Gujarat Weather Forecast: ગુજરાતમાં હાલ વરસાદનું જોર ઓછું થયું છે. તો બીજી બાજુ સૌરાષ્ટ્ર અને કચ્છ પર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે. આ સાથે એક મોન્સૂન ટ્રફ લાઈન પણ છે. જેના કારણે બે દિવસ બાદ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. એટલે કે, 13મી જુલાઈથી ફરી વરસાદનું જોર વધી શકે છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસે ચેતવણી આપી કે, આજથી બે દિવસ વરસાદનું જોર ઘટશે. 10 અને 11 જુલાઈએ વરસાદને લઈ રાજ્યમાં કોઈ એલર્ટ નથી. 10 થી 11 જુલાઈએ માત્ર હળવા વરસાદની આગાહી છે. પરંતુ 12 જુલાઈથી રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે.
બંગાળની ખાડીમાં સર્જાયેલ લો પ્રેશર મધ્યપ્રદેશ બાજુ આગળ વધશે તો ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજાની જમાવટ થશે. 12થી 14 જુલાઇની આસપાસ ફરી એકવાર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનું અનુમાન છે. હવામાન વિભાગે નર્મદા, સુરત, નવસારી, વલસાડ, તાપી અને ડાંગ જિલ્લાઓ માટે ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે અને આ સાથે આ વિસ્તારોમાં વાવાઝોડા અને વીજળી પડવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.
આ ઉપરાંત અમરેલી, ભાવનગર, પંચમહાલ, દાહોદ, છોટા, ડાંગ અને તાપી જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને અહીં વિવિધ સ્થળોએ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત રાજ્યના અન્ય જિલ્લાઓ માટે મધ્યમ વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી હતી કે, રાજ્યમાં 22થી 30 જુલાઈ સુધીમાં ધોધમાર વરસાદ વરસશે. અંબાલાલ પટેલના અનુસાર 22 થી 30 જુલાઈ દરમિયાન એક મજબૂત વરસાદી સિસ્ટમ બનશે. જેના કારણે 2 થી 10 ઈંચ જેટલો વરસાદ વરસશે. નર્મદા અને સાબરમતી નદી બે કાંઠે વહેતી થશે. તો 9 થી 15 જૂલાઈ દરમિયાન પણ ગુજરાતમાં ભારે વરસાદ વરસશે.
પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, અત્યારે જે વરસાદ પડી રહ્યો છે તેના કરતાં હવેના વરસાદની તીવ્રતા વધશે. એકાદ દિવસમાં વરસાદની તીવ્રતા અને વિસ્તારમાં વધારો થશે. હાલ પણ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. બદલતા હવામાનના કારણે રાજ્યમાં ચોમાસાની પેટર્નમાં બદલાવ થયો છે.