Gujarat Famous Beach Madhavpur: આ વેકેશનમાં બાળકો સાથે ક્યાંય ફરવા જવાનું વિચારતા હોય તો આજે તમને એક એવી જગ્યા વિશે જણાવીએ જ્યાં નાના-મોટા સૌ કોઈને ફરવાની મજા આવશે. શનિ-રવિની રજામાં ફરવા જવું હોય તો પોરબંદરથી 58 કિમી દુર આવેલા માધવપુર ઘેડની એકવાર મુલાકાત લેવા જેવી છે.
માધવપુર દરિયાકિનારે વસેલું એક ગામ છે. અહીંનું કુદરતી સૌંદર્ય પ્રવાસીઓના મનમાં વસી જાય છે. ગુજરાતના લોકપ્રિય બીચમાંથી એક માધવપુરનો રમણીય દરિયાકિનારો એકવાર જોશો તો ક્યારેય ભુલી નહીં શકો.
એક તરફ અફાટ સમુદ્ર અને બીજી તરફ નાળિયેરીના ઊંચા ઝાડ અને ખેતરો વચ્ચે વસેલું માધવપુર ધાર્મિક દ્રષ્ટિએ પણ મહત્વ ધરાવે છે. માધવપુરની ધરતી પર શ્રીકૃષ્ણએ રુક્ષ્મણીજી સાથે વિવાહ કર્યા હતા. અહીં માધવરાઈનું પ્રખ્યાત મંદિર પણ આવેલું છે.
જો તમે વેકેશનમાં સોમનાથ કે દ્વારકાની મુલાકાત લેવાના હોય તો આ બંને સ્થળની વચ્ચે આવેલા સુંદર દરિયાકિનારે જવાનું ચુકતા નહીં. સોમનાથથી દ્વારકા જતા પોરબંદર હાઈવે પર માધવપુર નામનું એક સુંદર ગામ વસેલું છે. આ આખું ગામ દરિયાકિનારે આવેલું છે.
માધવપુરનો ઘુઘવતો દરિયો, ચમકતી સોનેરી રેતી, લીલોતરી અને શાંત વાતાવરણ જોઈને તમે ગોવા જવાનું બંધ કરી દેશો. માધવપુર બીચ ખાતે બાળકો અલગ અલગ એક્ટિવિટી પણ કરી શકે છે. માધવપુર ખાતે ઓશો આશ્રમ પણ આવેલું છે જ્યાં વિદેશી પ્રવાસીઓ પણ સમય પસાર કરવા આવે છે.
માધવપુરમાં ફરવાલાયક સ્થળોની વાત કરીએ તો બીચ ઉપરાંત અહીં મધુવન આવેલું છે જ્યાં ભગવાન શ્રીકૃષ્ણના લગ્નનું સ્થળ છે, અહીં મંદિરમાં ભગવાન માધવરાઈ સ્વરુપે બીરાજે છે. સાથે જ અહીં ઓશો આશ્રમ પણ આવેલું છે. માધવપુર બીચ પોરબંદરથી 58 કિમી, સોમનાથથી 73 કિમી, રાજકોટથી 191 કિમી અને અમદાવાદથી 390 કિમી દુર છે.