 કેરેટ સોનાનો ભાવ આજે 145 રૂપિયાના ઘટાડા સાથે 98,735 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જોવા મળ્યો જે કાલે કડાકા સાથે 98,880 પર ક્લોઝ થયું હતું. ગઈ કાલનો ઓપનિંગ રેટ જોઈએ તો સોનું 99,107 રૂપિયા પર ખુલ્યું હતું. એ રીતે જોઈએ તો છેલ્લા 24 કલાકમાં સોનામાં 372 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે. કાલે પણ સોનું મોટા કડાકા સાથે જ ખુલ્યું હતું. જ્યારે ચાંદીની વાત કરીએ ગઈ કાલે ચાંદી સાંજે 542 રૂપિયા વધીને 1,15,092 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ક્લોઝ થઈ હતી પરંતુ આજે પાછો ઘટાડો જોવા મળ્યો અને 104 રૂપિયા ઘટીને 1,14,988 રૂપિયા પર ખુલી.
સવારે 11 વાગ્યાની આસપાસ MCX (મલ્ટી કોમોડિટી એક્સચેન્જ) પર ગોલ્ડ 156 રૂપિયાના ઘટાડા સાથે 98,570 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું હતું. કાલે તે 98,726 રૂપિયા પર ક્લોઝ થયું હતું. ચાંદી આ દરમિયાન 152 રૂપિયાના વધારા સાથે 1,15,285 રૂપિયા પ્રતિ કિલોગ્રામના લેવલે જોવા મળી જે કાલે 1,15,133 રૂપિયા પર ક્લોઝ થઈ હતી.
વૈશ્વિક બજારની વાત કરીએ સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો. વૈશ્વિક વેપાર તણાવ ઘટવાના સંકેતોના પગલે રોકાણકારોની સેફ હેવન (સુરક્ષિત રોકાણ) સંપત્તિઓની માંગણી ઘટી ગઈ. જેનાથી સોનાની ચમક થોડી ફિક્કી પડી. સ્પોટ ગોલ્ડ 0.6% ગગડીને $3,367.72 પ્રતિ ઔંસ પર પહોંચ્યું. જ્યારે યુએસ ગોલ્ડ ફ્યૂચર્સ 0.7%ના કડાકા સાથે $3,373.5 પર બંધ થયું.
બજારમાં એવી આશા છે કે અમેરિકા અને જાપાન વચ્ચે ટ્રેડ ડીલ બાદ હવે અમેરિકા અને યુરોપિયન સંઘ (ઈયુ) વચ્ચે પણ કરાર થઈ શકે છે. આ સકારાત્મક સંકેતોથી જોખમભરી સંપત્તિઓમાં રોકાણનું વલણ વધતું જોવા મળ્યું છે. જેનાથી સોના જેવી સુરક્ષિત રોકાણની માંગણી થોડી ઘટી છે. જો કે લાંબા સમયગાળામાં આર્થિક અસ્થિરતા અને વ્યાજ દરોની દિશા પર રોકાણકારોની નજર રહેશે.
અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી. (શનિવાર, રવિવાર અને જાહેર રજાઓ)